Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

કુવાડવા રોડ મેંગો માર્કેટમાં આગઃ ફ્રુટ ભરવાના ૫૦૦ જેટલા કેરેટ-લાકડાના બોકસ બળી ગયા

તણખાથી આગ લાગ્યાનું તારણઃ એકાદ લાખના નુકસાનનો પ્રમુખ પિન્ટૂભાઇ પટેલનો અંદાજ

રાજકોટઃ કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલી મેંગો માર્કેટમાં સવારે આગ ભભૂકતાં ફ્રુટ ભરવા માટેના પ્લાસ્ટીકના કેરેટનો મોટો જથ્થો બળી ગયો હતો. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમના સુનિલભાઇ જયેશભાઇ, જયદિપસિંહ સહિતનો સ્ટાફ બંબા સાથે પહોંચ્યો હતો અને આગ બુઝાવી હતી. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ આગ પ્લાસ્ટીકના કેરેટ તથા લાકડાની પેટીઓના જથ્થામાં લાગી હતી. આગથી કોઇ જાનહાની થઇ નથી. મેંગો માર્કેટના પ્રમુખ પિન્ટૂભાઇ પટેલના જણાવ્યા મુજબ કદાચ કોઇ તણખો આવતાં તેના કારણે આગ લાગી હોઇ શકે. આશરે ૫૦૦ જેટલા પ્લાસ્ટીકના કેરેટ, લાકડાના બોકસ બળી ગયા હતાં. કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગથી અંદાજે એકાદ લાખનું નુકસાન થયું છે. (ફોટોઃ સંદિપ બથગરીયા)
 

(1:04 pm IST)