Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

અંગ્રેજી શીખવા માટેની

સમગ્ર ભારતમાં સૌપ્રથમ પેટન્ટ રજીસ્ટર્ડ કરાવતા રાજકોટના પ્રા. ડો. દિપક મશરૂ

અલ્ટ્રા મોર્ડન ટેકનોલોજીના સહારે રીડ, રીમેમ્બર એન્ડ સ્પીકના કન્સેપ્ટ ઉપર ખાસ કરીને ગુજરાતીઓ સચોટ રીતે સરળતાથી ઈંગ્લીશ શીખી શકશે : સમયના અભાવે અંગ્રેજી શીખવાથી વંચિત રહેનારાઓ માટે આશિર્વાદરૂપઃ એક લાખ વાકયોનો ડેટાબેઝ

રાજકોટ, તા. ૧૩ :. માહિતી અને ટેકનોલોજીના આજના યુગમાં અલ્ટ્રા મોર્ડન ટેકનોલોજીના સહારે રીડ, રીમેમ્બર એન્ડ સ્પીકના કન્સેપ્ટ સાથે ખાસ કરીને ગુજરાતીઓ સચોટ રીતે અને સરળતાથી ઈંગ્લીશ બોલી-શીખી શકે તે માટે રાજકોટના પ્રાધ્યાપક ડો. દિપક મશરૂ(મો. ૯૮૨૪૨ ૧૦૫૦૦)એ ભારત સરકારમાં પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી છે. અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક હોવા ઉપરાંત ડો. મશરૂએ ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે સંશોધન કરીને પ્રેરણાદાયી પહેલ કરી છે. આ પેટન્ટ પદ્ધતિમાં સ્ટુડન્ટસ તથા યુઝર્સ દ્વારા મેળવાયેલ અને ફીલ્ટર કરીને એક લાખ વાકયોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવનાર છે. સમયના અભાવે અંગ્રેજી શીખવાથી વંચિત રહેનારાઓ માટે આ પેટન્ટ આશિર્વાદરૂપ થશે.

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કાર્યરત અંગ્રેજીના પ્રાધ્યાપક તેમજ શૈક્ષણિક ટેકનોલોજીમાં જેમનું આગવુ પ્રદાન છે એવા ડો. દિપક મશરૂએ તાજેતરમાં 'ટેકનોલોજી અનેબલ્ડ ઈંગ્લીશ ટીચિંગ મેથડ' પર પેટન્ટ નોંધાવી છે. સામાન્ય રીતે વિજ્ઞાન, એન્જીનીયરીંગ અને ફાર્મસીને લગતા ફોર્મ્યુલા માટે પેટન્ટ નોંધવામાં આવતી હોય છે, ત્યારે અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક દ્વારા સમગ્ર ભારતમાં પેટન્ટની નોંધણી થઈ હોય એવી કદાચ સૌ પ્રથમ ગૌરવપ્રદ અને ઐતિહાસિક ઘટના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નોંધાઈ હોવાનું ડો. મશરૂએ અકિલાને જણાવ્યુ હતું.

ડો. મશરૂએ વધુમાં જણાવ્યુ હતુ કે આ પેટન્ટ દ્વારા ગુજરાતી લોકોને ટેકનોલોજીના ઉપયોગથી સચોટ રીતે અંગ્રેજી શીખી શકાશે તથા આવનારા સમયમાં ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ડો. દીપક મશરૂ છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી શિક્ષણ સાથે જોડાયેલા છે અને ભૂતકાળમાં સોશિયલ મિડીયાના ઉપયોગ દ્વારા અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવા માટે કરેલ પ્રયોગોને ધ્યાને લઈ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ડો. મશરૂને 'પેડાગોજીકલ ઈનોવેશન એવોર્ડ'થી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતી લોકો માટે ફ્રી ઓનલાઈન સ્પોકન ઈંગ્લીશ કોર્ષ તથા મોબાઈલ એપ્લીકેશન દ્વારા તેમના યોગદાનની ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પત્ર દ્વારા નોંધ લઈ અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-અમદાવાદ દ્વારા 'સ્કોપ' અંતર્ગત અભ્યાસક્રમ બનાવવા માટેની પ્રોગ્રામ એડવાઈઝરી કમિટીમાં પણ એમની નિમણૂંક કરવામાં આવી છે.

(4:15 pm IST)