Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગુજસીકોટ કાયદાના કેસમાં જામનગરના એડવોકેટ સહિત ત્રણની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૧૩ :  જામનગરના ચકચારી ગુજસીકોટ કાયદા હેઠળ પકડાયેલા એડવોકેટ વસંતરાય લીલાધર મહેતા, જીગર આડતીયા અને પ્રફુલ પોપટ દ્વારા કરવામાં આવેલ જામીન અરજીનો રાજકોટની ખાસ અદાલત દ્વારા આજે ચુકાદો અપાયો હતો જેમાં ત્રણેયની જામીન અરજી રદ કરવામાં આવી છે. 

આ અંગેની વિગત એવી છે કે, જામનગરના વેપારીઓ, બિલ્ડરો વિગેરેની કિંમતી જામીન પચાવી પાડવા અંગે નામચીન જયેશ પટેલ ગેંગ વિરૃધ્ધ ગુજસી કોટના કાયદા હેઠળ જુદા જુદા ફરીયાદો નોંધાયેલ છે.

આ ફરીયાદો પેઢીની ચાર ફરીયાદોમાં જે જમીન બળજબરીથી પડાવી લેવાનો આરોપ છે. તે જમીનો અંગે એડવોકેટ માનસાતાએ ઇલીગલી જાહેર નોટીસો છપાવી અને કાયદાની વિરૃધ્ધ જઇને કાર્યવાહી કર્યાનો પોલીસે આક્ષેપ કર્યો હતો.

આ બનાવમાં પોલીસે એડવોકેટ માનસાતાની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ હોય વકીલ સહિત ઉપરોકત ત્રણેય આરોપીઓ દ્વારા રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.

આ જમીન અરજીની સુનાવણી થતા બંને પક્ષો દ્વારા કાયદા વિષયક રજુઆતો તેમજ જમીન મંજુર કરવા અને સરકારપક્ષે જામીન રદ કરવાની દલીલો કરવામાં આવી હતી.

જજ યુ.ટી.દેસાઇએ ત્રણેયની જામીન અરજી રદ કરવાનો ચુકાદો આપતા હવે ત્રણેય આરોપીઓએ દિવાળી જેલમાં કરવી પડશે.

આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. સંજયભાઇ વોરા તથા બચાવપક્ષે એડવોકેટ કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ વિગેરે રોકાયા હતા.

(2:58 pm IST)