Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સતત બીજા વર્ષે પણ 'ઇદ' મહામારીમાં 'કેદ' : સાદગીભેર સંપન્ન

રાજકોટ સહિતના શહેરો - ગામોમાં 'ઇદગાહો' ખુલી જ નહીં : ઇદની વિશેષ નમાઝ સંપન્ન : મોટી માત્રામાં લોકોએ ઘરમાં જ ઇબાદત કરી : ઘણા વર્ષ બાદ 'શુક્રવાર'ના દિવસે 'ઇદ' આવતા 'બબ્બે ખુત્બા'ના સંયોગથી આધ્યાત્મિક ઉત્સાહ બેવડાયો : અશ્રુભેર દુઆઓ કરાઇ

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી છે.

છેલ્લા એક મહીનાથી ચાલી રહેલ રોઝા ગઇકાલે ગુરૂવારે સાંજે પૂરા થતા આજે પરંપરાગત ઇદનો દીવસ હતો પરંતુ કોરોના કાળની મહામારી વચ્ચે સર્વત્ર ગામેગામ ઇદુલફિત્ર સાદગીભેર સંપન્ન થવા પામી હતી.

સ્વૈચ્છીક બંધ, રાત્રિ કર્ફયુ, મીની લોકડાઉન, પ્રતિબંધાત્મક હૂકમો અને મોતના પોકાર વચ્ચેની અત્યંત દારૂણ સ્થિતિ વચ્ચે મુસ્લિમ સમાજે ગત આખો  રમઝાન માસ  વિતાવેલ છે. પરંતુ રોજીંદી પ્રવૃતિઓ ઉપર તેની સંપૂર્ણ અસર રહેતા તમામ રોઝા કાળઝાળ ગરમીમાં - મહામારી વચ્ચે પસાર થયા છે.

એ જ રીતે આજે સવારે મુસ્લિમોએ રોઝા માસ પૂર્ણ કર્યા એ બદલ વધારાની નમાઝ પઢીને ખુદાનો આભાર માન્યો હતો.

જયારે ગત વખતે સમગ્ર દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન હતું અને તેમાં ૩૦ રોઝા થયા હતા જે પરંપરા આ મહામારીમાં ચાલુ  રહી હોય તેમ આ વર્ષે પણ ૩૦ રોઝા પૂરા થયા છે એ સાથે આજે ઇદનો દિવસ 'શુક્રવાર'ના દિને જ આવતા અને શુક્રવાર મુસ્લિમ સમાજમાં 'સાપ્તાહિક ઇદ' તરીકે ઉજવાતો હોય આજના અવસરનો આધ્યાત્મિક ઉત્સાહ બેવડાઇ ગયો હતો પરંતુ મહામારીના સંકટ વચ્ચે ઉત્સાહની જગ્યાએ સાદગી ફેલાઇ જવા પામી હતી.

જે જે શહેરોમાં આંશિક બંધની સ્થિતિ પ્રવર્તે છે અથવા પ્રતિબંધાત્મક હૂકમો લાગેલા નથી અથવા તો ગ્રામ્ય પંથક જેવા વિસ્તારોમાં કયાંક કયાંક ઇદની વિશેષ નમાઝ પઢાઇ હતી. જો કે જે તે મોટા ગામો કે શહેરોમાં પણ કયાંક કયાંક નમાઝ સંપન્ન થઇ હતી આમ મુસ્લિમ સમાજે વિશેષ નમાઝ પઢી હતી.

આખો રમઝાન માસ કોરોના કાળમાં વિત્યો છે ત્યારે આજે મુસ્લિમ સમાજે સવારે વિશેષ નમાઝ પઢી દેશભરમાં સુખ-સમૃધ્ધિ અને શાંતિ - ભાઇચારાની  ભરપુર દુઆઓ કરી હતી અને ખાસ કરીને કોરોના મુકિત માટે સતત એક આખો રમઝાન માસની ૩૦ રાત્રિ ઉપરાંત આજે ઇદના દિવસે પણ વિશેષ દુઆ કરવામાં આવી હતી.

જો કે, ગત ર૦ર૦ના વર્ષમાં થયેલા લોકડાઉનની સ્થિતિ પછી સતત કોરોના કાળ ચાલી રહેલ હોય અને છેલ્લા બે માસથી ફરી મહામારીની સ્થિતિ વિકટ બની જતા રોજીંદી પ્રવૃતિઓ સદંતર ઠપ્પ હોઇ અને લોકો દ્વારા સતત સાવચેતીના રૂપે પગલાં લેવાઇ રહ્યા હોઇ તેના લીધે પણ 'ઇદ'ને 'સાદાઇ' થી જ મનાવવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાત્રિ કર્ફયુ અને મીની લોકડાઉન ચાલી રહેલ હોઇ રાજકોટ સહિત આવા શહેરોમાં ઇદગાહો આજે સવારે ખુલ્લી જ ન હતી. જયારે અન્ય ગામોમાં ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી.

બીજી તરફ બંધની સ્થિતિ વચ્ચે બજારો - ધંધા-રોજગાર ઠપ્પ હોઇ ઇદ આસપાસની ખરીદી નહિવત થઇ ગઇ હતી જેના લીધે પણ ઇદની ઉજવણી સાદગીભેર સમેટાઇ છે.

આ ઉપરાંત દો ગજ કી દૂરી, બંધની સ્થિતિ અને મૃત્યુના શોકના વચ્ચે સતત સામાજીક અંતર રખાતું હોય વધુ પ્રમાણમાં મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં જ ઇદ પ્રસંગે વિશેષ નમાઝ પઢી દુઆઓ ગુજારી હતી.  જો કે દર વખતે વિશ્વભરમાં ઇદનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવાતો હોય છે તેમાં પ્રથમવાર જ ભારત દેશમાં ગયા વર્ષે લોકડાઉનના લીધે  કયાંય  પણ ઇદની ઉજવણી થઇ જ ન હતી અને એક ઐતિહાસીક ઘટના સર્જાવા પામી હતી.

પરંતુ આ વખતે ઇદનો દીવસ બરાબર શુક્રવારના દીવસે આવ્યો છે અને ઘણાં વર્ષ પછી રમઝન ઇદ શુક્રવારે સંપન્ન થઇ છે અને શુક્રવારના દીને ઇદ ઉજવણીનો જબરો ધમધમાટ પ્રવર્તતો હોય છે પરંતુ ચોતરફ સાદગીભેર ઉજવણી જોવા મળી હતી.

બીજી તરફ આજે સવારે વિશેષ નમાઝ સંપન્ન થવા ઉપરાંત શુક્રવારની નમાઝના લીધે સવારે અને બપોરે 'ખુત્બા' (પ્રાસંગિક પઠન) નું પઠન થતા ઘણાં વર્ષો બાદ 'બબ્બે ખુત્બા'નો સંયોગ થયેલ જેથી  શુક્રવારના લીધે ઇદના દિવસનો આધ્યાત્મિક ઉત્સાહ બેવડાઇ જવા પામ્યો છે.

જો કે ઇસ્લામી પંચાગની પરંપરા મુજબ જે તે ઇસ્લામી મહીનાના ર૯મા દિવસે આકાશમાં ચંદ્રદર્શન થતું હોય છે પરંતુ બુધવારે ર૯મા રોઝાના દિવસે ભારતના અનેક વિસ્તારમાં વાદળા છવાઇ ગયા હતા તો અનેક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહ્યું હતું. પરંતુ કયાંય ચંદ્રદર્શન નહીં થતા અંતે ૩૦ રોઝા ગુરૂવારે પૂરા થયેલ અને ગઇકાલે સાંજે ચંદ્રદર્શન થતા આજે ઇદ સંપન્ન થવા  પામી હતી.

આ ઉપરાંત દર વખતે ઇદના પ્રસંગે સવારથી જ જબરો ઉત્સાહ પ્રવર્તતો જોવા મળતો હોય છે અને વિશેષ નમાઝ માટે લોકો ઉમટી પડતા ચહલ-પહલ જોવા મળતી હોય છે પરંતુ અનેક લોકો સામાજીક અંતર જરૂરી હોય ઘરમાં જ રહ્યા હતા અને ઇદનો ઉત્સાહ સિમિત બની ગયો હતો. બીજી તરફ તાજેતરમાં અનેક પરિવારોએ કોરોના કાળમાં પોતાના સ્વજનો ગૂમાવી દીધા છે જે વિધિઓ અને શોકમય માહોલ ના લીધે અનેક પરિવારોએ આજે ઇદ ઘરમાં જ મનાવી હતી.

બીજી તરફ આજે ઇદના દિવસે બરાબર શુક્રવારનો દીવસ આવેલ હોય આખો દિવસ બમણો ઉત્સાહ હમેંશ મુજબ ફેલાતો હોય છે પણ એ ઉજવણી પણ સિમિત બની ગઇ હોય તેમ વાસ્તવમાં સતત બીજા વર્ષે 'ઇદ' મહામારીમાં 'કેદ' થઇ જવા પામી હતી.

જો કે રાબેતા મુજબ મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં રાબેતા મુજબ હાજર થયા હતા અને પોતાના સ્વજનો માટે શ્રાધ્ધ તર્પણ અર્પણ કર્યા હતાં. જેમાં પણ તાજેતરમાં કોરોના કાળમાં પોતાના સ્વજનો ગુમાવ્યા હોઇ તેઓની યાદ તાજી થઇ જતા અશ્રુઓ સરી પડયા હતા.

  • ધોરાજીમાં સાદગીપૂર્વક ઇદ ઉલ ફિત્રની ઉજવણી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : મુસ્લિમોના પવિત્ર માસ રમજાનના ૩૦ રોજા પૂર્ણ થયા છે. સતત એક માસ સુધી મુસ્લિમ બિરાદરો એ ૧૪ કલાક જેટલો સમય ધોમ ધખતા તાપમાં અન્ન જળનો ત્યાગ કરી અને રોજા રાખી અલ્લાહ પાકની બંદગી કરી હતી યથાશકિત પ્રમાણે ગરીબોને મદદ કરી અને પુણ્યનું ભાથું પણ બાંધ્યું હતું અને ગુરૂવારે ચંદ્ર દર્શન થતાં મુસ્લિમોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજાને મુબારક બાદ પાઠવેલ હતી.

 ઈદ ઉલ ફિત્રની મુસ્લિમોએ સાદગીપૂર્વક ઉજવણી કરી હતી અને ખાસ કરીને કોરોના નાબૂદી માટે દુઆ કરેલ હતી અને સાદગી પૂર્વક મુસ્લિમ સમાજ એ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. આ તકે ધોરાજી ઓલ ઇન્ડિયામાં મોટી જમાતના પ્રમુખ હાજી અફરોજ લકડકુટટા, ધોરાજી નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ મકબુલભાઈ ગરાણા, સૌરાષ્ટ્ર કચ્છ મતવા માલધારી સમાજના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, લઘુમતી ભાજપના પ્રદેશના આગેવાન હમીદભાઈ ગોડીલ, બોદુભાઈ ચૌહાણ, પૂર્વ નગરપતિ કાસમભાઈ કુરેશી, પાલિકા ઉપપ્રમુખ ઈમ્તિયાઝ પોઠીયાવાળા, બાસિતભાઈ પાનવાળા, અનવરશાહબાપુ રફાઈ, મુસ્લિમ સમાજના આગેવાન રિયાજભાઈ દાદાણી, તેલી હોસ્પિટલના આઝમભાઈ તુંબી વગેરેએ લોકોને મુબારક બાદ પાઠવી હતી.

  • સૌરાષ્ટ્રમાં સાદાઇથી ઉજવણી

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરો તથા નાના ગામોમાં આજે રમજાન ઇદની સાદગીથી ઉજવણી થઇ છે. કોરોના મહામારીની ઘાતકતાને કારણે હાલ સંક્રમણ ભયાનક સ્તરે પહોંચી ગયું છે અને સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નથી કે જ્યાં આગળ કોરોનાનો પંજો ફરી વળ્યો ન હોય ત્યારે સરકાર દ્વારા આકરા પ્રતિબંધો મુકી તમામ પ્રકારની ઉજવણીઓ પર રોક લગાવી દીધી છે ત્યારે દર વર્ષે પવિત્ર રમજાન માસ પૂર્ણ થયા બાદ ઇદની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવતી હોય છે અને સામુહિક નમાઝ સહિતના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે પણ આ વખતે કોરોનાને કારણે મુસ્લિમ બિરાદરો દ્વારા ઘરે રહીને સાદગીથી ઉજવણી કરવા માટે જે તે શહેર કે ગામમાં ત્યાંના જવાબદારો દ્વારા પૂર્વ જાહેરાત કરી દેવાઇ હતી. એ જ રીતે ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા અપીલ કરાતા ઇદની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને નાના ગામોમાં પણ રમજાન ઇદની સાદગીથી ઉજવણી થઇ હતી.(૨૧.૩)

  • કોરોનાને પગલે ઇદ પૂર્વે બજારોમાં ખરીદી માટે ફિક્કો માહોલ રહ્યો

અમદાવાદ : કોરોના મહામારીને પગલે ઘરમાં પરિવાર સાથે જ ઇદનું પર્વ ઉજવવા માટે અપીલ કરવામાં આવી. આ ઉપરાંત ઇદના તહેવાર નિમિત્તે મસ્જિદ, મહોલ્લા કે બજારોમાં ભીડ એકત્ર થાય નહીં તેની તકેદારી રાખવા પણ સુચના આપવામાં છે ત્યારે સામાન્ય રીતે રમઝાન ઇદના થોડા દિવસ અગાઉ જ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ ઉમટી પડતી હોય છે. પરંતુ કોરોના મહામારી તેમજ આંશિક લોકડાઉનને પગલે આ વખતે રમઝાન ઇદ પૂર્વે બજારોમાં પણ ફિક્કો માહોલ રહ્યો હતો અને ઇદની ખરીદી આમ જોઇએ તો બજારો બંધના લીધે સંપૂર્ણ નહિવત રહી હતી જેની વ્યાપાર ઉપર ઘણી માઠી અસર થવા પામી છે.

સતત બીજા વર્ષે મુસ્લિમ બિરાદરો ઘરમાં જ નમાઝ અદા કરીને ઇદ ઉજવાય હોઇ કોરોનાને કારણે રૂબરૂ મળીને કે ભેટીને ઇદ મુબારક શકય નહી હોવાથી મુસ્લિમ ભાઇઓ-બહેનો ફોનથી એકમેકને ઇદ મુબારક પાઠવવા સંદેશા વહેતા કરી દીધા હતા.

  • મહામારીમાં પણ ૩૦ રોઝા જ થશે અને છેલ્લા રોઝા આકરા તાપમાં પસાર થશેના ઉલ્લેખ સહિતનો ૩૯ દિ' પહેલાંનો 'અકિલા'નો અહેવાલ સંપૂર્ણ સત્ય ઠર્યો

ગઇકાલે ગુરૂવારે સાંજે આકાશમાં ચંદ્રદર્શન થતા આજે ઇદુલ-ફિત્રની ઉજવણી થઇ રહી છે. આ અંગેનો સચોટ અહેવાલ રમઝાન માસ ગત તા. ૧૪-૪-ર૦ર૧ થી શરૂ થયેલ. તેના ૧૦ દિવસ પહેલાં ગત તા. પ-૪-ર૦ર૧ ના રોજ 'અકિલા' દૈનિકમાં અહેવાલ પ્રસિધ્ધ થયેલ જે પરંપરાગત અક્ષરસઃ સંપૂર્ણ સત્ય ઠર્યો છે. જેમાં પણ ગત ર૦ર૦ ના વર્ષમાં લોકડાઉનની જેમ આ વખતે મહામારીમાં ૩૦ રોઝા જ થશે જે ૮ કોલમ હેડીંગમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલ જે દોઢ મહીના પૂર્વનો 'ફાઇખ' દ્વારા લિખિત પ્રસિધ્ધ અહેવાલ સત્ય ઠરેલ જેની પ્રતિકૃતિ અહીં રજૂ છે. એટલું જ નહીં રમઝાનના પ્રથમ ૧પ રોઝા નીચા ઉષ્ણતામાનમાં અને પછીના ૧પ રોઝા ભારે તાપમાં પસાર થશે એ બાબત પણ અહેવાલમાં પ્રસિધ્ધ થયેલ જે સચોટ પૂરવાર થઇ છે.

(11:02 am IST)