Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સિવિલ હોસ્પિટલમાં સઘન સારવારથી કોરોના મુકત થઇ રહ્યા છે દર્દીઓ

સાવધાની અને સાવચેતી રાખવી આવશ્યકઃ આશિષ ભુત

રાજકોટ તા. ૧૩ : સમગ્ર રાજયમાં કોરોનાને નાથવા હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાક અવિરત સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેઓની નિઃસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો સંક્રમણ મુકત બની સ્વગૃહે પરત ફરી રહ્યા છે.

આવા જ એક વ્યકિત ૩૦ વર્ષીય આશિષ ભૂત એ સિવિલ હોસ્પિટલેથી સ્વસ્થ થયા બાદ સ્વગૃહે પરત ફરતા કોરોનાથી બચવા સાવધાની અને સુરક્ષા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, 'કોરોનાના અનુભવે મને એટલું શીખવ્યું છે કે, પ્રીકોશન્સ આર બેટર ધેન કયોર એટલે કે, તમે જેટલાં સ્વયં પ્રત્યે સાવધાન અને સતર્ક રહેશો, તેટલા જ તમે કોરોના સામે સુરક્ષિત રહેશો. મારુ લોકોને માત્ર એટલું જ કહેવું છે કે, તમે કોરોનાના સકંજામાં આવો એ પૂર્વે જાગૃત બનો અને સરકારની સૂચનાઓનું પાલન કરો. કારણકે, કોરોના કરતાં તેનો ડર વધુ હાનિકારક છે.કોરોનાના આ સમયમાં પ્રત્યેક વ્યકિતના મનમાં મારૃં શું થશે ? મારા પરિવારનું શું થશે ? હું કેમ બચીશ ? હવે શું થશે ? આ ડર ફેલાયેલો છે, તેને દરેક લોકોએ મનમાંથી દૂર કરીને થોડી સાવધાની રાખવી પડશે. કોરોનાથી જો કોઈ વ્યકિત સંક્રમિત થયા હોય, કે પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેની તુરત જ સારવાર લઈએ. અને થોડો સમય હોમ કવોરન્ટાઈન થઈએ જેથી આપણે આ રોગથી ઝડપથી મુકત થઈ શકીએ.'

તેઓ પોતાના કોવીડ સેન્ટરના અનુભવને વર્ણવતા જણાવે છે કે, 'થોડાં દિવસો પૂર્વે મને અસ્વસ્થતા જણાતાં મેં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો જયાં મારો કોવિડ-૧૯નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો, જયાં હું ૬ દિવસ કોરેન્ટાઇન રહ્યો. અહીં અમને સારવાર સાથે ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થઈ. સમરસ ખાતે પ્રતિદિન સવારે ઉકાળો, બપોરે સ્વાસ્થ્યપ્રદ આહાર અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવતું. હાલ હું સ્વસ્થ છું પરંતુ હવેથી હું મારી જાત પ્રત્યે વધુ સાવધ રહીશ, નિયમિત હાથમોજાનો ઉપયોગ કરીશ અને સમયાંતરે સાબુથી હાથ ધોતો રહીશ.' આશિષભાઈની જેમ દરેક નાગરિકે કોરોના અંગે સાવચેતી અને સલામતી રાખવી આવશ્યક છે જેથી કોરોનાનાં સંક્રમણથી બચી શકાય.

(1:26 pm IST)