Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મોરબી રોડ રતનપર પાસે ટ્રીપલ અકસ્‍માતઃ ઉર્ષમાંથી પરત આવી રહેલા ફકીર પરિવારના ૬ને ઇજાઃ એકને ગંભીર ઇજા

બેડીપરા ફાયર બ્રિગેડ પાછળ મનહરપરામાં રહેતાં પરિવારજનો આમરણથી આવી રહ્યા હતાં ત્‍યારે રિક્ષાને કારે ટક્કર મારીઃ અન્‍ય એક કાર પણ ઠોકરે ચડીઃઇજાગ્રસ્‍તોને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

ઘટના સ્‍થળે બૂકડો બોલી ગયેલી રિક્ષા, અકસ્‍માતગ્રસ્‍ત કાર અને રોડ પર ઘાયલો તથા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલા ઘાયલો અને ઘટના સ્‍થળે ૧૦૮ તથા લોકોનું ટોળુ જોઇ શકાય છે. ઘટના સ્‍થળની તસ્‍વીર ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

રાજકોટ તા. ૧૩: રાજકોટ મોરબી હાઇવે પર આવેલા રતનપર ગામ નજીક વહેલી સવારે એક કારે રિક્ષાને ટક્કર માર્યા બાદ અન્‍ય એક કારને પણ ઠોકરે લેતાં ટ્રીપલ અકસ્‍માત સર્જાયો હતો. જેમાં રિક્ષાનો બૂકડો બોલી જતાં તેમાં બેઠેલા રાજકોટના ફકીર પરિવારના છ લોકોને ઇજા થઇ હતી. આ પરિવારજનો આમરણ ખાતે ઉર્ષમાં ગયા હતાં ત્‍યાંથી પરત આવતી વખતે અકસ્‍માત નડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રતનપર પાસે વહેલી સવારે પોણા છએક વાગ્‍યે મોરબી તરફથી આવી રહેલી કાર જીજે૧૨સીજી-૮૪૬૪ની ઠોકરે રિક્ષા નં. જીજે૦૩બીયુ-૯૫૬૦ ચડી જતાં રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો. તેમાં બેઠેલા રાજકોટ બેડીપરા ફાયર બ્રિગેડ પાછળ રહેતાં રફિકશા રજાકશા શાહમદાર (ઉ.૫૫), રિઝવાના સિકંદરશા શાહમદાર (ઉ.૨૦), સિકંદરશા રફિકશા (ઉ.૨૨), હલીમાબેન રફિકશા (ઉ.૪૦), શબ્‍બીરશા જીલુશા (ઉ.૫૫) અને એઝાઝશા રફિશા (ઉ.૧૫)ને ઇજાઓ થતાં ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્‍યા મુજબ મોરબી તરફથી આવતી કારની ઠોકરે રિક્ષા ચડી જતાં તેમાં બેઠેલા મુસાફરોને ઇજાઓ થઇ હતી. જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્‍માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને બચાવ કાર્ય શરૂ કર્યુ હતું. કુવાડવા રોડ પોલીસની ટીમ પણ આવી ગઇ હતી. ૮૪૬૪ નંબરની કારે અન્‍ય એક કાર જીજે૦૩કેજે-૩૧૬૬ને પણ ટક્કર મારતાં તેમાં પણ નુકસાન થયું હતું. ટ્રીપલ અકસ્‍માતને પગલે થોડીવાર ટ્રાફિક જામ થઇ ગયો હતો. 

(12:09 pm IST)