Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

મ્યુકોરમાયકોસીસ સામે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ મેદાને : બે મહિનામાં 507 સર્જરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો

ડોક્ટરો દ્વારા સતત 12 કલાક 5 ઓપરેશન થિએટરમાં રોજનાં 20 થી વધુ ઓપરેશન : 300 કરતા વધુ દર્દીઓ ઓપરેશન બાદ સમરસ ખાતે ઓબ્જર્વેશન હેઠળ

રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા મ્યુકોરમાઇકોસીસ સામે રાત-દિવસ લડાઈ કરવામાં આવી રહી છે. અને માત્ર બે મહિનાનાં ટૂંકા સમયમાં 507 દર્દીઓની સર્જરી કરી ડોક્ટરોએ વધુ એક નવો રેકોર્ડ સર્જ્યો છે. આ માટે ડોક્ટરો દ્વારા સતત 12 કલાક 5 ઓપરેશન થિએટરમાં રોજનાં 20 થી વધુ ઓપરેશન કરવમાં આવી રહ્યા છે. ડોક્ટરોની મહેનત રંગ લાવી છે. અને મ્યુકોરમાયકોસીસના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાથે જ 60 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. અને 300 કરતા વધુ દર્દીઓ ઓપરેશન બાદ સમરસ ખાતે ઓબ્જર્વેશન હેઠળ છે.

સિવિલનાં ઈએનટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે કે, કોરોનાની બીજી લહેર બાદ મ્યુકોરમાયકોસીસના કેસની લહેર આવતા એક સાથે અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર્થે આવતા અમારા માટે તેમને વહેલી તકે નિદાન, સારવાર અને સર્જરી કરવી એ ખુબ જ મોટી ચેલેન્જ હતી. પરંતુ સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને જરૂરી ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને જ અમે આટલી મોટી સંખ્યામાં સફળતા પૂર્વક દર્દીઓની સાર સંભાળ રાખી શક્યા છીએ.

દર્દીઓની સર્જરી ઉપરાંત ટ્રીટમેન્ટ વિષે જણાવતા ડો. સેજલે કહ્યું હતું કે, મોટેભાગે મ્યુકોરમાયકોસીસના દર્દીઓ ડાયાબિટીક દર્દીઓ અને પોસ્ટ કોરોના દર્દીઓ હોઈ તેમની ઇમ્યુનીટી અને બીજા ફેક્ટર ધ્યાનમાં રાખી હાઈલી સ્કિલફુલ સર્જરી કરવી પડે છે. આ સર્જરી નાકમાં દૂરબીન નાખી કરવામાં આવતી હોઈ સર્જરી દરમ્યાન સાયનસના ભાગે ખુબ સાવચેતી રાખવી પડે. જેની સીધી અસર આંખ અને મગજના તાળવે થતી હોય છે. જ્યાં અંદરની તવચા ખુબ જ નાજુક હોઈ  જરાપણ ડેમેજ નો થાય તે રીતે ધીરજ પૂર્વક સર્જરી કરવી પડે છે.

મ્યુકોર માયકોસીસની સારવાર બે ભાગમાં વહેંચાયેલી હોઈ છે. જેમાં એક ભાગ સર્જીકલ અને બીજો ભાગ મેડિકલ ટ્રીટમેન્ટ હોય છે. દર્દી દાખલ થયા બાદ તેમના ફંગસ માટેના જુદા જુદા રિપોર્ટ તેમજ જરૂર પડ્યે ઈ.એમ.આર.આઈ. કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીને ફંગસની ગંભીરતા તેમજ ઉંમરના ક્રાયેટેરિયા બાદ તેમનું ઓપરેશન અગ્રતાના ધોરણે કરવામાં આવે છે. પહેલા તેમની ફિટનેસ ચેક કરવામાં આવે છે. ઓપરેશન પહેલા અને ત્યારબાદ તેમની મેડિકલ ટ્રીટમેન્ટ શરુ કરી દેવામાં આવેછે. જેમાં જરૂરી ઇન્જેક્શન અને મેડિસિન હોઈ છે. ઓપરેશન બાદ દર્દીને 21 થી 45 દિવસ સુધી ઓબ્જર્વેશનમાં રાખવામાં આવે છે. એટલુંજ નહિ પરંતુ દર્દીને રજા આપ્યા બાદ તેઓનું સાપ્તાહિક ચેકઅપ પણ કરવામાં આવે છે.

રાજકોટ સિવિલમાં સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ સહિતના સ્થળોએથી મ્યુકોર માયકોસીસના 800 કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં સિવિલ અધિક્ષક, કલેકટર રેમ્યા મોહન તેમજ ઈ.એન. ટી. સોસાયટીનો બહોળો સહયોગ મળ્યો છે. રાજકોટ સિવિલમાં છેલ્લા બે મહિના જેટલા ગાળામાં 500 થી વધુ ઓપરેશન દ્વારા મોટાભાગના દર્દીઓને સારવાર બાદ ઓર્ગન ડેમેજ કંટ્રોલ કરી શકાયો છે. કેટલાક કિસ્સાને બાદ કરતા કોઈ દર્દીને શરીરના કોઈ અંગ ગુમાવવાનો વારો આવ્યો નથી, જે પોતાના માટે આનંદની વાત હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં સિવિલ હોસ્પિટલમાં ENT ડોક્ટર્સ ડો. સેજલ, ડો. પરેશ ખાવડુ તેમજ ડો. સંદીપ વાછાણીની આગેવાનીમાં સિનિયર રેસિડન્ટ ડોક્ટર્સ, જરૂર મુજબ આંખના અને દાંતના ડોક્ટર્સ અને ખાસ તો એન્સ્થેટિકની ટીમ દ્વારા મ્યુકારમાઇકોસીસનાં દર્દી માટે ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલનાં આંખના સર્જન ડો. નીતિબેન શેઠ, ન્યુરો સર્જન ડો. અંકુર પાવાણી, તાળવાના સર્જન ડો. હિરેન સંઘાણી, ડો. ગૌરાંગ નકુમ, મેડિસિન નોડલ ઓફિસર, એન્સ્ટેથિક ડો. વંદના અને તેમની ટીમ, નસિંગ સુપ્રિ. હિતેશ જાખરીયા અને સમગ્ર નર્સિંગ સ્ટાફ સાથોસાથ ઈ.એન.ટી. સોસાયટીના ડોક્ટર્સ કે જેઓ દ્વારા રોજ બે ઓપરેશન ડોક્ટર્સની ટીમ દ્વારા કરી આપવામાં આવે છે તેમનો સહયોગ મળી રહ્યો છે.

(5:25 pm IST)