Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

૧ વર્ષથી રોજ સાઈકલ લઈ ૨૬ કિ.મી.નું અંતરકાપી શાળાએ જાય છે આચાર્ય નિમેશભાઈ વિસાવડીયા

પર્યાવરણલક્ષી પરિવર્તન લાવતા ફલાવર સ્કૂલના આચાર્ય : સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે, પરંતુ સ્વની સાથે અન્યને લાંબુ આયુષ્ય અને સ્વચ્છ વાતાવરણ આપવા આજનો થોડો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે

રાજકોટઃ મનુષ્યની જીવનકૃતિને સુંદર અને સુખમય બનાવવા અનેક રંગો અને અમુલ્ય ખજાનાઓથી ભરપૂર પ્રકૃતિ આગવી ભુમિકા ભજવે છે. પરંતુ આજે સ્વના ચિંતનમાં આપણે એટલાં મગ્ન થઈ ગયાં છીએ કે આપણી પાસે પ્રકૃતિનું ચિંતન કરવાનો સમય જ નથી. જગતજીત બનવા માટે પ્રકૃતિજીત બનવું આવશ્યક છે. અને એ ત્યારે જ થશે જયારે પર્યાવરણની બાબતમાં આપણા રોજીંદા વ્યવહાર અને વિચારોમાં આમુલ પરિવર્તન લાવીએ. પોતાના જીવનમાં નાના પરંતુ મહત્વના નિર્ણય થકી આવું જ પર્યાવરણલક્ષી પરિવર્તન લાવ્યા છે સન ફલાવર સ્કુલના આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા.

શિક્ષકો જ્ઞાનમંદિરરૂપી શાળામાં વિદ્યાર્થીઓને સારી-નરસી બાબતોની સમજણ આપી તેનું ઘડતર કરતા હોય છે. ત્યારે આચાર્યશ્રી નિમેશભાઈએ વર્તમાન અને ભવિષ્યની પેઢી સુંદર અને નિર્મળ હવા લઈ શકે તે માટે દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ બન્યા છે. કે જેઓએ માત્ર ભણાવી કે બોલીને નહીં પરંતુ શાળાએ જવા-આવવા માટે સાઈકલીંગને પરિવહનનું માધ્યમ બનાવીને વિદ્યાર્થી અને સમાજને શુદ્ઘ હવાનું મહત્વ પ્રેકટીકલમાં સમજાવ્યું છે.

૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને શાળાએ જતાં આચાર્યશ્રી નિમેશભાઈએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અખબારમાં અવારનવાર વાંચતા હોઈએ છીએ કે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. શ્વાસને લગતી બીમારીઓ વધી રહી છે. આ બધું શેના કારણે થઈ રહ્યું છે તે જાણતા હોવા છતાં આપણે કશું કરતાં નથી. એક શિક્ષક તરીકે પર્યાવરણની આ બાબતમાં હું શું યોગદાન આપી શકું ? આ બાબત પર વિચાર કરતા ૧ વર્ષ પહેલા મેં નિર્ણય લીધો કે હવેથી હું શાળાએ જવા માટે સાઈકલનો ઉપયોગ કરીશ.

સકારાત્મક વાતને રજુ કરવા માટે ઘણી વાર નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. જયારે મેં મારા નિર્ણય પર અમલ કર્યો ત્યારે ઘણાં લોકો મને રોકવાવાળા હતા અને ઘણાં તો મારા આ વિચારને હાસ્યમાં પણ ખપાવતા, શિક્ષકોને પણ અજીબ લાગતું. પરંતુ મેં આ બધી બાબતોને બેધ્યાન કરીને સાઈકલ ઉપર સ્કુલે જવાનું ચાલુ રાખ્યું. લોકડાઉન પહેલાંના સમયમાં મારી સ્કુલના ઘણાં વિદ્યાર્થીઓ મારામાંથી પ્રેરણા લઇને સ્કુલે સાઈકલ લઈને આવતા થયા હતા. જો કે આચાર્ય હોવાથી મારે તો હાલ પણ શાળાએ જવાનું થાય તો હું સાઈકલ લઈને જ જાઉં છું તેમ નિમેશભાઈએ જણાવ્યું હતું.

 જેમનું કાર્ય સ્થળ નજીક હોય તેમને સાઈકલ લઈને જવા માટે પ્રોત્સાહન આપતાં આચાર્ય વિસાવડીયાએ કહ્યું હતું કે, સમય બચશે એવું બહાનું લઈને વાહનનો વપરાશ કરતાં હોઈએ છીએ. પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે પરંતુ સ્વની સાથે અન્યોને લાંબુ આયુષ્ય અને સ્વસ્છ વાતાવરણ આપવા આજનો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે. કારણે કે આપણે જેવું આપશું તેવું પામશું. તો ચાલો આજથી જ આપણે પર્યાવરણને કેવી રીતે પ્રદૂષિત થતું અટકાવીને તેનો સદ્દઉપયોગ કરી શકીએ તેનો વિચાર-અમલ કરીને કુદરતનું ઋણ ચુકવીએ.

(2:48 pm IST)