Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

એ જાળ તું જાણે નહીં, હું જાણું ને રોઉં અરે...

જયાં હું ઘણીવાર જાવ, ચા નાસ્‍તો કરું, કયારેક જમી પણ લવ, ત્‍યાં જવું મને હંમેશા ગમે, હું ફ્રેશ થઈ જાવ, એ સ્‍વજનની ઘરે એક બપોરે હું જમવાના ઇરાદે જઈ ચડ્‍યો. ત્‍યાં ગયો તો વાતાવરણ સ્‍ટેન્‍ડ સ્‍ટીલ હતું, જાણે ઘરની બન્ને વ્‍યક્‍તિ વચ્‍ચે હમણાં જ બહુ મોટો ઝગડો થયો હોય, વાતાવરણમાં વ્‍યાપ્ત તમસને કારણે મને ઉકળાટ થવા માંડ્‍યો, પાંચ  દશ મિનિટમાં એનો કલાઈમેક્‍સ આવ્‍યો. મને ફિલ થયું કોઈ શટલ ફોર્સ, કોઈ અદ્રશ્‍ય એનર્જી મારા જમણા હાથે હોલ ની વચ્‍ચે ત્રણ ચાર ફિટ દૂર તોળાઈ રહી છે. મને સ્‍પષ્ટ સૂચનો આવવા મંડ્‍યા કે તું અહીંથી નીકળી જા. મારી પાસે કોઈ ઉપાય નહોતો. ડિસ્‍ટર્બ કરી મુકે એવા અનુભવ પછી હું બાર નીકળ્‍યો તો સાવ શૂન્‍ય મનસ્‍ક હતો, એકાદ કલાક સુધી ક્‍યાં જવું એ નિર્ણય ન થઈ શક્‍યો. હું એક્‍ટિવા લઈને એ ગરમીમાં ગામમાં આમતેમ ભટકતો રહ્યો.

મેં આ અનુભવ ની વાત એ સ્‍વજનને કરી, તો એ બહુ ગુસ્‍સે થઈ ગયા, અને મને બરાબરનો તતડાવ્‍યો.

તમને  દેખાતું જગત તમારી ચેતનાના સ્‍તર પ્રમાણે હોય છે. જે તે આનુસાંગિક જગતમાં  રહસ્‍યોના અફાટ સાગરો હિલોળા લેતા હોય છે. તમારું આકલન તમારી દ્રષ્ટિ મર્યાદાને અનુરૂપ રહે છે. કયારે, ક્‍યાં કઈ વસ્‍તુ પ્રગટ થશે એ તો જગદંબા જ જાણે, કારણ કે કૃપા અને અવકૃપા, દિવ્‍ય અને અદિવ્‍ય, શ્વેત અને શ્‍યામ,  જયોતિ અને તમસ, આવા બે પ્રવાહો સમસમાંતર રીતે વહેતા હોય, એ વ્‍યાપ્ત પ્રવાહોમાં તમે કયારે કોના સંપર્કમાં અનાયાસે આવી ચડશો એ પ્રભુતાને ખબર હોય છે પણ તમારાં માટે નક્કી નથી હોતું. એ વખતે તમારી સુરતા/એટ્‍યુન્‍મેન્‍ટ, તમારી સરળતા, તમારી શરણાગતી, તમારો દિવ્‍યતા સાથેનો સબંધ કામ કરે છે. તમારે હંમેશા દિવ્‍યતાને પ્રત્‍યુત્તર આપવાનો છે, દિવ્‍યતાને જ પોકાર કરવાનો છે.

આપણી રિસેપ્‍ટિવિટી, ગ્રહણશીલતા, સરળ અભિમુખતા, આદરભર્યો સદભાવ આપણને ક્‍યારે ‘વનરેબલ' બનાવી મૂકે એ  નકકી નહી. એ વખતે આપણે વર્તમાનમાં સ્‍થિત હોઈએ છીએ, પણ સ્‍મરણમાં નથી હોતા. આવી કટોકટીના અણધાર્યા પ્રાગટ્‍ય વખતે પૂર્વના સ્‍મરણ અને સુરતાની મૂડી કામ આવે છે. સ્‍મરણ ખડગ છે, સુરતા ઢાલ છે. જો એ ન હોય તો બંધ બંગલાનો બદમાશો કબજો કરી લે એ રીતે બની બનેલ ચેતનાનો આ ‘શટલ ફોર્સીસ' કબજો કરી લે છે. એ એને બહુ સુખરૂપ નિવડતું હોય છે એટલા માટે.

કયારેક કોઈક ફોર્સ ‘ઓરા'ના આકર્ષણથી આવી ચડે, જે એનર્જી વાઈબ્રેટ થતી થતી હોય  જે તે વ્‍યક્‍તિમાં, એનો એને ખપ હોય, એ એનો ખોરાક હોય માટે.પણ આ અનુભૂતિને વર્ણન કરીને સમજાવી શકાતી નથી, મને હજી બરાબર યાદ છે કે મારી એ ભૂલ બદલ એ સ્‍વજને મારી ધૂળ કાઢી નાખી'તી કે તમારાથી આવું  બોલાય જ કેમ ?

રહસ્‍યોના અનંતાનંત મહાસાગરો સામે એક કીડીની શી વિસાત ? હું લો પ્રોફાઈલ ન રહું તો શું કરું ? હાથ જોડું ને હાહાકાર ન થાય તો બીજું શું થાય ? 

યોગેશ એન. ઠાકર

રાજકોટ.

(3:41 pm IST)