Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઓફ ધી રેકોર્ડ : આરોગ્ય તંત્ર હવે દમ તોડી રહ્યું છે

વેકસીનેશન અને કોવિડ કંટ્રોલની બેવડી કામગીરી પરંતુ તબીબી સ્ટાફ કયાં ? : ધન્વંતરી રથ - આરોગ્ય રથ - સંજીવની રથ - ૧૦૪ની સેવાઓમાં ૪૮ કલાકનું વેઇટીંગ : આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફના અભાવે ટેસ્ટીંગ - દવા વિતરણને માઠી અસર : કોવિડ દર્દીઓને હવે વ્યકિતગત કાળજી લેવામાં તંત્ર સક્ષમ નથી : નવી હોસ્પિટલો બનાવવાની વાતો થઇ રહી છે ત્યારે કાર્યરત થશે તે કહી શકાતુ નથી : હવે લોકો સ્વયંશિસ્ત જાળવે તે જરૂરી : મ.ન.પા. અને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં પણ કોરોના વકરતો હોઇ સ્થિતિ બેકાબુ બની છે

રાજકોટ તા. ૧૪ : શહેરમાં કોરોનાના કેસ અત્યંત ઝડપથી વધતા જાય છે તેની સામે આરોગ્ય તંત્રની સુવિધા - વ્યવસ્થા હવે પડી ભાંગી છે. રાજકોટ સિવિલમાં સૌરાષ્ટ્ર - કચ્છ અને છેક અમદાવાદથી દર્દીઓ આવી રહ્યા છે પરંતુ સિવિલ કોવિડ સેન્ટરમાં હવે દર્દીઓ રાખી શકાય તેવી સ્થિતિ નથી. મ.ન.પા.નું આરોગ્ય તંત્ર પણ પાંગળુ થઇ ગયું છે.

શહેર - જિલ્લાના આરોગ્ય તંત્રની સત્ય હકીકત અંગે અત્યંત આધારભૂત સૂત્રોએ આપેલી 'ઓફ ધી રેકોર્ડ' માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પખવાડિયાથી સ્થિતિ બેકાબુ બની છે. એમ્બ્યુલન્સની લાગી રહી છે. એટલું જ નહી કોવિડ મૃતકોના મૃતદેહ તેના સગાઓને સોંપવામાં ૨૪ થી ૪૮ કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે.

કોવિડ વોર્ડમાં જેમ-તેમ જગ્યા કરીને દર્દીને દાખલ કરાય છે પરંતુ તેની સામે ઓકસીજન, વેન્ટીલેટર અને દવા - ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે.

સૌથી વધુ વિકટ સ્થિતિ એ છે કે સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સીંગ સ્ટાફ, સ્વીપર સહિતનો ૨૦ ટકાથી વધુ સ્ટાફ કોરોના સંક્રમિત હોઇ કોવિડ વોર્ડની વ્યવસ્થા જાળવવામાં અત્યંત મુશ્કેલી સર્જાઇ રહી છે.

તેવી જ રીતે મ.ન.પા.ના આરોગ્ય કેન્દ્રોનો ૩૦ થી ૪૦ ટકા સ્ટાફ ઉપરાંત ૭૦થી વધુ અધિકારીઓ - કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે અને વેકસીનેશનનું કામ પણ ચાલુ છે ત્યારે આ બધા કારણોને લીધે મ.ન.પા.માં આરોગ્ય ક્ષેત્રે સ્ટાફની ભારે અછત છે. જેના કારણે કોરોના ટેસ્ટીંગ, ધન્વંતરી - આરોગ્ય રથ - સંજીવની રથ અને ૧૦૪ એમ્બ્યુલન્સની સેવાઓમાં ૪૮ કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે.

કોરોનાના હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓની દરરોજ વ્યકિતગત કાળજી લેવી હાલની સ્થિતિમાં અત્યંત અશકય બની છે.

નવી ભરતી કરવી છે પણ કોઇ આવતુ નથી

આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવા કોવિડ માટે ખાસ ડોકટરો - નર્સીંગ સ્ટાફની ભરતી કરવાની ચાલુ છે પરંતુ કોઇ આ સ્થિતિમાં નોકરી કરવા ઇચ્છતુ ન હોઇ કોઇ આવતુ નથી.

આમ, શહેર - જિલ્લાના આરોગ્ય તંત્રની વર્તમાન સ્થિતિ અત્યંત વિકટ ભરી હોવાનું બહાર આવ્યું છે ત્યારે નાગરિકો જ સ્વયંશિસ્ત રાખી તંદુરસ્તી જાળવે તે જરૂરી છે.

(3:47 pm IST)