Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પ્રાર્થના કરીએ કે વર્તમાન જવાળાઓ શાંત થઈ જાય અથવા ઈશ્વર મને ઉપાડી લે, મારે ભડકે બળતાં હિંદુસ્તાનને જોવું નથીઃ ગાંધીજી

આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ : ૧૨૫ વર્ષ જીવવાની ઈચ્છા રાખતા ગાંધીજીએ ગમગીની ઠાલવી હતી : ગાંધીજીની ૭૮મી જન્મજયંતિ પ્રસંગે ગાંધીજીએ સૌને કહ્યું કે 'શા માટે લોકો મને અભિનંદન આપે છે? લોકો દિલસોજી પાઠવે તે વધુ વ્યાજબી લાગશે : ગાંધીજીની ૭૮મી જન્મજયંતિ પ્રસંગે ગાંધીજીએ સૌને કહ્યું કે 'શા માટે લોકો મને અભિનંદન આપે છે? લોકો દિલસોજી પાઠવે તે વધુ વ્યાજબી લાગશે : ગાંધીજીનાં જન્મદિને ગાંધીજીની તબિયત લથડેલી હતીઃ ગાંધીજીનો ચહેરો ઉદાસીન લાગતો હતોઃ ગાંધીજીએ ઉપવાસ કરીને બધો સમય રેટિયો કાંતવામાં ગળ્યો હતો : ભારતનાં પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટન શિમલામાં હતા અને તત્કાલિન સમયે દેશમાં 'હત્યાકાંડ'શરૃ થઈ ગયા હોઈ નહેરૃ અને સરદારે તેમને દિલ્હી બોલાવ્યા અને તરત 'કર્ફ્યુ'લાગુ થયું, વધારાનું સૈન્ય બોલાવાયું અને પરિસ્થિતિ કાબુમાં આવી

ગાંધીજીએ કલકત્ત્।ામાં 'હત્યાકાંડ' અટકાવવા આમરણાંત ઉપવાસ કર્યા અને પરિણામે હિંદુ-મુસ્લીમ લોકો ગાંધીજીને મળ્યા અને ત્યારબાદ તા. ૦૯/૦૯/૧૯૪૭ નાં રોજ દિલ્હી પહોંચ્યા. ગાંધીજી હરહંમેશ કોલોનીઓમાં તથા હરિજનવાસમાં ઉતારો કરતા હતા. પણ દિલ્હીનાં સમગ્ર વિસ્તારમાં નિર્વાસિતો રહેતા હતા. આથી, નેતાઓનાં આગ્રહને સ્વીકારીને 'બિરલા હાઉસ'માં રોકાયા. જો કે, ગાંધીજીને ગમ્યું ન્હોતું.

જી. ડી. બિરલા તત્કાલિન સમયે હિંદનાં સૌથી ધનાઢય ઉદ્યોગપતિ હતા. જી. ડી. બિરલા ગાંધીજીનાં અનુયાયી હતા. ગાંધીજીએ હિંદમાં પ્રથમ હડતાલ, બિરલાની ટેક્ષટાઈલ મિલ પર પડાવી હતી. ભારતમાં આવ્યા બાદ પ્રથમ વાર અને છેલ્લી વાર ગાંધીજી આવા ભવ્ય રહેઠાણમાં રહ્યા. ગાંધીજીનાં નવા નિવાસસ્થાનની બહાર પાટનગર હિંસાથી ખદબદતું હતું.

ગાંધીજીને દિલ્હીમાં થયેલ 'હત્યાકાંડ' જોઇને ખૂબ જ આદ્યાત થયેલ. જીવનની સંધ્યાનાં સમયે પણ ગાંધી તેમનાં આદર્શોને વફાદાર રહ્યા હતા. છતાં, અહિંસા, પ્રેમ અને માનવકુળનાં ઈશ્વર પરની તેમની શ્રદ્ઘા અડગ જ રહી હતી. ગાંધીજીએ નાદુરસ્ત તબિયત છતાં દરરોજ નિર્વાસિત છાવણીઓમાં પહોંચતા.

ગાંધીજીનાં જીવનની છેલ્લી પળોનો પ્રારંભ થઈ ચૂકયો હતો અને દિલ્હી તેમનું છેલ્લું સ્થાન હતું. ગાંધીજીની ૭૮મી જન્મજયંતિની ઉજવણી સમયે સ્વતંત્ર ભારત તથા સમગ્ર વિશ્વે બિરલા હાઉસમાં મુબારકનાં હજારો તાર, કાગળો અને સંદેશાઓ મોકલ્યા. નહેરૃ, પટેલ, ઈ. મળવા ગયા.

ગાંધીજીનાં અંતરમાં આનંદ ન્હોતો. લોકો મળવા આવ્યા ત્યારે સૌએ જોયું કે ગાંધીજીની તબિયત લથડાયેલી હતી. ગાંધીજીનો ચહેરો ઉદાસીન લાગતો હતો. ગાંધીજીએ ઉપવાસ કરીને બધો સમય રેટિયો કાંતવામાં ગાળ્યો હતો. સરદારે પુત્રીને પોતાની ડાયરીમાં લખ્યું હતું કે 'અમે આનંદમાં ગાંધીજીને મળવા ગયા હતા, પણ ભારે હૈયે પાછા આવ્યા હતા.'

આ તબકકે ગાંધીજીએ સૌને કહ્યું કે 'શા માટે લોકો મને અભિનંદન આપે છે? લોકો દિલસોજી પાઠવે તે બધું વ્યાજબી લાગશે.' તેમણે પ્રાર્થનાસભામાં કહ્યું કે 'પ્રાર્થના કરીએ કે વર્તમાન જવાળાઓ શાંત થઈ જાય અથવા ઈશ્વર મને ઉપાડી લે. મારે ભડકે બળતા હિંદુસ્તાનને મારી આવતી વર્ષગાંઠે જોવું નથી.' ૧૨૫ વર્ષ જીવવાની ઈચ્છા રાખતા ગાંધીજીએ ગમગીની ઠાલવી હતી.

વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લેતાં નહેરૃ તથા સરદારે ગવર્નર જનરલ માઉન્ટબેટનને શિમલાથી બોલાવ્યા અને પરિસ્થિતિની ચર્ચા થઈ. માઉન્ટબેટન પ્રથમ તો દિલ્હી આવવા તૈયાર ન થયા. પણ ત્યારબાદ દિલ્હી આવ્યા અને એક દિવસમાં દેશમાં જયાં 'હત્યાકાંડ'સર્જાતા હતા ત્યાં 'કર્ફ્યું' દાખલ કર્યું અને શહેરોમાં અસર વર્તવા લાગી. વધારાનું સૈન્ય બોલાવ્યું.

માઉન્ટબેટનનાં પત્ની એડવિના છાવણીઓનાં બદબૂભર્યા વાતાવરણમાં જઈને લોકોની સેવા કરતા હતા. તેમની વ્યવસ્થાશકિત, સહાનુભૂતિ, બધું જ ખીલી ઉઠ્યું હતું. હજારો લોકોમાં તે ચિરસ્મરણિય બની ગયા હતા. છાવણીઓ અને હોસ્પિટલમાં મૂલાકાતે જતાં, પ્રશ્નો સંભાળતા, અભ્યાસ કરતાં, રસ્તા શોધતા.(૩૦.૬)

સંકલનઃ- નવીન ઠકકર

(1:35 pm IST)