Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

હનીટ્રેપમાં જુનાગઢનો રઝાક હાલેપોત્રા ઝડપાયોઃ રાજકોટ પોલીસે કબ્‍જો લીધો

અગાઉ બે મહિલા આરોપી અનિતા અને નુરમા પકડાતાં જેલહવાલે છેઃ આઇયુસીએડબલ્‍યુ યુનિટના પીઆઇ આર. એસ. પટેલની ટીમે ધરપકડ કરી

રાજકોટ તા. ૧૩: સાત વર્ષ પહેલાના હનીટ્રેપના ગુનામાં પોલીસે જુનાગઢમાં સક્કર બાગ પાછળ રામદેવપરા મેઇન રોડ હુશેની ચોક કિસ્‍મત પાનવાળી શેરીમાં રહેતાં રઝાક ઇકબાલભાઇ હાલેપોત્રા (ઉ.૩૧)ની ધરપડ કરી છે.

આ બનવામાં પુર્વયોજીત કાવત્રુ રચી તેના ભાગ રૂપે નટુભાઇ સોજીત્રાના કોઇપણ રીતે મોબાઇલ નંબર મેળવી અનિતા શીંગાળાએ પંદર દિવસ સુધી તેમની સાથે પ્રેમ અને સેક્‍સની મીઠી મીઠી વાતો કરી હતી. એ પછી નટુભાઇ અને તેમના મિત્રને કાવત્રાના ભાગરૂપે મળવા બોલાવ્‍યા બાદ બંને ઉપર ગેંગરેપની ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી અને એ ફરિયાદ રદ કરાવવાના બહાના હેઠળ રૂપિયા ત્રીસ લાખની માંગણી કરી હતી.

આ ગુનામાં અગાઉ પોલીસે અનિતા શિંગાળા અને નુરમા સિપાહીની ધરપકડ કરી હતી. આ બંને હાલમાં જેલમાં છે. બાકીના આરોપીઓ ઇમ્‍તિયાઝ અને રઝાકની શોધખોળ થઇ રહી હતી. જુનાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન જુનાગઢ એલસીબીને બાતમી મળતાં રઝાક હાલેપોત્રાને રાઉન્‍ડઅપ કરી રાજકોટ આઇયુસીએડબલ્‍યુ યુનિટને જાણ કરતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં પીઆઇ એસ. આર. પટેલની સુચના મુજબ એએસઆઇ હિતેન્‍દ્રભાઇ જામંગ, દિયાબેન એવીયા, હમસુખભાઇ બાલધા, કાજલબેન બાવરીયા, દિવ્‍યાબેન જોષી, બાદલભાઇ દવે સહિતે આરોપીની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. આ શખ્‍સ જુનાગઢમાં પણ ૨૦૧૮માં ધાડના ગુનામાં સંડોવાયો હતો. 

(4:40 pm IST)