Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સદભાવના વૃધ્ધાશ્રમના સથવારે ૧૦ હજાર વૃક્ષોનું મિયાવાકી જંગલ બનશેઃ નરેશભાઇ પટેલના જન્મદિનની ઉજવણી

રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટના સ્વપ્નદ્રષ્ટા તથા સ્થાપક પ્રમુખ સદજયોત ટ્રસ્ટના સેવાવ્રતી ચેરમેન નરેશભાઇ પટેલના જન્મદિવસની સીમાચીન્હ સ્વરુપી ઉજવણી થઇ હતી. સમગ્ર ગુજરાતમાં ૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સફળતા પૂર્વક ઉછેર કરી રહેલા અને ગુજરાતના સૌથી મોટા વૃધ્ધાશ્રમ (૨૭૫) વડીલો એવા સદભાવના વૃધ્ધાશ્રમનાં પ્રમુખ અને ગુજરાત સરકારનો વન પંડિત એવોર્ડ વિજેતા વિજયભાઇ ડોબરીયાના સથવારે નરેશભાઇ પટેલે ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરી તેમજ આગામી વષોૃમાં મિયાવાકી જંગલ સ્વરૂપે રંગપર ખાતે આ વૃક્ષોના ઉછેરની પણ સંપૂર્ણ જવાબદારી લીધી હતી. નરેશભાઇ પટેલે થોડા વૃક્ષોનું પ્રતિકાત્મક વાવેતરર પણ કર્યું હતુ. આ અંગે સંપૂર્ણ તકનીકી માર્ગદર્શન નિવૃત ફોરેસ્ટ અધિકારી શ્રી વરસાણીનું પ્રાપ્ત થઇ રહયું છે. આ પ્રસંગે નરેશભાઇના પરિવારજનો ડો. ડાયાભાઇ પટેલ, શિવરાજ નરેશભાઇ પટેલ, જગદીશભાઇ ડોબરીયા, પ્રકાશભાઇ પીપળીયા વિગેરે પણ ઉપસ્થિત રહયા હતા.

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટને ગ્રીન સીટી બનાવવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહયું છે. આ અભિયાન હેઠળ આ ચોમાસામાં શહેરમાં ૨ લાખ જેટલા વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર કરવામાં આવશે. સાથો સાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. ઉપરાંત આ વર્ષે નવો અભિગમ શરૂ કરાયો છે. જેમાં તમામ સરકારી કચેરીઓ, સરકારી કે ખાનગી શાળાઓમાં સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ આવીને વિનામુલ્યે વૃક્ષારોપણ કરી જશે. સદભાવના વૃધ્ધાશ્રમ નિરાધાર ૨૭૬ વડીલોને આશ્રય આપવાની સાથે શહેરને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહયું છે. જેને ખુબ ટુંકા સમયમાં ૫ લાખ વૃક્ષો વિનામુલ્યે પીંજરા સાથે વાવી તેનુ જતન કરાઇ રહયાનું યાદીના અંતમાં જણાવાયુ છે. વધુ વિગતો માટે મો.૯૯૨૫૨ ૨૮૯૯૯ ઉપર સંપર્ક કરવો.

(3:08 pm IST)