Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગોંડલના નામચીન નિખીલ દોંગા ગેંગના ૭ સાગ્રીતોનો કોવીડ ટેસ્ટ બાદ રીમાન્ડ પર લેવાશેઃ રની શોધખોળ

જામનગરના જયેશ પટેલની ટોળકી બાદ ગોંડલના નીખીલની ગેંગ સામે રેન્જ ડીઆઇજી સંદીપસિંહની આકરી કાર્યવાહીઃ રાજકોટ જીલ્લામાં પ્રથમવાર 'ગુજસીટોક' હેઠળ નોંધાયેલ ગુન્હામાં એસપી સાગર બાગમાર દ્વારા તપાસનો ધમધમાટઃ નીખીલ દોંગાની ગેંગનો ભોગ બનેલ લોકોને પોલીસ ફરીયાદ કરવા અપીલ

 

તસ્વીરમાં નીખીલ ગેેંગના પકડાયેલસાગ્રીતો સાથે રેન્જ ડીઆઇજી સંદીપસિંહ, એસપી બલરામ મીણા, ગોંડલ ડીવાયએસપી પી.એ.ઝાલા તથા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગોહીલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૩: જેલની અંદર અને બહાર રહી સંગઠીત  ગુન્હાઓ આચરતા ગોંડલની નામચીન નીખીલ દોંગા અને તેની ટોળકીના ૧૧ સાગ્રીતો સામે રેન્જ ડી.આઇ.જી. સંદીપસિંહ તથા રૂરલ એસપી બલરામ મીણાએ ગુજસીટોક હેઠળ ગુન્હો  દાખલ કરી નીખીલ દોંગાની ગેંગના ૭ સાગ્રીતોને ઝડપી લીધા બાદ આ તમામનો કોવીડ ટેસ્ટ કરાવી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

ગોંડલ, રાજકોટ, જેતપુર, લોધીકા, કોટડા સાંગાણી, વિરપુર, ભાયવદર, જુનાગઢના કેશોદ, સુરેન્દ્રનગરના લીંબડી, થાન તથા જોરાવરનગર સહીતના વિસ્તારોમાં ફાયરીંગ, ખુન, ખુનની કોશીષ, સાપરાધ મનુષ્યવધ, અપહરણ, લુંટ, ધાડ, ચોરી, મિલ્કતો પડાવી લેવા તથા વિવાદીત મિલ્કત અને નાણાની લેતી-દેતીનો હવાલો લઇ જેલ અંદર અને જેલની બહાર રહી સંગઠીત રીતે ગુન્હાઓ આચરી ગોંડલના કુખ્યાત નિખીલ દોંગા અને તેની ટોળકીના ૧૧ સાગ્રીતો સામે સરકાર તરફે ગોંડલના ડીવાયએસપી પી.એ.ઝાલાએ ખુદ ફરીયાદી બની ગોંડલ સીટી પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.

રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા પીએસઆઇ હિતેન્દ્રસિંહ રાણાની અલગ અલગ ટીમોએ નિખીલ દોંગા ગેંગના સાગ્રીત વિજય ભીખાભાઇ જાદવ રે. મહાકાળીનગર શેરી નં. ૪ ગોંડલ, પૃથ્વી યોગેશભાઇ જોષી રે. સાટોડીયા સોસાયટી ગોંડલ, દર્શન ઉર્ફે ગોલુ ઉર્ફે જાડો પ્રફુલ્લ સાકરવાડીયા રે. ગણેશનગર શેરી નં. ર ગોંડલ, વિશાલ આત્મારામ પાટકર રે. હુડકો સોસાયટી રાજકોટ, અક્ષય ઉર્ફે ગીરી સુર્યકાંત દુધરેજીયા, રે. વોરા કોટડા રોડ આવાસ યોજના કર્વાટર ગોંડલ, દેવાંગ જેંતીલાલ જોષી રે. સુખનાથનગર ગોંડલ તથા નરેશ રાજુભાઇ સિંધવ ઝાપડા રે. ભગવતપરા ગોંડલને ઝડપી લીધા હતા. જયારે મુખ્ય સુત્રધાર નીખીલ ઉર્ફે નિકુંજ રમેશ દોંગા રે. ગાયત્રીનગર ગોંડલ હાલ અમદાવાદ સાબરમતી જેલ, નવઘણ વરજાંગ ઉર્ફે વજુભાઇ શિયાળ રે. કોઠારીયા રોડ હુડકો સોસાયટી રાજકોટ મુળ ચરેલ હાલ સાબરમતી જેલની હવા ખાઇ રહેલા હોય ત્રણેયનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાશે.

નીખીલ દોંગા અને તેની ટોળકીના સાગ્રીતો સામે અત્યાર સુધીમાં અલગ અલગ પોલીસ મથકમાં ૧ર૭ ગુન્હાઓ નોંધાયા છે. મુખ્ય સુત્રધાર નીખીલ દોંગા ગોંડલ સબ જેલમાં બેઠા-બેઠા સંગઠીત ગુન્હાખોરીનું સામ્રાજય ચલાવતો હતો. નીખીલ દોંગા ર૦૧૩ ના વર્ષથી વિરપુરના ફાયરીંગ વીથ મર્ડરના ગુન્હામાં જેલમાં છે. ર૦૧૩ ની ર૦ર૦ સુધી તેણે માતા-પિતાની બિમારીના બહાના હેઠળ કુલ ૧૯ વખત ૩ર૯ દિવસ સુધી પેરોલ અને વચગાળાના જામીન મેળવ્યા હતા. ૧ર વખત રજા પુરી થયા બાદ જેલમાં હાજર થયો ન હતો. આ દરમિયાન તેણે સાગ્રીતો સાથે ગંભીર પ્રકારના ગુન્હાઓ આચર્યા છે. મુખ્ય સુત્રધાર નીખીલ દોંગા સામે ગંભીર પ્રકારના ૧૪ ગુન્હાઓ નોંધાયા છે.

દરમિયાન તપાસનીસ અધિકારી જેતપુરના ડીવાયએસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે ગુજસીટોક હેઠળ પકડાયેલ નીખીલ દોંગાની ગેંગના સાતેય સાગ્રીતોનો કોવીડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી રીમાન્ડ પર લેવાશે. જયારે મુખ્ય સુત્રધાર નીખીલ દોંગા તથા તેના બે સાગ્રીતો જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જોલેવા તજવીજ હાથ ધરાઇ છે. તેમજ નાસતા ફરતા અન્ય બે સાગ્રીતોની શોધખોળ હાથ ધરાઇ છે.

ગોંડલ, જેતપુર, રાજકોટ કે અન્ય વિસ્તારોમાં ગોંડલના નામચીન નીખીલ દોંગાની ટોળકી દ્વારા કોઇ મિલ્કત પચાવી પાડવામાંૅ આવી હોય કે બળજબરીથી નાણા પડાવવામાં આવેલ હોય તો તેવા ભોગ બનનારે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અથવા તો તપાસનીસ અધિકારી જેતપુર ડીવાયએસપી સાગર બાગમારેનો સંપર્ક સાધવા અપીલ કરાઇ છે. (૪.૬)

(11:21 am IST)