Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ત્રંબામાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા ૧૦૦ ઉપરઃ ૧૦ દિવસમાં ૪ મોત

પોઝિટિવ હોવા છતાં કવોરન્ટાઇન તોડી બહાર નીકળતાં દંપતિ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૪: શહેર ઉપરાંત રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ ભરડો લઇ લીધો છે. ત્રંબામાં હાલ કોરોના પોઝિટિવ હોય તેવા લોકોની સંખ્યા ૧૦૦ ઉપર થઇ ગઇ છે. છેલ્લા દસ દિવસમાં જ ચાર લોકોનો ભોગ લેવાઇ ચુકયો છે. સંક્રમણ અટકાવવા સરપંચ નિતીનભાઇ રૈયાણીએ અગાઉથી જ અડધા દિવસનું લોકડાઉન અમલી બનાવ્યું છે. તે મુજબ સવારે ૭ થી બપોરના ૦૨ સુધી જ બજારો ખુલ્લી રાખી શકાય છે. બપોરના બેથી સંપુર્ણ લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે. આમ છતાં સંક્રમિતો વધી રહ્યા હોઇ આરોગ્ય તંત્રમાં ચિંતા જન્મી છે. ત્રંબાથી જી. એન. જાદવના કહેવા મુજબ અમુક લોકો કોરોના પોઝિટિવ હોઇ કવોરન્ટાઇનમાં રખાયા હોવા છતાં બેદરકારી દાખવી રહ્યા છે અને બિન્દાસ્ત બહાર આટો મારવા નીકળી પડે છે. પીએસઆઇ જી. એન. વાઘેલા અને ટીમે ગઇકાલે ઓચીંતું ચેકીંગ કરતાં કવોરન્ટાઇન ભંગ બદલ ત્રંબાનું દંપતિ જયેશભાઇ મોહનભાઇ બારસીયા અને ચંદ્રીકાબેન જયેશભાઇ બારસીયા ઘરને બદલે બહાર નીકળ્યાં હોઇ આઇપીસી ૨૭૧, ૧૮૮ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

(11:44 am IST)