Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

'સખી કૈસે જાઉં' : ડો. નબનિતા ચૌધરીની પ્રસ્તુતીએ શ્રોતાઓ ડોલ્યા

સપ્ત સંગીતિ કલાસિકલ મ્યુઝિકલ વર્ચ્યુઅલ કોન્સર્ટ સીરીઝનો તૃતિય શો કલારસિકોએ ઘરે બેઠા મનભરીને માણ્યો : ચોમેરથી વ્યાપક પ્રતિસાદ : પં. સાજન મિશ્રાજીએ આશીર્વચનો વરસાવ્યા

રાજકોટ : સપ્ત સંગીતિ ૨૦૨૧ કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ કોન્સર્ટ સીરિઝના તૃતિય શો માં ડો. નબનિતા ચૌધરી દ્વારા તેમના ગુરૂ પદ્મભૂષણ સ્વ. પં. રાજન મિશ્રાજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા અર્થે આયોજીત પ્રિમિયર શોને કલારસીકોએ મનભરીને માણ્યો હતો.  નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સતત ચાર વર્ષ સપ્ત સંગીતિના આયોજન પછી, આ પાંચમા વર્ષે વિષમ પરિસ્થિતિ હોવા છતાં શ્રોતાઓ અને શાસ્ત્રીય સંગીત કલાની સાચી કદર કરનારા લોકોને નિરાશ ન કરતા તેમના ઘરે બેઠા સંગીતનો રસાસ્વાદ માણવા મળે તે માટે વર્ચ્યૂઅલ્ કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલ  છે. જેમાં તા. ૧૧ જુલાઈના યોજાયેલ ત્રીજા પ્રિમિયર શોમાં પં. રાજન અને પં સાજન મિશ્રાજીના શિષ્યા ડો. નબનિતા ચૌધરી દ્વારા તેમના ગુરૂ સ્વ. પંડિત રાજન મિશ્રાજીને શાસ્ત્રીય કંઠય સંગીત દ્વારા સુરાંજલી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ ભાગમાં નબનિતાજીએ રાગ મદ્યુવંતીમાં વિલંબિત એકતાલમાં બડા ખ્યાલ 'સખી કૈસે જાઉં' તથા તાલ તિનતાલમાં દ્રુત બંદિશ અને એકતાલમાં તરાનાની અદ્દભુત રજુઆત કરી હતી. ત્યારબાદ બીજા ભાગમાં નબનિતાજીએ શ્રીમતી નિર્મળા દેવીએ સ્વરબધ્ધ કરેલી રાગ શિવરંજનીમાં ઠુમરી 'રો રો નૈન ગવાએ સજના ન આયે' પ્રસ્તુત કરી હતી. નબનીતાજીની પ્રસ્તુતિમાં પં.મિથિલેશ ઝાએ તબલા ઉપર તેમજ શ્રી સુમિત મિશ્રાજીએ હાર્મોનિયમ પર સંગત કરી હતી. ડો. નબનિતા ચૌધરીના પ્રિમિયર શોને અદભુત પ્રતિસાદ સાંપડયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વર્ષ ૨૦૧૯ માં જયારે પં. રાજન-સાજન મીશ્રાજી સપ્ત સંગીતિ અને રાજકોટના મહેમાન બન્યા હતા, એ અલૌકીક અનુભુતી કરાવતા એમના પરફોર્મન્સની ઝલક અહીં પ્રસ્તુત કરવામાં આવી હતી. આ તકે પં. સાજન મિશ્રાજી દ્વારા વિડિયો સંદેશના માધ્યમથી સપ્ત સંગીતિના અયોજકોને તથા તમામ શ્રોતાઓનો તેમના આદર, લાગણી અને પ્રેમ બદલ આભાર માન્યો હતો. તેમજ નિઓ રાજકોટ ફાઉન્ડેશનને કલાત્મક પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરવા બદલ શુભાષીશ પાઠવ્યા હતા. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હવે કાર્યક્રમનું સ્વરુપ વર્ચ્યૂઅલ હોવાથી ન ફકત શહેર, રાજય કે દેશના, પરંતુ સમગ્ર વિશ્વના કલાપ્રેમી લોકો આ કાર્યક્રમોને મનભરીને ઓનલાઇન માધ્યમોથી માણી રહ્યા છે. કલારસીકોને અત્યાર સુધીમાં યોજાયેલ તમામ પ્રિમિયર શો સપ્ત સંગીતિના ફેસબુક, યુટયુબ તથા ઇન્સ્ટાગ્રામ પર જોવા અને માણવા મળશે.

(3:16 pm IST)