Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

'ગંદકીના ગંજ મુકત રાજકોટ': પ્રદિપ ડવનો એકશન પ્લાન

મેયરે દરેક નગર સેવકોને વિનંતી પત્ર પાઠવી તેઓનાં વોર્ડમાં કયાં કયાં સ્થળે ગંદકીનાં ગંજ (મ્યુસન્સ પોઇન્ટ) છે તેની યાદી મોકલવા જણાવ્યુઃ તમામ નગર સેવકોને સાથે રાખી ન્યુશ્ન્સ્ પોઇન્ટ સ્વચ્છ બનાવાશેઃ ત્યારબાદ જે કોઇ કચરો નાખશે તેને દંડ ફટકારાશેઃ સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભર દ્વારા ઝૂંબેશને વેગવંતી બનાવવા કાર્યવાહી

૧૬૪ સ્થળે આવા ગંદકીનાં ઢગલા : શહેરમાં ઘરે - ઘરેથી કચરો લઇ જવાની વ્યવસ્થા છે છતાં એક અંદાજ મુજબ ૧૬૪ જેટલા સ્થળોએ મ.ન.પા.ના સફાઇ બાદ પણ લોકો ગંદકીનાં ઢગલા કરી નાખે છે. તસ્વીરમાં સદર બજાર વિસ્તારમાં ખડકાયેલ ગંદકીનો ગંજ દર્શાય છે.

રાજકોટ તા. ૧૩ : દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ 'સ્વચ્છ ભારત મિશન' ચાલી રહ્યું છે. રાજકોટ શહેર પણ સ્વચ્છ બને અને સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેર નંબર-૧ પર આવે તે આપણા સૌની જવાબદારી છે. સ્વચ્છતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરતી બજેટ જોગવાઈ પણ કરવામાં આવે છે. રાજકોટ સ્માર્ટ સિટી બનવાની સાથોસાથ સ્વચ્છ, સુંદર અને રળિયામણું પણ બને તે વધુ ઇચ્છનીય છે.

રાજકોટના યુવા મેયર ડો.પ્રદિપ ડવ તથા સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ સ્માર્ટ સિટી રાજકોટને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટમાંથી મુકત બનાવવા તમામ નગરસેવકોને સાથે રાખી કામગીરીનું આયોજન કરેલ છે.

આ અભિયાનની પૂર્વ ભૂમિકા વિષે વાત કરતા મેયરશ્રીએ એમ કહ્યું હતું કે, ભૂતકાળમાં રાજકોટ શહેરના વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ મોટા કદની ડસ્ટબીન રાખવામાં આવતી હતી. આ પછી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સિસ્ટમ અમલી બનાવી શહેરને 'ડસ્ટબીન મુકત' બનાવ્યું હતું. જેનું ખુબ જ સારુ પરિણામ આવેલ છે. હવે રાજકોટની ખુબસુરતીમાં વધારો કરવા 'ન્યુસન્સ પોઈન્ટ મુકત રાજકોટ'નું અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, મેયરે ભાજપના અને કોંગ્રેસના નગરસેવકોને પત્ર પાઠવી ન્યુસન્સ પોઈન્ટ ક્રમશઃ દુર થાય તે માટેની મહાનગરપાલિકાની કામગીરીમાં સામેલ થવા અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત, શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાઇવેટ માલિકીના પ્લોટમાં પણ ગંદકી થતી હોય છે. તે અટકાવવા તંત્રની સાથે પ્રાઇવેટ પ્લોટ માલિકોને પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવશે. અમુક ન્યુસન્સ પોઈન્ટ પર સફાઈ કરવા છતાં લોકો દ્વારા એજ જગ્યાએ ફરીને કચરો ફેંકતા હોય છે. આવા પોઈન્ટ પર સિકયુરિટી, અહિયા કચરો ફેંકવો નહિ તેવા સાઇન બોર્ડ, વિગેરે વ્યવસ્થા કરાશે અને તેમ છતાં કચરો ફેંકતા આસામીઓ સામે જરૂર જણાયે કડક પગલા લેવામાં આવશે. લારી-ગલ્લા મારફત રોજગાર મેળવતા ધંધાર્થીઓએ પણ જયાં-ત્યાં કચરો ન ફેંકે તે માટે કડક ચેકિંગ હાથ ધરાશે અને શહેરને વધુ માં વધુ સ્વચ્છ બનાવવા જરૂરી સાધનો પણ ખરીદ કરવામાં આવશે.

વિશેષમાં મેયરશ્રીએ જણાવેલ કે, શહેરના ન્યુસન્સ પોઈન્ટની નિયમિત સફાઈ તેમજ ક્રમશઃ ઘટાડા માટે સંબધક વિભાગના અધિકારી/કર્મચારીઓની પણ જવાબદારી ફિકસ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા આયોજનમાં શહેરની સામાજીક સંસ્થાઓનો હંમેશા સહકાર મળતો રહ્યો છે તે જ રીતે શહેરને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં આગામી સમયમાં શહેરની સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે. શહેરના હરવાફરવાના સ્થળો, બાગ બગીચાઓની સફાઈ થાય તે માટે સંસ્થાઓને જોડી જરૂરત જણાયે દતક પણ અપાશે.

શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા તમામ નગરજનોએ સાથ-સહકાર આપવા અંતમાં મેયર તથા સેનિટેશન ચેરમેને અપીલ કરેલ છે.

(3:52 pm IST)