Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પ્રમુખમાર્ગઃ જગતથી પર

પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

આધુનિક વિદ્વાનોના મતે ''જેમ કેન્સર શરીરને કોરી ખાય છે તેમ જીવનને કોરી ખાતી પાંચ વર્તણુકો છે – (૧) Criticizing બીજાની ટીકા કરવી, (૨) Complaining – બીજા સામે ફરિયાદો કર્યા કરવી, (૩) Comparing – બીજા સાથે સરખામણી કર્યા કરવી, (૪) Competing – બીજા સાથે સ્પર્ધા કરવી, (૫) Contending – બીજા સાથે સંદ્યર્ષમાં ઉતરતા રહેવું.'' આના પર મનન કરીએ તો ખ્યાલ આવે છે કે આ બધાના મૂળમાં અહંકાર છે, જે ઇર્ષ્યાને જન્મ આપે છે અને તેમાંથી ટીકા, ફરિયાદ, સરખામણી થયા કરે છે. આગળ જતા તેમાંથી સ્પર્ધા અને સંઘર્ષ પ્રગટે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ પ્રકારની વૃત્તિપોતાના અંગત કહેવાય તેવી વ્યકિતઓ સાથે પણ થાય છે. ઉદાહરણ તરીકે પતિ-પત્ની, માતા-પિતા અને સંતાનો જેવા અતિનિકટના સંબંધોમાં પણ થાય છે.

૧૯૬૯ની સાલમાં જેમને સાહિત્યનું નોબલ ઇનામ મળ્યું હતું તેવા કવિ અને લેખક સેમ્યુઅલ બેકેટે લેખિકા સુઝેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સુઝેન પણ સારા લેખિકા હતા. પતિ સેમ્યુઅલને નોબેલ ઇનામ મળ્યાના સમાચાર જયારે મળ્યા ત્યારે તેઓ એવું બોલ્યા કે, 'બહુ ખરાબ ઘટના ઘટી છે.' પતિને નોબેલ ઇનામ મળે તે ખરાબ ઘટના છે? પતિ અને પત્ની વચ્ચે પણ સ્પર્ધા થતી હોય છે.

માતા સુજાતાના ગર્ભમાં રહેલા બાળકે પિતા કહોડઋષિને મંત્રોચ્ચારમાં થતી ભૂલ અંગે ટકોર કરી તેથી ગુસ્સે થયેલા પિતા કહોડે પુત્રને આઠે અંગે વાંકા થવાનો શાપ આપ્યો. પિતા પણ પુત્રની મોટપ સહન કરી શકતા નથી.

જર્મનીના વિખ્યાત તત્ત્વચિંતક શોપનહોવર બાળપણથી જ સારા લેખક હતા. તેમના માતા પણ સારા લેખિકા હતા. પરંતુ પુત્રની પ્રશંસા તેમનાથી સહન ન થઈ. એકવાર તેમણે આ નાનકડા બાળલેખકને સીડી પર ધક્કો મારી ગબડાવેલા. દેવયોગે શોપનહોવર બચી ગયા. માતાને પુત્ર સાથે સ્પર્ધા ? નવાઈ પમાડે તેવી વાત છે ને !

સ્પર્ધા માણસને પોતાને પણ નુકશાન પહોંચાડે છે. મહાભારતના સભાપર્વમાં વાત આવે છે કે હસ્તિનાપુરનું વિશાળ રાજય હોવા છતાં પાંડવો સાથે સતત સ્પર્ધા કરતો દુર્યોધન દિવસે ને દિવસે દૂબળો થતો ગયો હતો. સ્પર્ધા તન અને મન બન્નેને કોરી ખાય છે.

આ સમગ્ર જગતની વાસ્તવિકતા છે. સંતો જગતથી પર એટલા માટે કહેવાય છે કે તેઓ આવી વૃત્તિથી પર રહીને જીવન જીવતા હોય છે. જાણીતા પત્રકાર અજય ઉમ્મટે દિલ્હીમાં રચાયેલા અક્ષરધામ સંબંધી લેખ લખેલો તેમાં તેઓએ હેડલાઈનમાં લખ્યું હતું કે, 'તાજને પણ ટકકર મારે એવું અક્ષરધામ છે.' પ્રમુખસ્વામી મહારાજે આ વાત જાણી ત્યારે તેઓએ પત્રકાર શ્રીઅજયભાઈને જણાવ્યું કે, 'તાજમહેલને ટકકર મારે એવી વાત ન લખવી. આપણે કોઈને નીચે પાડવા નહીં પણ બધા માણસોના કલ્યાણ માટે અક્ષરધામ કર્યું છે. આ તો આપણી ભકિત છે. અને ગુરૂ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે કર્યું છે. આમાં કોઈની હરિફાઈ માટે કર્યું નથી.'

કોઈની પણ સાથે કયારેય સ્પર્ધા, હરિફાઈ ન કરવી તે સંતત્વ છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રત્યેક ક્રિયામાં આ સંતત્વ નીતરતું હતું. તેથી જ જાહેરમાં તેમજ ખાનગીમાં પણ તેઓ આ ભાવે વર્તી શકતા હતા.

દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનની સભામાં રાષ્ટ્રપતિ શ્રીકલામ સાહેબ તથા વડાપ્રધાન શ્રીમનમોહનસિંહની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજે જાહેર જનતાને આશીર્વાદ આપતા જણાવેલું કે, આ અક્ષરધામથી લોકોની અંદર સંસ્કાર, શાંતિ મળે તથા રાષ્ટ્રભાવના, સમાજભાવના, બ્રહ્મભાવના જાગ્રત થાય અને લોકોનું કલ્યાણ થાય એ ભાવનાથી બનાવ્યું છે. તેમાં કોઈ એવી વાત નથી આપણે કોઈની સાથે હરિફાઈ કરીએ છીએ કે આપણી મોટાઈ વધી જાય. આપણું કાર્ય બધાથી મોટું છે અને બીજા કરતા વધારે અને સારૃં કરીએ એવી વાત નથી. અમારી દુનિયામાં પ્રતિષ્ઠા વધી જાય. આ કાર્ય કરીને બીજાને બતાવી દઈએ કે અમે કેવું કાર્ય કર્યું એવી કોઈ ભાવના નથી.

આ જ વાત તેઓએ ખાનગીમાં પણ કરેલી. દિલ્હી અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલતું હતું. જુદી જુદી કંપનીઓ તેમાં પોતાનું યોગદાન આપવા તત્પર હતા. અમેરિકાથી આવેલ એક કંપનીના કાર્યકરો તેમની કંપનીને કોન્ટ્રાકટ મળે તો તેઓ શું કરશે તે જણાવવા ભારત આવેલા. તે સમયે પ્રમુખસ્વામી મહારાજ દિલ્હીમાં હરિભકત શ્રીનીતીનભાઈ ગઢિયાના ઘરે ઉતર્યા હતા. નાના એવા ઓરડામાં જૂજ સંખ્યામાં હાજર સંતો સાથે પ્રમુખસ્વામી મહારાજ અમેરિકાથી આવેલ ભાઈઓ સાથે મળતા હતા. પોતાના કાર્યની વિશેષતા વર્ણવતા તે કંપનીના કાર્યકરોએ જણાવ્યું કે, 'અમને આપ કોન્ટ્રાકટ આપો તો અમે એવી રચના કરી આપીશું કે ડીઝની લેન્ડ પાછું પડી જશે.' દુભાષિયા દ્વારા આ વાત પ્રમુખસ્વામી મહારાજને જણાવવામાં આવી ત્યારે તેઓએ તરત જણાવ્યું કે તેમને કહો કે, 'અમે કોઈને પાછા પાડવા આ નથી કરતા. અમે તો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભકિતથી અને અમારા ગુરૂ યોગીજી મહારાજને પ્રસન્ન કરવા કરીએ છીએ.'

જાહેરમાં કે ખાનગીમાં પ્રમુખસ્વામી મહારાજે કયારેય કોઈની સાથે સ્પર્ધા કરી નથી. કારણ કે તેમનું લક્ષ્ય એક જ હતું. 'જે કંઈ કરવું તે ભગવાનને જ પ્રસન્ન કરવા કરવું.'

ભગવત્પ્રસન્ના માટે જ સઘળી ક્રિયા કરવી તે સંતમાર્ગ છે. તે જ પ્રમુખમાર્ગ છે, સ્પર્ધાત્મક આ જગતમાં સુખશાંતિ પામવાનો આ જ માર્ગ છે.(૩૦.૭)

સાધુ નારાયણમુનિદાસ

(4:29 pm IST)