Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વિદેશમાં વસતા પાટીદારો વતનની મદદે : કોરોના સામે ઝઝુમવા પ કરોડની સહાય

રાજકોટ : હાલ કોરોના મહામારીનો આખો દેશ સામનો કરી રહ્યો છે. બીજી લહેર અતિ ગંભીર પૂરવાર થઇ હોય તેમ ગુજરાતમાં પણ ઓકસીજન, વેન્ટીલેટર, મેડીકલ ઉપકરણોની તાતી જરૂરીયાત ઉભી થયેલ. આવા સમયે કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરીકા દ્વારા વતન પ્રત્યેનું ઋણ અદા કરવા રૂ. પ કરોડની મદદ કરવામાં આવી છે. પરિસ્થિતિનો તાગ મળતા જ અમેરીકા અને કેનેડામાંથી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરીકાના આગેવાનો અને કમીટી મેમ્બરોએ ત્વરીત ધોરણે મીટીંગ બોલાવી વતનને સહાય કરવા કામગીરી હાથ પર લીધી હતી. રૂ.પ કરોડનું ભંડોળ એકત્ર કરેલ. ૧૦૦ ઓકસીજન કોન્સનટ્રેટર્સ અમેરીકાથી રવાના કરાયા. હજુ ૩૦૦ ઓકસીજન કોન્સનટ્રેટર્સ પહોંચતા કરવાની વ્યવસ્થા ચાલી રહી છે. કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર ઉમીયા માતાજી મંદિર ટ્રસ્ટ સીદસરના નેજા હેઠળ વિજાપુરા વિદ્યાસંકુલમાં ૧૦૦ બેડની સુવિધાવાળુ કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ અને સારવાર શરૂ કરાઇ. ઉપરાંત કેશોદ, ધ્રોલ, જુનાગઢ, ઉપલેટા, ભાયાવદર, મોટીમારડ, માણાવદર, લાલપુર, સુરેન્દ્રનગર, હળવદ, અમરેલી સહીત ૨૦ જેટલા કોવિડ કેર સેન્ટરો તથા પીએચસી, સીએચસી સેન્ટરોને વોલ્ટેજ કન્વર્ટર્સ, ઓકસીમીટર્સ, પીપીઇ કીટ સહીતની મેડીકલ સામગ્રી પહોંચાડવામાં આવી હતી. ઉમીયા ટ્રસ્ટ સીદસરને એક મોટી એમ્બ્યુલન્સ તેમજ એક એમ્બ્યુલન્સ રાજકોટના ક્રાન્તી માનવ સેવા ટ્રસ્ટને અર્પણ કરવામાં આવેલ. ૧૦ હજાર જેટલી કોરોના રેપીડ ટેસ્ટ કીટ, ૧ હજાર ભોજન કીટ અને કેટલીક સંસ્થાઓને ભોજન ખર્ચ પેટે રોકડ સહાય પહોંચતી કરવામાં આવેલ. આમ વતનનો સાદ સાંભળી વિદેશમાં વસતા પાટીદારોએ 'યુનિટી ઇઝ અવર સ્ટ્રેન્થ' સુત્ર સાર્થક કરી બતાવ્યુ હતુ.

(2:58 pm IST)