Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની વધુ ૭૦,૦૦૦ ગુણીની આવકઃ ભાવો વધ્યા

લોકલ આવકો વધતા ટમેટા સિવાયના લીલા શાકભાજીના ભાવ ૩૦થી ૫૦ ટકા ઘટ્યાં છતા છૂટક બજારમાં મનફાવે તેવા ભાવો લેવાય છે

રાજકોટ, તા. ૧૩ :. લાભ પાંચમ બાદ રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની આવકોે ગઈકાલે રાત્રે શરૂ કરાતા મગફળીની વધુ ૭૦,૦૦૦ ગુણીની આવકો થઈ હતી. સાથે સાથે મગફળીના ભાવો પણ વધ્યા હતા.

માર્કેટયાર્ડમાં આજે મગફળીની વધુ ૭૦,૦૦૦ ગુણીની આવકો થઈ હતી. મગફળી ઝીણી એક મણના ભાવ ૧૦૮૦ થી ૧૧૫૦ રૂ. તથા મગફળી જાડી એક મણના ભાવ ૧૦૫૦થી ૧૧૭૦ રૂ. બોલાયા હતા. મગફળીના ભાવમાં ૧૦થી ૧૫ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. યાર્ડના સંચાલકો દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી નવી મગફળીની આવકો બંધ કરાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયુ છે. ખેડૂતો શિયાળુ પાકના વાવેતરમાં વ્યસ્ત હોય મગફળીની આવકોે દિપાવલી પર્વમાં ઘટી હતી. જો કે હવે આગામી દિવસોમાં મગફળીની આવકો વધશે તેમ વેપારી સૂત્રોએ જણાવ્યુ હતું.

દરમિયાન રાજકોટ જૂના યાર્ડમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકલ શાકભાજીની આવકો શરૂ થતા ટમેટા સિવાયના તમામ લીલા શાકભાજીના ૩૦થી ૫૦ ટકા ભાવોે ઘટયા છે. શાકભાજી વિભાગના ઈન્સ્પેકટર ચાવડાના જણાવ્યા મુજબ હાલમાં તમામ લીલા શાકભાજીની લોકલ લેવલે પુષ્કળ આવકો શરૂ થઈ ગઈ છે. હોલસેલમાં ગુવાર ૧ કિલોના ભાવ અગાઉ ૭૦થી ૮૦ હતા તે ઘટીને ૩૦ થી ૩૫ રૂ. થઈ ગયા છે. તેવી જ રીતે અન્ય લીલા શાકભાજીના ભાવો પણ ઘટયા છે. ટમેટા સિવાયના તમામ લીલા શાકભાજી હોલસેલમાં ૨૦થી ૪૦ રૂ.ના ભાવે વેચાય રહ્યા છે. ટમેટા હોલસેલમાં ૩૦ થી ૪૫ રૂ.ના ભાવે વેચાય રહ્યા છે. જો કે અગાઉ કરતા ટમેટાના ભાવો ઘટયા છે. બે દિ' પૂર્વે હોલસેલમાં ટમેટાના ભાવ ૪૦થી ૫૫ હતા તે ઘટીને ૩૦થી ૪૫ રૂ. થઈ ગયા છે.

હોલસેલમાં લીલા શાકભાજીના ભાવોે ઘટી રહ્યા છે પણ છૂટક બજારમાં મનફાવે ભાવ લેવાય રહ્યા છે.

(12:57 pm IST)