Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

ફોરેક્ષ ટ્રેડિંગના નામે ગઠીયાગીરી કરી રોકડી કરી લેતી ટોળકીનો પદાર્ફાશઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચે સ્ટાર પ્લાઝાની ઓફિસના કોલ સેન્ટરમાં દરોડો પાડી ધોરાજીના સુત્રધાર સહિત ૭ને પકડી લેવાયા

પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમના પેટ્રોલીંગ દરમિયાન હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. અશોક ડાંગરની બાતમી પરથી દરોડો

રાજકોટ : શહેરના ફુલછાબ ચોકમાં આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષના ચોથા માળે એક ઓફિસમાં કોલ સેન્ટરની આડમાં ફોરેક્ષ ટ્રેડિંગના નામે બે ગેરકાયદે એપ્લીકેશનનો ઉપયોગ કરી શેરબજારમાં ડિમેટ ધરાવતાં હોય તેવા દેશભરના અલગ અલગ રાજ્યોના લોકોને અમારી એપ્લીકેશન કે જે ઓટોમેટીક ટ્રેડ થાય છે તેમાં રોકાણ કરવાથી સો ટકા ફાયદો થશે તેવી લાલચ આપી તેને છેતરીને નાણા પડાવી લેવાતા હતાં. એ પછી જે તે કસ્ટમરનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવતું હતું. આ પ્રકારના છેતરપીંડીના જબરા કોૈભાંડનો પર્દાફાશ કરી ક્રાઇમ બ્રાંચે સુત્રધાર એવા ધોરાજીના લતિફ નામના શખ્સ તથા તેના બે સાથીદાર અને કોલ સેન્ટરમાં નોકરીએ રહેલી ચાર યુવતિઓ સહિત ૭ને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ, ડી.સી.પી. પ્રવિણકુમાર તથા ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયા એ શહેર વિસ્તારમાં ગે.કા. પ્રવૃતી અટકાવવા  અને આ વર્ષમાં સાયબર ક્રાઇમના ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના અપાઇ હોઇ તે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર વી. કે.ગઢવી, ડી.સી.બી પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાની ટીમના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે  હેડ કોસ્ટેબલ રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટબલ અશોકભાઈ ડાંગરને મળેલી ચોકકસ બાતમી હકીકતના આધારે રાજકોટ ફુલછાબ ચોક સ્ટાર પ્લાઝા ચોથા માળે ઓફીસ નં. ૪૦૯ INSURE CARE નામની ઓફીસ મા દરોડો પાડી થી ભારતના અલગ અલગ રાજયના નાગરીકો સાથે છેતરપીંડી કરતી ગેંગનુ કોલસેન્ટર પકડી લેવાયું છે.

આ ગુનામાં ડીસીપી પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ફરિયાદ પરથી (૧) લતીફ ઇરશાદભાઈ નરીવાલા ઉ.વ. ૨૨ રહે. નેહરુનગર રૈયારોડ, રાજકોટ મુળ રહે. ગામ. ધોરાજી જી. રાજકોટ વાળો આ કોલસેન્ટરમાં સંચાલક છે. અને તે ધોરણ – ૧૨ પાસ સુધી ભણેલ છે. (૨) આમીર અમીનભાઈ નરીવાલા ઉ.વ. ૨૭ રહે. રાજકોટ નેહરુનગર રેયારોડ મુળ રહે. ગામ ધોરાજી નંદકુવરબાહોસ્પીટલ સામે, જી. રાજકોટ વાળો કોલ સેન્ટરમાં સુપરવાઇઝર છે. અને તે ધોરણ પાસ છે. (૩) નશરુલ્લાહ અસ્પા કભાઇ પારૂપીયા ઉ.વ. ૨૨ રહે. નેહરુનગર મકરાણીનો ડેલો, રૈયારોડ, મુળ રહે. ગામ ધોરાજી દાણાવાલા ચોક જી. રાજકોટ વાળો આ કોલ સેન્ટરમાં આસીસ્ટન્ટ સુપરવાઇઝર છે. અને તે ધોરણ - ૮ પાસ સુધી ભણેલ છે, (૪) કાજલબેન ડો.ઓ. ભરતભાઈ મકવાણા ઉ.વ. ૨૧ રહે. પંચનાથ પ્લોટ - ૪ મંગલમ હોસ્પીટલ સામે, કૈલાષ હોસ્ટેલમાં ભાડેથી રાજકોટ મુળ રહે. ભગાતળાવ, લાલગર બાવાનો મઢ હવેલીવાળી શેરી નં. ૪ ભાવનગર વાળી આ કોલ સેન્ટરમાં ટેલીકોલર છે. અને તે બી.બી.એ. સુધી ભણેલ છે. (૫) કોમલબેન ડો.ઓ. હરેશભાઇ પ્રાગડા ઉ.વ. રર રહે. રોયલ પાર્ક – ૯ ધનશ્યામ હોસ્ટેલ, કે.કે.વી હોલ ચોક પાસે હુન્ડાઇના શોરુમ પાછળ કાલાવાડ રોડ, રાજકોટ મુળ રહે. ૪- હર્ષદપુર, લાલપુર ચોકડીથી આગળ જી. જામનગર, આ કોલ સેન્ટરમાં ટેલીકોલર છે. અને તે ગ્રેજયુએટ સુધી ભણેલ છે. (૬) પુજાબેન ડો.ઓ. રશીકભાઇ સોલંકી ઉ.વ. ૨૪ રહે. નવાગામ રામાપીરના મંદીર પાસે મફતીયાપરા ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ વાળી આ કોલ સેન્ટરમાં ટેલીકોલર છે. જે એમ.એ.બી.એડ સુધી ભણેલ છે તથા (૭) સાહીસ્તાબેન વા.ઓ. વસીમભાઇ કુંપી ઉ.વ. રર રહે. જામનગર ગરીબનવાજ પાર્ક - ર મોરકંડા રોડ, જામનગર વાળી આ કોલ સેન્ટરમાં ટેલીકોલર છે. જે ગ્રેજયુએટ સુધી ભણેલ છે) તેની સામે ગુનો નોંધી સાતેયની અટકાયત કરવામાં આવી છે.

કઇ રીતે લોકોને શીશામાં ઉતારતાં હતાં તે પણ જાણો

આ કામના આરોપીઓ નં. ૧ થી ૭ નાઓએ પૂર્વયોજીત કાવતરાના ભાગ રૂપે શેરબજારમાં ડીમેટ ધરાવતા લોકોના લીડ ડેટા (મોબાઇલ નંબરો મેળવી ગેરકાયદેસર રીતે ઙ્ગ કે અન્ય કોઇ સક્ષમ સંસ્થાના કોઇપણ પ્રકારના લાયસન્સ વગર આરોપીઓએ કોઇ ડેવલોપર પાસે ફોરેક્ષ ટ્રેડીંગની સુરત મુકામેના એન્જલ બ્રોકીંગના તથા અન્ય શેરબજારના એકાઉન્ટ માથી લીડ ડેટા (મોબાઇલ નંબરો) મેળવી તેના થકી ભારતના અલગ અલગ રાજયમાં રહેતા નાગરીકોને સૌપ્રથમ કોલસેન્ટર મારફતે કસ્ટમરને પકડાયેલ આરોપીઓ ધ્વારો ફોન કરી ૨૦૦ થી પ૦૦ ડોલર ભારતીય રૂપીયામાં આશરે ૧૫,૦૦૦/- થી ૩૫,૦૦૦/- જેટલા રૂપીયામાં ઉપરોકત બન્ને મોબાઇલ એપ્લીકેશનમાં ટ્રેડ કરવાથી ચોકકસ નફો થાય અને ઉપરોકત બન્ને મોબાઇલ એપ્લીકેશનમાં ઓટોમેટીક ટ્રેડ થાય છે અને ૧૦૦ ટકા નફો આપે છે તેની ખાત્રી આપી વિશ્વાસમાં લઇ અને નફો થાય તેમાંથી ૩૦ ટકા કમીશન આપવાનુ તેવી લાલચ આપી ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક ડીટેઇલ અલગ અલગ વોટસએપ નંબરથી મેળવી અને ઉપરોકત બન્ને મોબાઇલ એપ્લીકેશનમાં ફોરેક્ષ ટ્રેડીંગનું એકાઉન્ટ બનાવી દઇ અને એ એકાઉન્ટ એકટીવ કર્યા પછી કોલસેન્ટર મારફત ભારતના અલગ અલગ રાજયના નાગરીકને આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં પ્રથમ આશરે રૂ. ૧૫,૦૦૦/- થી રૂ. ૩૫,૦૦૦/- જેટલા રૂપીયા યુ.પી.આઇ. અથવા બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેવાતું હતું. જમા કરાવે પછી બે  ત્રણ દિવસમાં જ તેના એકાઉન્ટમાં માત્ર મોબાઇલ એપ્લીકેશનમાં સોફટવેર મારફત નફો મેન્યુપ્લેટ કરી ખોટો દેખાવ ઉભો કરાતો અને જે તે રોકાણકારને ફોન કરી તમને બે-ત્રણ દિવસમાં જ ૩૦ હજારનો નફો થયો છે. તમારે રકમ વિડ્રો કરવી હોય તો અમારા એકાઉન્ટમાં કમિશન પેટે ૩૦ ટકા રકમ (દસ હજાર) જમા કરાવો તો જ વિડ્રો થઇ શકશે તેમ કહેવાતું હતું.

એ પછી દસ ટકા કમિશન જે તે ગ્રાહક જમા કરાવી દે ત્યારબાદ તે માત્ર ૫૦ ડોલર (ભારતીય ચલણ મુજબ માત્ર રૂા. ૩૫૦૦) જ વિડ્રો કરી શકતાં. એ પછી તેને સમજાવી બીજી રકમ થોડા દિવસ પછી વિડ્રો થશે તેમ જણાવી બાદમાં તેનું એકાઉન્ટ બ્લોક કરી તેની સાથે વાત કરી હોય તે ફોન નંબર પણ બંધ કરી દઇ છેતરપીંડી કરાતી હતી.

પોલીસે ઓફિસમાંથી (૧) લેપટોપ માઉસ તથા ચાર્જર સાથે નંગ - ૦૨ કિ.રૂા.૪૦,૦૦૦/ (ર) રાઉટર નંગ - ૧ કિ.રૂ. ૧,૦૦૦/ (૩) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ- ૧૮ કિ.રૂ. ૫૦,૦૦૦/ (૪) લાઇટબીલ, સ્ક્રીપ્ટ, હાજરી રજીસ્ટર, લીડ ડેટા, કિ.રૂ. ૨૦૦૦ જે કુલ મુદામાલ રૂ. ૯૯,૦૦૦નો કબ્જે કર્યો છે.

કામગીરી કરનાર અધિકારી તથા સ્ટાફ

રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર  વી.કે.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યા તથા પો.હે.કો. સુભાષભાઇ દ્યોદ્યારી, રાજેશભાઇ બાળા, રધુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, તથા પોલીસ કોન્સ્ટબલ અશોકભાઇ ડાંગર, શકિતસિંહ ગોહિલ તથા પેરોલ ફર્લો સ્કોડના મહીલા પો.કો. મુમુકાબેન ઠાકર તથા એ.સી.પી. કચેરીમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટબલ દેવરાજભાઇ કળોતરા નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

કોવિડ ટેસ્ટ બાદ રિમાન્ડની તજવીજ

આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવાયા બાદ રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(1:28 pm IST)