Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

'તુ આવી ત્યારથી અમારે ત્યાં સત્યાનાશ થવા લાગ્યું છે' કહી શબનમબેન શેખને પતિ-સાસરિયાનો ત્રાસ

રામનાથપરા માવતર ધરાવતી પરિણીતાની ફરિયાદઃ ગોંડલના પતિ રાકેશ શેખ, સાસુ અજમીરાબેન શેખ અને જેઠ માણેક શેખ સામે ગુનો

રાજકોટ તા. ૧૩: રામનાથપરામાં માવતરના ઘરે રીસામણે આવેલી પરિણીતાને 'તું આવી ત્યારથી જ અમારે ત્યાં સત્યાનાશ થવા લાગ્યું છે' અને પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ અને કરિયાવર બાબતે ગોંડલના પતિ, સાસુ અને જેઠ મારકુટ કરી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં. ૧૪ માં અઢી માસથી રીસામણે આવેલી શબનમબેન રાકેશ શેખ (ઉ.વ. ર૪) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગોંડલ માંડવી ચોક, મોતી બજાર, હવેલીવાળી શેરીમાં રહેતા પતિ રાકેશ મુજબભાઇ શેખ, સાસુ અજમીરાબેન મુજબભાઇ શેખ અને જેઠ માણેક મુજબભાઇ શેખના નામ આપ્યા છે. શબનમબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે એમ.કોમ. સુધી અભ્યાસ કરેલ છે. પોતાના અઢી વર્ષ પહેલા ગોંડલના રાકેશ શેખ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ પોતે પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા એક માસ પોતાને સારી રીતે રાખેલ બાદ પતિ, સાસુ અને જેઠ ઘરકામ જેવી નાની નાની બાબતે ઝઘડો કરી મેણાટોણા મારતા હતા અને પતિને ચઢામણી કરતા તે મારકુટ કરતા હતા અને ર૦૧૮માં નાતાલના તહેવારની ઉજવણીમાં જમવાનું બનાવવા બાબતે પતિ અને સાસુ વચ્ચે ઝઘડો થતા સાસુ પોતાને કહેવા લાગેલ કે 'આ બધુંય તારા કારણે થયું. તું આવી ત્યારથી જ અમારે ત્યાં સત્યાનાશ થવા લાગ્યું છે.' તેમ કહી ઝઘડો કર્યો હતો અને કરિયાવર બાબતે મેણાટોણા મારી ફર્નિચર બાબતે સંભળાવતા અને પતિના ધંધા માટે પૈસા માંગતા પોતાના પિતાએ બે લાખ આપતા થોડો સમય સારી રીતે રાખેલ ત્યારબાદ એક દિવસ પતિ એક પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો અને બંને બે કલાક રૂમમાં રહ્યા હતા. આ બાબતે સાસુને વાત કરતા તેણે પતિને ચઢામણી કરી માર મારવાનું કહેતા પતિએ પોતાને ગાળો આપી ઝઘડો કર્યો હતો. આ તરાસના લીધે પોતે માનસીક તણાવમાં આવતા પોતે દવા પી લેતા બેભાન થઇ ગયા હતા. પતિ બાજુમાં બેઠા હતા પણ તેણે ધ્યાન આપ્યું નહિં અમુક કલાકો બાદ પોતે ભાનમાં આવ્યા બાદ ઉલ્ટી થઇ હતી. બાદ પોતાના પિતા સાસરે આવ્યા ત્યારે સાસુએ કહેલ કે 'તમારે જે કરવું હોય તે કરો હવે અમે તમારી દિકરીને નહિં રાખીએ બાદ પિતા પોતાને ગોંડલમાં જ દવાખાને લઇ ગયેલ બાદ પિતાએ સમાધાન માટે સાસુને ફોન કરતા તેણે કહેલ 'તમારે જે કરવું હોય તે કરો' જેથી પિતા પોતાને રાજકોટ લઇ આવ્યા હતા. દસ મહિના બાદ સમાધાન થતા પિતા પોતાને સાસરે મુકી ગયા હતા થોડા દિવસો બાદ પતિએ દારૂ પીને આવી મારકુટ કરતા પોતે ૧૮૧ ની ગાડી બોલાવી હતી ૧૮૧ની ટીમે સમાધાનના પ્રયત્નો કરેલ પરંતુ સાસરીયાઓ ન માનતા પોતે રાજકોટ માવતરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. આર. એ. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(3:16 pm IST)