Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

લોકોને બિમારીમાંથી બેઠા કરવાનો દાવો કરીને વેચાતા જ્યુસનો નમૂનો નાપાસ : સ્વસ્તિક એજન્સી સામે કાર્યવાહી

શ્રધ્ધા નમકીન (કોઠારિયા રોડ) ફરાળી ચેવડો મિસ બ્રાન્ડેડ જાહેર : ઇંડા - નોનવેજની લારીઓમાંથી ૫ કિલો બ્રેડનો નાશ : જલજીત મેઇન રોડ પર નવદિપ ડેરીમાંથી ૧ કિલો એકસપાયરી ડેટના બિસ્કીટનો નાશ કરાયો : મ.ન.પા.ની ફુડ શાખા દ્વારા ચેકીંગ ઝુંબેશ

રાજકોટ તા. ૧૩ : લોકોને બિમારીમાંથી સાજા કરવાનો દાવો કરી ગેરમાર્ગે દોરીને જ્યુસનું વેચાણ કરનાર વેપારીના જ્યુસનો નમૂનો રાજ્ય સરકારની ફૂડ લેબોરેટરીએ નાપાસ કરી મિસ બ્રાન્ડેડ જાહેર કર્યા છે. તેવી જ રીતે કોઠારિયા રોડ પરથી લેવાયેલ ફરાળી ચેવડાનો નમૂનો પણ નાપાસ જાહેર થયો છે.

આ બાબતે મ.ન.પા.ના આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કર્યા મુજબ ૯-મનહર પ્લોટ કોર્નર મંગળા મેઇન રોડ પર આવેલ સ્વસ્તિક એજન્સીમાંથી ફૂડ વિભાગે પ્રિકલી વેર કેકટસ ફ્રુટ જ્યુસનો ૫૦૦ મી.લી. બોટલ નમૂનો લીધો હતો. જેને સરકારી લેબોરેટરીએ નાપાસ કરેલ કેમ કે આ જ્યુસની બોટલ ઉપર જાહેર જનતા ગેરમાર્ગે દોરાય તે રીતે થેલેસિમીયા, ઓબેસીટી, કોલેસ્ટ્રોલ, લીવર, અસ્થમા, નબળાઇ જેવા રોગમાંથી સાજા થઇ જતા હોવાનો દાવો કરાયો હતો.

આજ રીતે કોઠારિયા રોડ પર શ્રધ્ધા નમકિનમાંથી રાજગરાનો ફરાળી ચેવડાનો નમૂનો લેવાયેલ. જેમાં મેન્યુફેકચરીંગ ડેટ, ન્યુટ્રીશ્યન વેલ્યુ તેમજ બેચ નંબર કશું જ દર્શાવેલ નહી હોવાથી તે પણ મિસ બ્રાન્ડેડ જાહેર કરાયો હતો.

વાસી બ્રેડનો નાશ

આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે અટીકા ઢેબર રોડ વિગેરે સ્થળે ઇંડાની રેકડીમાં ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વાસી બ્રેડ ૫ કિ.ગ્રા., ૩ લી. એકસપાયરી કોલ્ડ્રીંકસ, ૧ કિ.ગ્રા. એકસપાયરી બિસ્કીટ નાશ કરવામાં આવેલ તેમજ ૨ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

જેમાં કે.જી.એન. એગ્ઝ સેન્ટર અટીકા ઢેબર રોડમાંથી વાસી બ્રેડ ૨ કિ.ગ્રા., નવદીપ ડેરી ફાર્મ - ગુરૂપ્રસાદ ચોકમાંથી ૩ લી. એકસપાયરી કોલ્ડ્રીંકસ હોઇ નોટીસ અપાયેલ. જ્યારે નવદીપ ડેરી ફાર્મ - જલજીત મે. રોડ - ૧ કિ.ગ્રા. એકસપાયરી બિસ્કીટ મળી આવતા નોટીસ અપાઇ હતી.

(3:51 pm IST)