Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

માલવીયા ચોકમાં ભારત પેટ્રોલિયમ સર્વિસ સેન્ટર નામની દૂકાનમાં આગઃ મોટુ નુકસાનઃ આજુબાજુની દૂકાનોને બચાવી લેવામાં આવી

રાજકોટઃ શહેરના માલવીયા ચોકમાં આવેલી ભારત પેટ્રોલિયમ સર્વિસ સેન્ટર તેમજ ભારત પેટ્રોલિયમ નામની દૂકાનમાં  સવારે આગ ભભૂકતના ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરશ્રી ખેર, ડે. ચીફ ફાયર ઓફિસરશ્રી ઠેબા તથા ચાર ફાયર ફાયટરો ટીમ સાથે પહોંચ્યા હતાં અને આગ બુઝાવવા કામગીરી હાથ ધરી હતી. આગ પાછળના ભાગે સ્ટોર રૂમમાં લાગી હતી. ઓટો પાર્ટસ, બેટરી ફીલ્ટર, લેપટોપ, કોમ્પ્યુટર બે નંગ, ત્રણ એ.સી. સહિત આગથી સળગતા હોઇ સતત પાણીનો મારો ચલાવી પોણો કલાકમાં આગ કાબૂમાં લેવાઇ હતી.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ દૂકાન અંદર ઘોડામાં ઓફિસનું સાહિત્ય પડ્યું હોઇ તે તથા દસ જેટલા કબાટમાં આગથી અને પાણીના મારાથી નુકસાથ થયું હતું. ઉપરના મેડા પર રાખેલો સામન પણ સળગી ગયો હતો. અન્ય પાર્ટીસનના દરવાજા ધૂમાડાને બહાર કાઢવા માટે તોડવા પડ્યા હતાં. તેનાથી પણ નુકસાન થયું હતું. ફર્નિચર બારી દરવાજા સળગી ગયા હતાં. બહાર એક કોમ્પ્યુટરને આગની ગરમી અને પાણીથી નુકસાન થયું હતું. આગનું કારણ જાણવા મળ્યું નથી. આગથી કોઇ જીવહાન થઇ નથી. નુકસાનીનો આંક પણ જાણવા મળ્યો નથી. ફાયર બ્રિગેડની ટીમોએ આસપાસની દૂકાનો બચાવી લીધી હતી. દૂકાન માલિક હંસરાજભાઇ મનસુખલાલ મહેતા તથા તેમનો સ્ટાફ હાજર હતાં. બનાવની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(12:56 pm IST)