Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

આજેે પ્રવીણકાકાની પાંચમી પુણ્યતિથિ : સ્મૃતિમાં ગ્રંથ વિમોચન અને વ્યાખ્યાનમાળા થકી ભાવવંદના

રાજકોટ તા. ૧૩ : શિક્ષણ, સમાજ, સંઘ પરિવાર અને રાષ્ટ્રના સેવાર્થી પ્રવીણભાઈ મણીઆર - પ્રવીણકાકાની આજે પાંચમી પુણ્યતિથિ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક, સંસ્કારલક્ષી ઉચ્ચ શિક્ષણનાં પ્રણેતા, શિક્ષણવિદ્દ સાથે સરસ્વતી શિશુમંદિરથી લઈ વી.વી.પી. કોલેજ જેવી અનેક નામાંકિત શૈક્ષણિક-સેવાભાવી સંસ્થાઓના સ્થાપક-સભ્ય પ્રવીણભાઈ મણીઆર - પ્રવીણકાકાની પુણ્યતિથિ નિમિતે તેમના પુત્ર તેમજ સરસ્વતી શિશુમંદિરનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, પ્રવીણભાઈ મણીઆર રાજકોટ સહિત સમગ્ર રાષ્ટ્રનું ગૌરવશાળી વ્યકિતત્વ છે. તેમના કર્તૃત્વએ તેમને સૌના માનીતા અને ચહિતા બનાવ્યા છે.

કોઈ વ્યકિતના મૃત્યુ બાદ લાગતા-વળગતા લોકો એ મૃતક વ્યકિતને ભૂલી જતા હોય છે પરંતુ પ્રવીણકાકા એક એવી વ્યકિત છે જેમના મૃત્યુના અડધા દાયકા પછી પણ તેઓ લોકહદયમાં વસેલા છે. લોકમાનસમાં તેમની સ્મૃતિ અકબંધ છે. સદાયને માટે પ્રવીણકાકાનું વ્યકિતત્વ જીવંત રહેવાનું છે.

સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે અંતમાં જણાવ્યું કે, પ્રવીણકાકાના વ્યકિતત્વ અને કર્તૃત્વ આધારિત પુસ્તકનું વિમોચન હાલમાં જ કરવામાં આવ્યું છે. પુસ્તકને ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આવનારા સમયમાં પ્રવીણકાકાની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળાનું પણ આયોજન કરવામાં આવશે.

ફકત પુસ્તક વિમોચન કે વ્યાખ્યાનમાળા જ નહીં પરંતુ પ્રવીણકાકાનાં વ્યકિતત્વ અને કર્તૃત્વમાંથી પ્રેરણા લઈ દરેક વ્યકિત નેતૃત્વ મેળવી રાષ્ટ્રને સમર્પિત કર્તવ્યનિષ્ઠ નાગરિક બની શકે તે માટેના વિવિધ કાર્યક્રમો કરવા સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ તથા મણીઆર પરિવાર વિવિધ આયોજન કરી રહ્યા હોવાનું અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું.

(3:46 pm IST)