Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ખાદ્ય પદાર્થોના ૧૦૨ પ્રકારના ટેસ્ટ કરી શકતા 'મેજીક બોકસ'થી રો-મટીરીયલ્સનું ચેકીંગ

મ.ન.પા.નાં આરોગ્ય વિભાગ ટેકનોલોજીથી સજ્જ થયો : બરફી -રસગુલ્લા-પનીર-ગુલાબજાંબુના નમુનાઓ લેવાયા : કુલ ૨૬ દુકાનોમાં ચેકીંગ

રાજકોટ,તા.૧૩: મ.ન.પા.નાં આરોગ્ય વિભાગને રાજ્ય સરકારે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કર્યો છે અને ખાદ્ય પદાર્થોના જુદા જુદા ૧૦૨ પ્રકારના ટેસ્ટ કરતી કીટ 'મેજીક બોકસ' ફાળવાયા છે. આ મેજીક બોક્ષ વડે આજે કુલ ૧૦ સ્થળોએ રો-મટીરીયલ્સ (કાચો માલ)નું ચેકીંગ ફુડ સેફટી ઓફીસરોએ કર્યું હતું.

આ અંગે આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ડ્રાયફ્રુટ તથા મીઠાઇ ફરસાણનુ વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય,જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી પેઢીના સ્થળ પર વપરાતા ખાદ્ય તેલની TPC વેલ્યુ ચેક કરી તથા ફુડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે.

નમુનાની કામગીરીઃ-

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે. તેમાં એસ.પી.સ્વીટ્સ, સાધુવાણી મે. રોડ ખાતેથી રસગુલ્લા (લૂઝ), યોગેશ્વર ડેરી, કોઠારીયા રોડ, ખાતેથી બટરસ્કોચ બરફી (લૂઝ), આસ્થા એન્ટરપ્રાઇઝ, સાધુવાણી મે. રોડ, ખાતેથી પનીર (લૂઝ), અક્ષર રાજ ડેરી પ્રોડ્કટ્સ, પ્રેમમંદિર મે. રોડ, ખાતેથી ચમચમ માટેનો બેઇઝ (લૂઝ), તેમજ શિવમ જાંબુવાલા, વાણીયાવાડી ખાતેથી ગુલાબ જાંબુ (લૂઝ) તેમજ નો સમાવેશ થાય છે.

મેજીક બોકસ વડે ટેસ્ટીંગ કામગીરીઃ-

તહેવારોને અનુલક્ષીને સરકારશ્રી તરફથી ફાળવવામા આવેલ 'મેજીક બોકસ'ફૂડ ટેસ્ટીંગ કિટ વડે ખાદ્યપદાર્થમાં ભેળસેળ અંગે કુલ ૧૦૨ પ્રકારના જુદા-જુદા ટેસ્ટ કરી શકાય છે. આ મેજીક બોકસ વડે કુલ-૧૦ જુદા-જુદા સ્થળે ચકાસણી કરી મીઠાઇ બનાવવામાં ઉપયોગમા લેવાતા અલગ-અલગ મીલ્ક પ્રોડકટસ અને રો-મટીરીયલ્સ જેવી કે મીઠો માવો, દૂધ વગેરેનુ ટેસ્ટીંગ કરવામા આવેલ. જેમા ગાયત્રી ડેરી, વિદ્યાનગર મેઇન રોડ, ખાતે મીઠો માવો, શિવશકિત ડેરી, રામકૃષ્ણ રોડ, ખાતે મીકસ મીલ્ક, વિશાલ ડેરી ફાર્મ, મંગળા રોડ ખાતે મીકસ મીલ્ક, ધર્મપ્રિય ડેરી, લક્ષ્મીવાડી મે. રોડ ખાતે મીઠો માવો, વિકાસ ડેરી ફાર્મ, ૮૦ ફૂટ રોડ, ખાતે મીઠો માવો, માટેલ સ્વીટ્સ એન્ડ નમકીન, નવા થોરાળા ખાતે મીઠો માવો, ગજાનન ડેરી ફાર્મ, દૂધસાગર રોડ ખાતે મીઠો માવો, સત્યમ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ખાતે મીઠો માવો, દિલીપ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ખાતે મીકસ દૂધ, તેમજ યોગેશ્વર ડેરી કોઠારીયા રોડ ખાતે મીઠા માવાની ચકાસણી કરેલ.

ચેકીંગ ઝુંબેશ ની વિગત

ફુડ શાખા દ્વારા  ૨૬ પેઢીની ચકાસણી કરી જે પૈકી કુલ ૦૫ સ્થળોએ મીલ્ક પ્રોડકટસના કુલ ૦૫ (પાંચ) નમુના  લેવામાં આવેલ તથા ૧૦ સ્થળોએ 'મેજીક બોકસ'વડે રો-મટીરીયલ્સની ચકાસણી કરવામા આવેલ હતી.

(2:51 pm IST)