Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલ સામેના ફલેટધારકોની અહિ જ રહેતાં પૂજારી વિરૂધ્ધ રજૂઆત

વર્ષો જુના ખખડધજ ફલેટ રી-ડેવલપમેન્ટ માટે ૨૦૮ ફલેટધારકોએ ખાલી કર્યા છેઃ પણ સાઇબાબા મંદિરના પૂજારીને લીધે ૨૯ લોકો ખાલી કરતાં ન હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩: સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલ  સામે અરવિંદભાઇ મણિયાર એપાર્ટમેન્ટ ફલેટ નં. ડી-૫૧માં રહેતાં સંજયભાઇ મનુભાઇ લંગાડીયાએ પોલીસ કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી અરવિંદભાઇ મણિયાર એપાર્ટમેન્ટમાં જ રહેતાં અને અહિ જ સાઇબાબાનું મંદિર ચલાવતાં પૂજારી રાકેશભાઇ નવનીતભાઇ ગાંધી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. તે ગેરકાયદેસર રીતે જગ્યા પર કબ્જો કરી એપાર્ટમેન્ટની માલિકીની જગ્યાનો દૂરૂપયોગ કરતાં હોવાનો અને ધાકધમકી આપતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ તેના કારણે રી-ડેવલપમેન્ટ માટે ૨૯ ફલેટ ધારકો રાજી ન થતાં હોઇ બીજા ૨૦૮ ફલેટધારકો હેરાન થઇ રહ્યાનું જણાવાયું છે.

સંજયભાઇએ લેખિત અરજી ફરિયાદમાં જણાવ્યું છે કે અરવિંદભાઇ મણિયાર એપાર્ટમેન્ટના નામે ઓળખાતા ફલેટમાં કુલ ૧૩ વિંગ્સ છે. વોર્ષ જુનુ બાંધકામ જર્જરતી હોઇ ફલેટ માલિકોએ બહુમતી અને સર્વસંમતિથી રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યુ છે. તેનો કરાર જગદીશભાઇ ડોબરીયા (જે.પી. ઇન્ફાસ્ટ્રકચરના ડિરેકટર) સાથે થયો છે.રી-ડેવલપ બાદ નવા બાંધકામ સાથે હાલ કરતાં મોટા કારપેટ એરીયા મળે એ રીતે બાંધકામ કરાવવા બધાએ નક્કી કર્યુ છે.

અમો ફરિયાદી સહિત કુલ ૨૦૮ ફલેટધારકો પૈકી ૨૯ ફલેટ માલિકો આજ સુધી કરારમાં સામેલ થયા નથી. આ પાછળ પૂજારી રાકેશભાઇ ગાંધી જવાબદાર છે. તેમણે મ્યુ કોર્પોરેશનને કે ફલેટના રહેવાસીઓની પરવાનગી વગર સાઇબાબાની વિશાળ મુર્તિ બે દિવસ માટે દર્શનાર્થે આઠેક વર્ષ પહેલા મુકયા બાદ કાયમી ધોરણે રાખી મુકી છે. અહિ ત્યારથી મંદિર ઉભુ કરી દેવાયુ છે. હાલમાં કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન અહિ થતું નથી. ભગવાનના મંદિરની આડમાં શ્રધ્ધાનો દૂરૂપયોગ થઇ રહ્યો છે. જ્યાં સુધી આ મુર્તિ-મંદિર દૂર ન થાય ત્યાં સુધી ૨૯ ફલેટના માલિકો રી-ડેવલપમેન્ટ માટે ફલેટનો કબ્જો બિલ્ડરને સોંપતા નથી. આ કારણે ૨૦૮ ફલેટ ધારકો ફલેટ ખાલી કરી ભાડેથી રહેવા મજબૂર થયા છે. આ મામલે ન્યાયી કાર્યવાહી કરાવવા અમારી અને ફલેટધારકોની માંગણી છે. તેમ વધુમાં સંજયભાઇએ અરજીના અંતે જણાવ્યું છે.

તેમણે આ મામલે જીલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનર, મુખ્યમંત્રી, ચીફ ટાઉન પ્લાનર, સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટ-શીરડી અને વડાપ્રધાનશ્રીને પણ રજૂઆત કરી છે. જેમાં બીજા ફલેટ ધારકોની સહીઓ પણ છે.

(12:58 pm IST)