Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ઢેબર રોડ પરથી કોમ્‍પ્‍યુટરના ધંધાર્થીનું અપહરણઃ કોલીથડ લઇ જઇ અઢી કરોડ માંગી ધોલાઇઃ પોલીસે મુક્‍ત કરાવ્‍યો

મુળ મેંગણીના ઉપેન્‍દ્ર કરતબાના હાલ દુબઇ રહેતાં મિત્ર હિરેન ડાંગરીયાએ તેના સગા રમેશ ડાવરા પાસેથી ૨૫ લાખ મંગાવ્‍યા હોઇ તે રકમ ઉપેન્‍દ્રએ આંગડીયાથી દુબઇ મોકલી હતીઃ હિરેન આ પૈસા આપતો ન હોઇ રમેશ સહિતે કાવત્રુ ઘડી ઉપેન્‍દ્રને ગત સાંજે તેની દૂકાનેથી ઉઠાવી લીધો હતો : કોલીથડથી રાજકોટ ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટેલ પાસે વંડામાં પુરી ફરી ફટકારાયોઃ એસીપી એસ. આર. ટંડેલ, ભક્‍તિનગર પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમે અપહૃતના મિત્ર હિરેનના ભાઇ ભાવેશની મદદ લઇ ચેકબૂક પહોંચાડવાના બહાને અપહૃત સુધી પહોંચી હેમખેમ છોડાવ્‍યોઃ ૪ આરોપી સકંજામાં

રાજકોટ તા. ૧૧: મુળ કોટડા સાંગાણીના મેંગણીના વતની અને હાલ રાજકોટ કોઠારીયા રોડ પર રહેતાં કોમ્‍પ્‍યુટરના ધંધાર્થી પટેલ યુવાનનું તેની ઢેબર રોડ પરની દૂકાનેથી ગત સાંજે કારમાં અપહરણ કરી જઇ કોલીથડ લઇ જઇ મારકુટ કરી તારો મિત્ર ૨૫ લાખ લઇ ગયો છે તે તારે જ આપવા પડશે તેમ કહી ચેકબૂક બળજબરીથી કઢાવવા પ્રયાસ કરી તેમજ બાદમાં રાજકોટ ગોંડલ હાઇવે પર લાવી ત્‍યાં પણ ચેકબૂક માંગી માર મારવામાં આવતાં અને જો હવે અઢી કરોડ ન આપે તો મારીને દાટી દેશે તેવી ધમકી અપાતાં પોલીસે અપહૃતના દુબઇ સ્‍થિત મિત્રના ભાઇ મારફત છટકુ ગોઠવી આરોપીઓને ચેકબૂક પહોંચાડવાના બહાને અપહૃતને જ્‍યાં ગોંધી રખાયો હતો ત્‍યાં સુધી મોકલી પાછળથી પોલીસે પણ પહોંચી જઇ અપહૃતને મુક્‍ત કરાવ્‍યો હતો. આ ગુનામાં ચારને સકંજામાં લઇ લેવાયા છે. એક ભાગી ગયો હોઇ શોધખોળ થઇ રહી છે.

ભક્‍તિનગર પોલીસે આ બનાવમાં હોસ્‍પિટલના બિછાને પહોંચેલા કોઠારીયા રોડ અર્જુન પાર્ક-૧માં વૈશાલી કુંજ ખાતે રહેતાં અને કોમ્‍પ્‍યુટર રીપેરીંગનું કામ કરતાં મુળ કોટડા સાંગાણીના મેંગણી ગામના ઉપેન્‍દ્ર પરબતભાઇ કરતબા (પટેલ) (ઉ.૩૦)ની ફરિયાદ પરથી રમેશ ડાવર, અશ્વિન ડાવરા, વિવેક રમેશભાઇ ડાવરા, કલ્‍પેશ વલ્લભભાઇ ડાવરા અને ચિંતન ગોવિંદભાઇ કાંજીયા વિરૂધ્‍ધ આઇપીસી ૩૬૫, ૩૮૬, ૩૨૩, ૫૦૬ (૨), ૩૪, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ ઘડી રૂપિયાની ઉઘરાણી મામલે અપહરણ કરી ગોંડલના કોલીથડ લઇ જઇ લોખંડ અને પ્‍લાસ્‍ટીકના પાઇપથી માર મારી તારો દુબઇવાળો ભાઇબંધ હિરેન જે ૨૫ લાખ લઇ ગયો છે તે આપો નથી એ તારે આપવા પડશે તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હવે તારે અઢી કરોડ આપવા પડશે તેમ કહી મારી નાંખવાની ધમકી આપી બેંકના ચેક કઢાવવા ત્રાસ ગુજાર્યાનો ગુનો નોંધ્‍યો છે.

ઉપેન્‍દ્રએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છેક ે હું ઢેબર રોડ કાંતાસ્ત્રી વિકાસ ગૃહની સામે શ્રીમદ્દ ભવનમાં બાલાજી ઇન્‍ફોલાઇન નામની ઓફિસ નં. એસએફ-૭૦માં પાંચ્‍ વષ્‍ ર્ાથી દૂકાન ધરાવી કોમ્‍પ્‍યુટર વેંચવાનો અને રીંગરીંગનો ધંધો કરુ છું. મારા પિતા કારખાનામાં છકડોના ફેરા કરે છે. સાતેક વર્ષ પહેલા હું ગોંડલ રોડ પર રાજર્ષી ઓટો પાસે મારા મિત્ર શ્રધ્‍ધાપુરી શેરી નં. ૫માં રહેતાં હિરેન વિઠ્ઠલભાઇ ડાંગરીયા સાથે ભાગીદારીમાં કોમ્‍પ્‍યુટરનો ધંધો કરતો હતો. પાંચેક વર્ષ પહેલા હિરેન દુબઇ ખાતે ધંધો કરવા જતો રહ્યો છે.

વર્ષ ૨૦૨૦માં લોકડાઉન ખુલ્‍યા બાદ હિરેનનો મને દુબઇથી ફોન આવ્‍યો હતો કે રમેશભાઇ ડાવરા મારા કાકા થાય છે અને તેની પાસેથી પુનિતનગર ટાંકા પાસે સત્‍યમ હાઇટ્‍સ બબને છે ત્‍યાંથી તારે રૂપિયા લાવવાના છે અને મને દુબઇ આંગડીયુ કરવાનું છે. આથી હું રમેશભાઇનો ફોન પર કોન્‍ટેક્‍ટ કર્યા બાદ ત્‍યાં ગયો હતો. તેણે મને રૂા. ૨૦ થી ૨૫ લાખ આપ્‍યા હતાં અને હિરેનના કહેવાથી સમૃધ્‍ધી ભવનમાં આવેલી આંગડીયા પેઢીમાંથી હિરેનને દુબઇ રૂપિયા ટ્રાન્‍સફર કર્યા હતાં.

હવે છેલ્લા બે મહિનાથી રમેશ ડાવરા અને તેનો પુત્ર વિવેક તેણે હિરેનને મોકલેલી રકમની ઉઘરાણી માટે મને ફોન કરી ધમકાવે છે અને તારે જ જવાબદારી લેવાની છે તું ગમે તેમ કરીને હિરેન પાસેથી રૂપિયા કઢાવી આપજે નહિતર તને મારશું અને ઉપાડી જઇશું. આવી ધમકીની મેં હિરેનને વાત કરતાં તેણે પોતે રમેશભાઇ સાથે વાત કરી લેશે તેમ કહ્યું હતું. છેલ્લે ૩૦/૫ના બપોરે પણ રમેશભાઇએ ફોન કરી રૂપિયા માટે ધમકી આપી હતી. મેં તેને હિરેન પાસેથી જ ઉઘરાણી કરવા કહ્યું હતું.

આ પછી હવે શુક્રવારે ૧૦મીએ સાંજે પાંચેક વાગ્‍યે હું શ્રીમદ્દ ભવનમાં મારી દૂકાને હતો ત્‍યારે રમેશભાઇ ડાવરાનો દિકરો વિવેક, તેના કાકાનો દિકરો અશ્વિન મારી દૂકાને આવ્‍યા હતાં અને કામ છે બહાર આવ કહેતાં હું બહાર જતાં મારો મોબાઇલ ઝૂંટવી લઇ મને બળજબરીથી સિયાઝ કાર જીજે૧૧એએસ-૯૪૦૪ જે બાજુની શેરીમાં પાર્ક કરી હતી તેમાં નાંખીનેધમકી આપી હતી કે છાનુમુનો બેસજો, કંઇ બોલતો નહિ.  એ પછી આ લોકો રાજકોટથી મને રીબડા, રીબ, વાડધરી થઇ કોલીથડ ગામે પેટ્રોલ પંપ સામેની વાડીએ લઇ ગયા હતાં. જ્‍યાં રમેશના ભાઇ વલ્લભના દિકરા કલ્‍પેશ ડાવરાએ મને પકડી રાખ્‍યો હતો અને અશ્વિન તથા વિવકે જે હોય તે બોલી જા કહી પ્‍લાસ્‍ટીક અને લોખંડના પાઇપથી મારકુટ ચાલુ કરી હતી.

મેં આ લોકોને મારો કોઇ વાંક નથી, રૂપિયા હિરેને મંગાવ્‍યા હતાં અને તેની પાસેથી લેવાના છે તેમ કહેતાં આ લોકોએ તને બધી ખબર છે, તું જ રૂપિયા લઇ ગયો છો કહી ચેક લખી દેવાનું કહ્યું હતું. આ પછી અશ્વિન અને વિવેકે મારી ઓફિસમાં કામ કરતાં રોહિત પાઘડા સાથે મારી વાત કરાવી હતી અને બળજબરીથી કહેવડાવ્‍યું હતું કે હું એક માણસને મોકલુ છું તેને ખાનામાં પડેલી ચેકબૂક આપી દેજે.

આ વાત બાદ હિરેનના ભાઇ ભાવેશનો ફોન આવ્‍યો હતો અને કહેલું કે તું કઇ જગ્‍યાએ છો? ત્‍યારે અશ્વિન અને વિવેકે મને ધમકાવી કહેલું કે કોલીથડનું લોકેશન ન આપતો, બીજી જગ્‍યાનું કહેજે. જેથી મેં ભાવેશને ખોટુ કહ્યું હતું. એ પછી ભાવેશ મારી ઓફિસે જતાં ત્‍યાં અશ્વિન અને વિવેકે કોઇને મારી ચેકબૂક લેવા મોકલ્‍યો હતો. પરંતુ ભાવેશે મારી ચેકબૂક આપી નહોતી. અશ્વિને મારી હાજરીમાં ભાવેશ સાથે વાત કરી હતી. ભાવશએ પણ અશ્વિન અને કહેલુ કે ઉપેન્‍દ્રનો કોઇ વાંક નથી, તમે તેને જવા દો અને ચેકબૂક જોઇતી હોય તો પોલીસ કમિશનર કચેરીએ આવી જાય. ફોનને સ્‍પીકર મોડમાં રાખીને આ વાત અશ્વિને મને સંભળાવી હતી.

એ પછી આ ત્રણેયએ મળી મને કોલીથડની વાડીમાં બે ત્રણ કલાક ગોંધી રાખી માર માર્યો હતો. ગભરામણ થવા માંડતા ગાડીમાં નાંખી ગામના બસ સ્‍ટેશન પાસે લઇ જઇ સોડા પીવડાવી હતી. ત્‍યારબાદ કલ્‍પેશ બાઇક લઇને આવ્‍યો હોઇ તે જતો રહ્યો હતો. વિવેક અને અશ્વિન મને કારમાં બેસાડી રાજકોટ-ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટેલ પાસે રસના ચીચોડા નજીક વંડામાં લઇ ગયા હતાં. ત્‍યાં રાતના દસ વાગી ગયા હતાં. અહિ રમેશ ડાવરા આવેલા અને મને ગાળો દઇ તે જ બધુ કર્યુ છે, હવે તારે અઢી કરોડ દેવાના છે તેમ કહી ઝાપટો અને ચપ્‍પલથી માર માર્યો હતો. રમેશે તું મારી પાસેથી અઢી કરોડ લઇ ગયો છો, તારા એકાઉન્‍ટના બેંકના ચેક આપીશ તો જ જવા દઇશ, નહિતર આખી રાત બાંધીને માર મારી અધમુવો કરી નાંખશી.

આ પછી થોડીવાર બાદ ચિંતન ગોવિંદભાઇ કાંજીયા આવ્‍યો હતો. તેને હું ઘણા સમયથી ઓળખુ છું. મારા ફોનમાં ભાવેશનો ફોન આવતાં ચિંતને વાત કરી હતી અને ભાવેશને ચેકબૂક લઇ ગોંડલ રોડ પર આવી જવા કહ્યું હતું. એ પછી રાતે સવા અગિયારેક આસપાસ રમેશભાઇ, તેનો દિકરો વિવેક, તેનો ભત્રીજો અશ્વિન, ચિંતન સહિતના હાજર હતાં ત્‍યારે ભાવેશભાઇ ચેકબૂક લઇને મને જ્‍યાં રાખ્‍યો હતો ત્‍યાં આવ્‍યા હતાં અને સાથે પોલીસ પણ હતી. આ રીતે મારો જીવ બચી ગયો હતો. એ પછી ભક્‍તિનગર પોલીસનો સ્‍ટાફ મને પોલીસ સ્‍ટેશને લાવ્‍યો હતો. મને માર મારવામાં આવ્‍યો હોઇ તેમજ મારીને દાટી દેવાની ધમકી અપાઇ હોઇ મેં ફરિયાદ નોંધાવી હતી.

મારા મિત્ર હિરેન ડાંગરીયાએ રમેશ ડાવરા પાસેથી ધંધા માટે જે રકમ લીધી હોઇ એ રકમ તે પાછી આપતો ન હોઇ તેની ઉઘરાણી મારી પાસે કરી રમેશ ડાવરા સહિતનાએ મારુ અપહરણ કર્યુ હતું અને મને ગોંધી રાખી ધમકી આપી ચેક બળજબરીથી કઢાવવા કાવત્રુ ઘડતાં મારી ઓફિસ પાસેથી મને લઇ ગયા તેની જાણ કર્મચારીને થઇ હોઇ તેણે મારા મિત્ર હિરેનના ભાઇ ભાવેશભાઇને જાણ કરતાં ભાવેશભાઇએ ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી અને પોલીસે છટકુ ગોઠવી ભાવેશભાઇને ચેકબૂક પહોંચાડવાના બહાને મારા સુધી મોકલી મને છોડાવ્‍યો હતો.

પોલીસે ત્રણ આરોપીઓને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એન. બી. ડોડીયા, પીએસઆઇ એચ. એન. રાયજાદા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા,  હેડકોન્‍સ. દેવશભાઇ ખાંભલા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, મનિષભાઇ ચાવડા સહિતની ટીમે કામગીરી કરી અપહૃતને મુક્‍ત કરાવી રમેશ સિવાયના ચાર આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી હતી.

અશ્વિન ડાવરા, વિવેક ઉર્ફ બંટી ડાવરા, કલ્‍પેશ ડાવરા અને ચિંતન ઉર્ફ ભુરાની ધરપકડઃ રમેશ ડાવરાની શોધખોળ

રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર કોમ્‍પ્‍યુટરની દૂકાન ધરાવતાં પટેલ યુવાન ઉપેન્‍દ્રનું ગત સાંજે તેની દૂકાનેથી અપહરણ કરી કોલીથડ લઇ જઇ મારકુટ કરી બાદમાં  રાજકોટ ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટેલ પાસે ગોંધી રાખી અઢી કરોડ માંગવામાં આવ્‍યા હતાં. ઉપેન્‍દ્રના મિત્ર હિરેન કે જે દુબઇ રહે છે તેણે આરોપીઓ પાસેથી ઉછીની રકમ લીધી હોઇ આ રકમ હિરેન ચુકવતો ન હોઇ તેના કારણે તેના મિત્ર ઉપેન્‍દ્રનું અપહરણ કરી પૈસા વસુલવા કાવત્રુ ઘડાયું હતું. ભક્‍તિનગર પોલીસે આ બનાવમાં તુરત કામગીરી કરી આરોપીઓ અશ્વિન બાબુભાઇ ડાવરા (ઉ.૪૫-રહે. ઓમ તિરૂપતી બાલાજી પાર્ક-૨, કોઠારીયા રોડ), વિવેક ઉર્ફ બંટી રમેશભાઇ ડાવરા (ઉ.૨૫-રહે. પુનિતનગર તપન હાઇટ્‍સ બ્‍લોક નં. બી-૭૦૪, મટુકી હોટેલ સામે), કલ્‍પેશ વલ્લભભાઇ ડાવરા (ઉ.૩૫-રહે. કોઠારીયા આશીર્વાદ પાર્ક-૨) અને ચિંતન ઉર્ફ ભુરો ગોવિંદભાઇ કાંજીયા (ઉ.૩૪-રહે. નાના મવા રોડ શિવદ્રષ્‍ટી સોસાયટી-૧)ની ધરપકડ કરી અપહૃતને મુક્‍ત કરાવ્‍યો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વિશાલ રબારીની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એચ. એન. રાયજાદા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. હિરેનભાઇ પરમાર, દિલીપભાઇ બોરીચા, કોન્‍સ. વાલજીભાઇ જાડા, મનિષભાઇ ચાવડા, પુષ્‍પરાજસિંહ, અરવિંદભાઇ, કરણભાઇ, હોમગાર્ડ હાર્દિક પીપળીયા, દિપ ટાંક સહિતે આ કામગીરી કરી હતી. એક આરોપી રમેશ નારણભાઇ ડાવરા (પટેલ) (ઉ.૫૦-રહે. પુનિતનગર તપન હાઇટ્‍સ બ્‍લોક બી-૭૦૪) ફરાર થઇ ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

(4:38 pm IST)