Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ઝેર-ફિનાઇલ-એસિડ પીવાના ૪ બનાવ

કામ ન મળતાં અનિલ એસિડ પી ગયોઃ માતા સાથે ઝઘડો થતાં શિતલ, વ્‍યાજમાં ફસાતા કિશને ફિનાઇલ પીધું: પતિની બિમારીને કારણે બીંદુબેન ઝેરી ટીકડી પી ગયા

રાજકોટ તા.૧૩: ગંજીવાડા શેરી નં. ૩૨માં રહેતાં અનિલ ભનાભાઇ મકવાણા (ઉ.૨૮) નામના યુવાને સવારે એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં  થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે કારખાનામાં કામ કરે છે. હાલમાં કામધંધો ચાલતો ન હોઇ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

બીજા બનાવમાં રૂખડીયાપરા ફાટક પાસે ખાડામાં રહેતી શીતલ ભરતભાઇ સોલંકી (ઉ.૨૦) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. માતા સાથે ઘરમાં પોતા કરવા મામલે બંને વચ્‍ચે ચડભડ થતાં તેણીએ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

ᅠત્રીજા બનાવમાં રોહીદાસપરા-૧૪માં રહેતો અને સીંગદાણાની ફેક્‍ટરીમાં કામ કરતો કિશન જીતેન્‍દ્રભાઇ પરમાર (ઉ.૨૩) સવારે ફિનાઇલ પી જતાં સિવિલમાં ખસેડાતાં બી-ડિવીઝનમાં જાણ કરવામાં આવી હતી. તેણે ત્રણેક શખ્‍સો પાસેથી વ્‍યાજે નાણા લીધા હોઇ આ શખ્‍સો વધુ વ્‍યાજ માંગી હેરાન કરતાં હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. કિશન બે બહેન અને એક ભાઇમાં નાનો છે.

ચોથા બનાવમાં કોઠારીયા રોડ ન્‍યુ રામેશ્વર સોસાયટી નાલંદા સ્‍કૂલ સામે રહેતાં બીંદુબેન વિનોદભાઇ મકવાણા (ઉ.૫૮) ભક્‍તિનગરના બગીચામાં ઝેરી ટીકડી પી જતાં સિવિલમાં ખસેડાતાં ભક્‍તિનગર પોલીસને જાણ કરાઇ હતી. તેમના પતિ વિનોદભાઇને હૃદયની નળી બ્‍લોક આવી હોઇ તેની ચિંતામાં આ પગલુ ભર્યાનું જણાવાયુ હતું. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. 

(3:37 pm IST)