Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

હુડકો ચોકડી રામનગરમાં નયનાબેન પરમારને મકાન ખાલી કરવા નિર્મળસિંહની ધમકી

દિકરીના લગ્ન વખતે બે લાખ ઉછીના લીધા હોઇ નયનાબેને પોતાના મકાનનું લખાણ કરી આપ્યું હતું: એ પછી પોતાના જ આ મકાનમાં પોતે ભાડે રહે છે

રાજકોટ તા. ૧૪:  હુડકો ચોકડી પાસે રામનગર-૨ મહાકાળી નિવાસમાં રહેતાં અને રસોડા કામની મજૂરી કરતાં નયનાબેન રમેશભાઇ પરમાર (ઉ.વ.૪૯)ને કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં નિર્મળસિંહ પ્રવિણસિંહ ઝાલાએ મકાન ખાલી કરી દેવાનું કહી ગાળો દઇ ધમકી આપતાં ફરિયાદ થઇ છે. 

નયનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પંદર વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા છે અને હાલમાં હું એકલી રહુ છું. અઠવાડીયા પહેલા હું ઘરે હતી ત્યારે નિર્મળસિંહ ઝાલાએ આવી ગાળો દઇ બોલાચાલી કરી મકાન ખાલી કરી ભાગી જવાની ધમકી આપી હતી. બે વર્ષ પહેલા મારી દિકરીના લગ્ન વખતે મારે પૈસાની જરૂર હોઇ જેથી મારી બહેનપણી લીલીબેન મારફત નિર્મળસિંહ પાસેથી રૂ. બે લાખ લીધા હતાં. તે વખતે તેણે આ પૈસાની સુરક્ષાના બદલામાં મારી પાસેથી મારા મકાનનો વેંચાણ કરાર અને ચુકતે અવેજની પહોંચનું નોટરી રૂબરૂ લખાણ કરાવ્યું હતું. મારા મકાનની કિમત આશરે પાંચ લાખ જેવી એ વખતે થતી હતી.

મારી પાસે રહેવા માટે આ મકાન સિવાય બીજો કોઇ આશરો ન હોઇ મેં આ મકાન નિર્મળસિંહ પાસેથી ભાડે રાખ્યું હતું. ૧૧ માસનો ભાડા કરાર તેણે કરી આપ્યો હતો. કામ ન હોવાને કારણે હું નિર્મળસિંહને ભાડાના પૈસા આપી શકી નથી. ઘણા સમયના પૈસા ચુકવવાના બાકી છે. આથી નિર્મળસિંહે આવીને કહેલુ કે તમે ભાડુ આપ્યું નથી, મકાન પાછુ જોઇતુ હોય તો મારા પૈસા આપી દો. મેં તેમને હાલમાં સગવડ નથી થશે ત્યારે આપીશ તેમ કહેતાં તેણે ગાળો દઇ મારી નાંખવાની ધમકી દીધી હતી. ત્રણ મહિના પહેલા પણ આવી ધમકી આપી હતી.

તેમ ફરિયાદમાં વધુમાં નયનાબેને જણાવતાં એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:06 pm IST)