Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ભર ચોમાસે કોર્પોરેશને સંવેદનશીલતા નેવે મુકીઃ ખોડિયારનગરમાં ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધુઃ ૮૧ બાંધકામોનો કડુસલો

વોર્ડ નં. ૧૩માં આવેલ ટી.પી. સ્કીમ નં. ૧૩ (કોઠારિયા) વિસ્તારમાં ટી.પી. રોડના દબાણ દુર કરી ૩૧૮૧.૦૯ ચો.મી. રૂ. ૧૨.૮૦ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

મ્યુ.કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે ૮ વાગ્યે શહેરનાં વોર્ડ નં.૧૩નાં ગોંડલ ચોકડી પાસે આવેલ ખોડીયારનગર વિસ્તારમાં ટી.પી રસ્તામાં નડતર રૂપ ૮૧ મકાન - દુકાન સહિતના બાંધકામોનું ડિમોલીશન કરવામાં આવ્યુ હતુ. તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આજે સવારે શહેરના વોર્ડ નં. ૧૩માં આવેલ ખોડિયારનગરમાં ૮૧ મકાન પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઇ અચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી આખા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલીશન કરી ૩૧૮૧ ચો.મી. ૧૨.૮૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ચોમાસાના સમયગાળામાં મ.ન.પા. દ્વારા ડિમોલીશન કરવામાં આવતા લોકોની હાલત કફોડી થતા નીચે ધરતી ઉપર આભ જોવી સ્થિતિ થવા પામી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૧૩ના રોજ શહેરના વોર્ડ નં.૧૩ માં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.- ૧૩ (કોઠારીયા), વિસ્તારમાંટી.પી.રોડનાદબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવેલ.

જેમાં વોર્ડ નં. ૧૩ માં ટી.પી.સ્કીમ. નં.-૧૩ (કોઠારીયા), એફ.પી.૧/બી, ૧/એ, ૧/૩માં આવેલ ૭.૫૦ મીટરના રોડ માં થયેલ અંદાજે ૮ દબાણો તથા વોર્ડ નં. ૧૩ માં ટી.પી.સ્કીમ. નં.-૧૩ (કોઠારીયા), એફ.પી.૨/૨, ૨/૧, ૪, ૨/એ માં આવેલ ૧૨.૦૦ મીટરના રોડ માં થયેલ અંદાજે ૪૧ દબાણો અને વોર્ડ નં. ૧૩ માં ટી.પી.સ્કીમ. નં.-૧૩ (કોઠારીયા), એફ.પી. ૨/એ માં આવેલ ૧૫.૦૦ મીટરના રોડ માં થયેલ અંદાજે ૩૨ દબાણો સહિત કુલ ૮૧ બાંધકામો દુર કરી ૩૧૮૧.૦૯ ચો.મી. રૂ. ૧૨.૮૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ડીમોલેશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસી.ટાઉન પ્લાનર એસ.એસ. ગુપ્તા, વી.વી.પટેલ, એ.એચ.દવે તથા આસી.એન્જી.વિજય બાબરિયા, એડી. આસી. એન્જી, અશ્વિન પટેલ, મનોજ પરમાર, જયંત ટાંક, એસ.એફ.કડિયા, સી.વી.પંડિત, વર્ક આસી. સિસોદિયા અનિરૂધ્ધસિહ, ઉદય ટાંક તથા સર્વેયર યુ.યુ.પટેલ તથા સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનના તમામ ટેકનીકલ ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા પી.જી.વી.સી.એલ.ની ટીમ સાથે, દબાણ હટાવ શાખા, ફાયર બ્રિગેડ શાખા, એસ.ડબલ્યુ.એમ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ તથા માલવિયાનગર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનિય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે ૮૧ મકાનને નોટિસ આપવામાં આવી હતી, જેમાં ૮૧માંથી ૮૦ મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ કર્યો હતો, આથી બે દિવસ પહેલાં જ પોતાના ઘરને બચાવવાની માગણી સાથે લોકોનું ટોળું મનપા કચેરી ખાતે ઊમટી પડ્યું હતું. મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી, આથી લોકો મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા.

(3:07 pm IST)