Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અર્જુનપાર્કની ૧૫ કરોડની જમીનના ગુનામાં ભૂપત બાબુતરની ધરપકડઃ રિમાન્ડ મંગાયા

રાજકોટ તા. ૧૩: મોરબી રોડ પર આવેલી અર્જુનપાર્ક (સુચિત)ની ૧૫ કરોડની જમીન પડાવી લેવાના ગુનામાં ડીસીબી પોલીસે સામા કાંઠે બેડીપરા સિતારામ રોડ પર રહેતાં ભૂપત વિરમભાઇ બાબુતર (ઉ.વ.૪૪)ની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ

પોલીસે કોઠારીયા રોડ ભારતીનગર મેઇન રોડ પર રહેતાં મુળ મોડપરના વિનોદભાઇ ઠાકરશીભાઇ પીપળીયા (પટેલ) (ઉ.૪૨) નામના બાંધકામના ધંધાર્થીની ફરિયાદ પરથી ભૂપત ભરવાડ તથા તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૩૮૬, ૪૪૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદીના પિતાજી તથા બીજા લોકોએ ૧૯૯૬માં મોરબી રોડ પર સર્વે નં. ૫૦ પૈકી ૧-૨-૩ની જમીન ૪ એકર કુલ જમીન ૧૮૦૦૯-૦૦ ચો.મી. હતી તે પૈકીની ૯૮૩૬ ચો.મી. ૨૦૦૮માં જમીન મુળ ખેડુત અરજણભાઇ બાસીડા અને વજુભાઇ બાસીડા પાસેથી લીધી હતી.

બીનખેતી થયેલી એ જમીન પર  અર્જુન પાર્ક (સુચિત)ના નામથી અલગ-અલગ પ્લોટ પાડવામાં આવ્યા હતાં. જેના પ્રયોજક યુનુસભાઇ જૂણેજા હતાં. આ જમીન કે જેની હાલની કિંમત ૧૫ કરોડ જેવી થાય છે તેમાં ભૂપત બાબુતર સહિતે કબ્જો જમાવી લઇ ધમકી આપી આપ્યાની અને પ્લોટ ધારકોને પૈસા લઇ લઇ જગ્યા ખાલી કરી દેવા ધમકી અપાયાનું ફરિયાદમાં જણાવાયું હતું.

આ ગુનામાં ભૂપત અગાઉના ગુનામાં જેલમાંથી છુટીને જામીન પર બહાર આવતાં જ ક્રાઇમ બ્રાંચે ફરી તેની નવા ગુનામાં ધરપકડ કરી છે. રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવતાં ભૂપતના તહેવારના દિવસો પોલીસ મથક અથવા જેલમાં વીતે તેવી શકયતા છે. એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીએસઆઇ વી. કે.ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ ઝાલા વધુ તપાસ કરે છે.

બપોરે સવા બે વાગ્યે આ લખાય છે ત્યારે રિમાન્ડ અરજી માટેની બંને પક્ષની દલિલો અને સુનાવણીની કાર્યવાહી ચાલી રહી છે.

(3:31 pm IST)