Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજકોટ જિલ્લાના ગામડાઓમાં રસીકરણ 'કાચબા' જેવી ગતિએઃ ગઈકાલે માત્ર ૧૩૪૨ને અપાઈ

રસીનો જથ્થો ઓછો કે તંત્ર નબળુ ? જિલ્લામાં ૫૯૧ ગામ છેઃ કોરોનાના ફુફાડા

રાજકોટ, તા. ૧૩ :. જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું રસીકરણ ધીમુ પડી ગયુ છે. ગઈકાલના જિલ્લા આરોગ્ય તંત્રના સત્તાવાર આંકડાઓ મુજબ ગામ દીઠ સરેરાશ ૨ થી ૩ લોકોને રસી મુકાયેલ છે. રસી મૂકાવવા ઈચ્છતા અનેક લોકો સરકારી વ્યવસ્થાના અભાવે હેરાન થઈ રહ્યા છે. અધિકારીઓ અને પદાધિકારીઓએ આ પાયાની બાબત તરફ ધ્યાન આપવુ જોઈએ. તેવી લોકલાગણી છે. તા. ૧૧મીએ ૬૨૫૦ લોકોને રસી મુકાયાનું નોંધાયુ છે.

સત્તાવાર આંક મુજબ તા. ૧૨ મેએ જિલ્લામાં ૬૦ વર્ષથી ઉપરના ૧૪૬ લોકોને પ્રથમ અને ૨૩૮ લોકોને બીજો ડોઝ અપાયેલ. ૪૫થી ૬૦ વર્ષ વચ્ચે ૭૩૨ને પ્રથમ અને ૨૨૬ને બીજો ડોઝ અપાયેલ. કુલ ૮૭૮ લોકોને પ્રથમ ડોઝ અને ૪૬૪ લોકોને બીજો ડોઝ અપાયેલ. ગઈકાલના દિવસમાં કુલ ૧૩૪૨ લોકોનું રસીકરણ થયેલ. ૧૮થી ૪૪ વર્ષ વચ્ચેના લોકો માટે ઓનલાઈન નોંધણી થાય છે. તે આંકડા આ રેકોર્ડમાં દર્શાવેલ નથી. ઓનલાઈન નોંધણીમાં પારાવાર મુશ્કેલીની વાત જાણીતી છે. રસીકરણ અતિ ધીમુ ચાલવાની બાબત તપાસ પાત્ર છે.

(12:58 pm IST)