Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોના સામે અજેય ૮૫ વર્ષના મંજુબેન કથુર

ઉંચી ડી ડાઈમર વેલ્યુ છતાં માત્ર ૧૨ દિવસમાં જ કોરોનામુકત

રાજકોટઃ કોરોના સામેનું યુદ્ધ હવે વૃદ્ધો પણ આસાનીથી જીતી શકે છે, તે બાબત રાજકોટના ૮૫ વર્ષના મંજુબેન કથુરે સાચી પુરવાર કરી બતાવી છે.

 ત્રણ દીકરાઓ તથા તેમની વહુઓ અને સંતાનોના વિશાળ પરિવારમાં વસતા ૮૫ વર્ષના મંજુબેનને ૨૭ એપ્રિલે સાંજે શ્વાસ લેવામાં તકલીફ થવાથી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના લોહીની તપાસ કરવાથી તેમની ડી ડાઈમર વેલ્યુ ઊંચી આવી. પરંતુ તેમનું ઓકિસજન લેવલ ૯૦ થી ૯૨ સુધીનું રહેતું હોવાથી તેમને વધુ સારવાર અર્થે કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે ભરતી કરવામાં આવ્યા. આ સેન્ટર ખાતે બાર દિવસની સારવાર લઈને ૮૫ વર્ષના મંજુબેનને કોરોનાને સંપૂર્ણ રીતે હરાવ્યો અને તેઓ પુનઃ સ્વસ્થ થઈ ગયા. તેમના પૌત્ર પાર્થ કથુર જણાવ્યું હતું કે મારા દાદીનું લોહી જાડું થઈ ગયું હતું, પરંતુ ઇન્જેકશનથી લોહી પાતળું કરવાની સારવાર લેવાને બદલે તેઓ માત્ર મોઢેથી ગળવાની દવા લઈને જ સાજા થઇ શક્યા, જેનો અમને ખૂબ આનંદ છે. મારા દાદીને કેન્સર  કોવિડ કેર સેન્ટર ખાતે જમાડવામાં, દૈનિક નિત્યક્રિયાઓ કરવામાં તથા આનંદમાં રાખવા અહીંના સ્ટાફે ખૂબ મદદ કરી છે. તેમના આ વલણને લીધે જ મારા દાદી ખૂબ વહેલા સાજા થઇ શક્યા છે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે યુનિવર્સિટી રોડ સ્થિત કેન્સર હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેના સુપ્રીન્ટેડેન્ટ તરીકે ડો. અંજનાબેન ત્રિવેદી તથા નોડલ ઓફિસર તરીકે ડો. ઇલ્યાસ જુનેજા સેવાઓ આપે છે. 

(3:22 pm IST)