Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ખૂનના ગુનામાં બે વર્ષથી ભાગતો ફરતો અલ્તાફ ઉર્ફ છ આંગળીને ક્રાઇમ બ્રાંચે દબોચ્યોઃ ૨૬ ગુનામાં સામેલ

અમદાવાદ, ગોવા, કોલકત્તા, બેંગ્લોર, ગંગટોક, દમણમાં ફરતો રહ્યોઃ જ્યાં રોકાય ત્યાં 'મુન્નાભાઇ' તરીકે ઓળખ આપતો : ૫-૪-૧૯ના રાતે થોરાળામાં ઇંડાની લારીએ નાસ્તો કરવા બાબતે લારીવાળા ઇમરાન ઉર્ફ ઇમુ સાથે અલ્તાફના ભાઇ મોજમને માથાકુટ થતાં બંને ભાઇઓએ મળી ઇમુને પતાવી દીધો'તોઃ અગાઉ છ વખત પાસાની હવા પણ ખાઇ ચુકયો છેઃ ચોટીલા હાઇવે પરથી પકડાયો : અગાઉ ક્રાઇમ બ્રાંચની ટીમો બાતમી પરથી ગોવા, કોલકત્તા, દમણ, મુંબઇ સુધી તપાસમાં ગઇ હતીઃ પણ સફળતા મળી નહોતી : ઓળખ છુપાવવા પોતે હમેંશા કાનમાં કડી પહેરતો તે કાઢી નાંખેલીઃ માથાની ટાલ છુપાવવા વીગ પહેરતો હતોઃ દાઢીના શેઇપ પણ બદલતો રહેતો

રાજકોટ તા. ૧૪: હત્યાના ગુનામાં બે વર્ષથી અને અગાઉ પાંચ-દસ નહિ પણ અલગ અલગ ૨૬ ગુનાઓમાં સામેલ નામચીન અલ્તાફ ઉર્ફ છ આંગળી હનીફભાઇ થઇમ (ઉ.વ.૪૨-રહે. નવા થોરાળા, વિજયનગર-૨ તથા અનમોલ પાર્ક આજીડેમ ચોકડી)ને રાજકોટ ચોટીલા હાઇવે પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો છે. ૫-૦૪-૨૦૧૯ના રોજ રાતે સાડા બારેક વાગ્યે થોરાળા મેઇન રોડ પર જાહેર શોૈચાયલ પાસે ઇંડાની લારીએ નાસ્તો કરવા બાબતે ઇમરાન ઉર્ફ ઇમુ જુસબભાઇ તાયાણી (ઉ.૩૨)નું ખૂન થયું હતું. જેમાં અલ્તાફ સાથે તેનો ભાઇ મોજમ હનીફભાઇ થઇમ પણ આરોપી હતી. હત્યા પછી અલ્તાફ ભાગી ગયો હતો અને આજ સુધી ફરાર હતો.

સતત ફરાર અલ્તાફ ઉર્ફ છ આંગળીને પકડી લેવા ક્રાઇમ બ્રાંચની ટીમો અગાઉ બાતમીઓને આધારે ગોવા, કોલકત્તા, દમણ અને મુંબઇ સુધી તપાસમાં જઇ આવી હતી. પરંતુ દરેક વખતે થોડુ છેટુ પડી જતું હતું. આજે અલ્તાફ કાળા રંગની વર્ના કાર જીજે૦૧કેયુ-૫૮૦૮માં બેસી રાજકોટ-ચોટીલા હાઇવે પર આવી રહ્યો છે તેવી બાતમી પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમના દેવાભાઇ ધરજીયા, ક્રિપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ભરવાડ અને પ્રતાપસિંહ મોયાને મળતાં વોચ ગોઠવી પકડી લેવાયો હતો. પોલીસે તેની પાસેથી રૂ. પાંચ્ લાખની કાર અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.

અલ્તાફ હત્યા કરીને ભાગ્યા બાદ પહેલા અમદાવાદ ગયો હતો. ત્યાં જઇ પોતે હમેંશા કાનમાં કડી પહેરતો હતો તે કાઢી નાંખી હતી જેથી કરીને ઝડપથી ઓળખાય ન જાય. એ પછી તેણે માથાની ટાલ છુપાવવા વીગ પહેરી લીધી હતી. બાદમાં અમદાવાદથી ગોવા, કોલકત્તા, હૈદરાબાદ, બેંગ્લોર, ગંગટોક સહિતના સ્થળોએ ફરતો રહેતો હતો. જયાં જાય ત્યાં પોતાનું નામ મુન્નાભાઇ તરીકે જણાવતો હતો. ઓળખના પુરાવા આપવાની જરૂર થાય તો ઓરીજીનલ નામવાળા ડોકયુમેન્ટ આપી દેતો હતો અને મુન્નાભાઇ ઉર્ફ નામે હોવાનું કહી દેતો હતો.

અલ્તાફને પકડવા અગાઉ પણ ક્રાઇમ બ્રાંચની ટીમો અલગ અલગ રાજ્યોમાં ગઇ હતી. પરંતુ તે ભાગી છુટતો હતો. આ વખતે તેને ઝડપી લેવાયો છે. અલ્તાફને જમણા હાથમાં બે અંગુઠા હોવાથી તેનું નામ અલ્તાફ ઉર્ફ છ આંગળી પડ્યું હતું. તે ભાગતો ફર્યો એ સમયમાં અવાર-નવાર પોતાની દાઢીનો શેઇપ પણ ફેરવતો રહેતો હતો. જેથી કરીને કોઇ ઝડપથી ઓળની શકે નહિ. તે પોતાનો લૂક સતત બદલતો રહેતો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએઅસાઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ.  વિક્રમભાઇ ગમારા, અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશ મારૂ, સુભાષભાઇ ભરવાડ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા સહિતે આ કામગીરી કરી હતી.

  • હત્યા સહિત ૨૬ ગુનામાં સંડોવણી

. અલ્તાફ ઉર્ફ છ આંગળી અગાઉ ૨૬ ગુનામાંં સંડોવાઇ ચુકયાનું પોલીસે જણાવ્યું હતું. તેના વિરૂધ્ધ એ-ડિવીઝન, બી-ડિવીઝન, થોરાળા, પ્ર.નગર, જામનગરના ધ્રોલ, વાંકાનેર, ડીસીબીમાં દારૂ, મારામારી, ધમકી, ચોરી અને હત્યા સહિતના ૨૬ ગુના નોંધાઇ ચુકયા છે. આ ઉપરાંત તે છ વખત પાસાની હવા પણ ખાઇ ચુકયો છે.  જે ગુના છે તેમાં સોૈથી વધુ ગુના દારૂના છે.

(3:49 pm IST)