Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે બેડ વધ્યાઃ કેન્સર કોવિડ ખાલી કરી ત્યાં પણ સુવિધા

સિવિલમાં સતત ઓપરેશન ચાલુ રાખવા પડે તેવી હાલતઃ મ્યુકરમાઇકોસિસથી મોત ઓછાઃ આંખ ગુમાવવી પડે, દર્દી પેરેલાઇઝડ થઇ જાય તેવી પણ શકયતાઃ સિવિલમાં રોજના ૮ થી ૧૦ ઓપરેશનઃ અઢી કરોડના ઇન્જેકશનની વ્યવસ્થાઃ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી : સિવિલમાં આજે ૨૨૫ દર્દીઓ સારવારમાં: આગામી દિવસોમાં સંખ્યા સતત વધવાની શકયતા : વધુ પડતો ઓકિસજન લેવાથી મ્યુકરમાયકોસિસ થાય તેવી શંકા ખોટીઃ ડાયાબિટીસ હોય તેવા દર્દીઓમાં સ્ટીરોઇડનો વધુ ઉપયોગ થતાં તેને ફંગસ થવાની શકયતા વધુઃ એઇમ્સના ડો. રણદીપ ગુલેરિયાઃ તેમણે લાઇકોસોમલ નામની દવાના ઉપયોગ પર ભાર મુકયો : ડો. ત્રિવેદીએ કહ્યું-પહેલા માત્ર કોરોના થયા પછી ફંગસ થતું, હવે તો કોરોના ચાલુ હોય તો પણ ઇન્ફેકશન થઇ જાય છેઃ એક ઓપરેશન થિએટર આવા દર્દીઓ માટે અલગ રખાયું છે

રાજકોટ તા. ૧૪: ભારતભરમાં ફંગલ ઇન્ફેકશન મ્યુકર માઇકોસિસના સોૈથી વધુ કેસ હાલ રાજકોટમાં જોવા મળ્યા છે અને સોૈથી વધુ દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લઇ રહ્યા છે. આજના દિવસે મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા ૨૨૫ છે. આવા દર્દીઓ સતત વધશે એવું તારણ હોઇ વધુ ૨૦૦ બેડની સંખ્યા વધારીને ૫૦૦ સુધી કરવાની તૈયારી થઇ ચુકી છે. આ માટે કેન્સર કોવિડ હોસ્પિટલ કે જ્યાં અત્યાર સુધી કોવિડ દર્દીઓને દાખલ કરવામાં આવતાં તેમને સમરસમાં શિફટ કરી ત્યાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે વધારાના બેડ ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું. આ દર્દની સારવાર ખુબ મોંઘી છે અને લાંબી પણ છે. અનેક દર્દીઓ પર શસ્ત્રક્રિયાની જરૂર રહે છે. આ માટે સતત આખુ અઠવાડીયું સર્જરી ચાલુ રાખવી પડે તેવી હાલત છે. સિવિલ હોસ્પિટલ તંત્ર આ માટે તૈયાર હોવાનું જણાવાયું છે.

આજના દિવસે સિવિલ હોસ્પિટલમાં ૨૨૫ દદર્દીઓ સારવાર હેઠળ છે. હજુ દરરોજ આવા દર્દીઓની સંખ્યા વધવાની શકયતા છે આ કારણે સિવિલમાં ૨૦૦ બેડ હતાં તે વધારીને ઓપીડી, નવી બિલ્ડીંગમાં આ દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા ઉભી કરવાની તજવીજ થઇ ચુકી છે. ડો. ત્રિવેદીના જણાવ્યા મુજબ કેન્સર હોસ્પિટલમાં કોવિડના જે દર્દીઓ હતાં ત્યાંથી તેમને સમરસમાં શિફટ કરી હવે કેન્સર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓને દાખલ કરવામાં આવશે. મ્યુકરમાઇકોસીસના જે દર્દીઓ પીડીયુ સિવિલમાં દાખલ છે તેમાંથી હાલમાં દરરોજ ૮થી ૧૦ ના ઓપરેશન કરવામાં આવીર હ્યા છે. આ માટે ઇએનટી વિભાગના બે ઓપરેશન થિયેટર કાર્યરત છે. તબિબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે જણાવ્યું કે જે બે ઓપરેશન થિએટર ચાલુ છે તેમાં એક એવા દર્દીઓ માટે છે જે કોવિડ નેગેટિવ હોય અને બીજુ એવા દર્દીઓ માટે છે જે કોવિડ પોઝિટિવ હોય. આ ઉપરાંત વધુ બે ઓપરેશન થિએટર ઓપડીમાં બીજા માળે માત્ર મ્યુકરમાઇકોસિસના દર્દીઓના ઓપરેશન માટે ફાળવી દેવામાં આવ્યા છે.

તેમણે આગળ કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં રાજ્યના અન્ય વિસ્તારો કરતાં મ્યુકરમાઇકોસીસના કેસ વધુ સંખ્યામાં દેખાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવા કેસ હવેના દિવસોમાં વધુ બહાર આવે તેવી પુરી પણ પુરેપુરી શકયતા છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક હોવાથી તેમજ જીએમએસસીએલ ફાળવણી પણ થઇ ચુકી હોઇ જીલ્લા કલેકટર તંત્રની મંજુરીથી રૂ. અઢી કરોડના ઇન્જેકશનની વ્યવસ્થા કરી રાખવામાં આવી હતી.  મ્યુકરમાઇકોસીસના ઓપરેશન પણ અહી વહેલા શરૂ થઇ ગયા છે. આ કારણે સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ-વડોદરા સહિતના શહેરોમાંથી પણ આવા  દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા હોઇ જેથી સંખ્યા વધી છે.

નોંધનીય છે કે પ્રત્યેક દર્દીને રૂ. ૭ હજારનું એક એવા લાયપોસોમલ ઇન્જેકશન દરરોજ છ થી સાત આપવા પડે છે. અત્યાર સુધીમાં રાજકોટ સિવિલમાં મ્યુકરમાઇકોસીસના  જે દર્દીઓ આવ્યા તેમાથી મોટા ભાગનાને આ ફંગલ ઇન્ફેકશન થવાનું કારણ સ્ટીરોઇડનો વધુ ઉપયોગ જણાયો હતો. પરંતુ કોરોનાની સારવારમાં ઘણી વાર સ્ટીરોઇડનો કોઇ વિકલ્પ નથી હોતો. એ સિવાય એ પણ ધ્યાનાકર્ષક બન્યુ છે કે ૯૦ ટકા દર્દીઓ કોરોના થયા પહેલાથી જ ડાયાબિટીક હોય છે. આ રોગમાં મૃત્યુનું પ્રમાણ ઓછુ છે, તે રાહતરૂપ ગણાય છે. અત્યાર સુધીમાં માત્ર બે ત્રણ દર્દીના જ મોત થયા છે. પરંતુ, ત્રણ દર્દીએ એક આંખ ગુમાવવી પડી છે. કેટલાક પેરેલાઇઝડ થઇ ગયા છે તો અમુક કોમામાં પણ સરી પડયા છે!

તબિબી અધિક્ષક ડો. ત્રિવેદીએ કહ્યું હતું કે મ્યુકરમાઇકોસિસ થવાના બે મુખ્ય કારણો લોકોમાં પ્રચલિત થયા છે એ ખોટા છે. ઓકિસજનનો વધુ ફલો આપવાથી ફંગસ થઇ જાય એ વાત અભ્યાસમાં સાચી ઠરી નથી. વેન્ટીલેટર પાઇપ લાંબો સમય રાખવાથી અને તેની સફાઇ ડિસ્ટીલ્ડ વોટરને બદલે સાદા પાણીથી કરવામાં આવે તો ફૂગ થાય છે...આ વાત પણ સાચી નથી. કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં તબિબોએ બે ફરક નોંધ્યા છે. પહેલી લહેરમાં મોટા ભાગના દર્દીઓ કોરોના નેગેટિવ થઇ જાય પછી તેમનામાં મ્યુકરમાઇકોસિસ થયો હતો. તો બીજી લ્હેરમાં એવું સામે આવ્યું છે કે કોરોના હજુ પોઝિટિવ હોય તેની સાથે જ મ્યુકરમાઇકોસિસ પણ થઇ જાય છે. પહેલી લહેરમાં મોટી ઉમરના દર્દીઓને જ ફંગલ ઇન્ફેકશન થયું હતું. જ્યારે બીજી લ્હેરમાં યુવાનો પણ અની ઝપટમાં આવી ગયા છે.

ફંગસ ઇન્ફેકશનને લઇને એઇમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ ગાંધીનગર ખાતેની એક બેઠકમાં કહ્યું હતું કે વધુ ઓકિસજન લેવાથી મ્યુકરમાઇકોસિસ થાય છે એવી શંકામાં જરાય તથ્ય નથી. ડાયાબિટીશના દર્દીઓમાં સ્ટીરોઇડનો વધુ ઉપયોગ થવાથી આ ફંગસ થઇ શકે છે. ડો. ગુલેરીયાએ આ ફંગસના ઉપચારમાં લાઇકોસોમલ નામની દવાનો વધુ ઉપયોગ કરવા ભાર મુકયો છે. આ ઉપરાંત ગાઇડલાઇન મુજબ ઉપચાર કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન સચિવ ડો. જયંતિ રવિ તથા એઇમ્સના બીજા અધિકારીઓ પણ જોડાયા હતાં.

(3:11 pm IST)