Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સંબંધના દાવે આપેલ રપ લાખની રકમ

છ ટકાના વ્‍યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ

 

રાજકોટ તા.૧૪: રાજકોટમાં રહેતા રમેશભાઇ કેશુભાઇ વેકરીયાએ પોતાના મિત્ર દિનેશભાઇ જયરામભાઇ ભાલોડીયા પાસેથી સંબધના દાવે લીધેલ ર૫ લાખની રકમ રમેશભાઇએ પરત ન કરતા કોર્ટમાં દિનેશભાઇએ કેસ કરતા તેમા રમેશભાઇએ રપ લાખ ૬ ટકાના વ્‍યાજ સાથે કેસ કરનાર દિનેશભાઇ ભાલોડીયાને પરત કરાવવાનો હુકમ થયેલ છે.

સમગ્ર કેસની હકીકત જોઇએ તો રમેશભાઇ કેશુભાઇ વેકરીયા તથા દિનેશભાઇ જયરામભાઇ ભાલોડીયા બન્ને એકબીજાને ઓળખતા હોય અને એકબીજાને મળવાનું થતા એક બીજા સાથે મિત્રતાનો સંબધ બંધાયેલ. જે સબંધમાં રમેશભાઇને રૂપીયાની જરૂરીયાત ઉભી થતા તેમણે પોતાના મિત્ર દિનેશભાઇ પાસેથી રૂ. ૨૫,૦૦,૦૦૦/- રકમ માંગણી કરેલ અને દિનેશ ભાઇએ પોતાના મિત્રને મદદ કરવા માટે રૂ.૨૫,૦૦,૦૦૦/- હાથ ઉછીના વગર વ્‍યાજે આપેલ હતા. જે રકમ દિનેશભાઇને પરત જોતી હોય જેથી રમેશભાઇને અવાર નવાર માગણી કરતા રમેશભાઇ રકમ પરત કરેલ ન હોય જેથી દિનેશભાઇએ પોતાની કાયદેસરની રકમ મેળવવા માટે પોતાના એડવોકેટ મારફત નોટીસ મોકલાવેલ હતી.

આ નોટીસ રમેશભાઇને કાયદા મુજબ બજી ગયેલ હોય તેમ છતાં રમેશભાઇએ કોઇ રકમ આપેલ ન હોય, જેથી દિનેશભાઇએ ન છૂટકે પોતાની રકમ મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કરેલ. જે કેસમાં રમેશભાઇને કોર્ટની નોટીસ બજેલ. ત્‍યારબાદ રમેશભાઇએ કેસમાં તેમના વકીલ થકી હાજર થયેલ ત્‍યારબાદ સંપૂર્ણ કેસ કાયદાની જોગવાઇ મુજબ ચાલેલ અને ચાલુ કેસ દરમિયાન બન્ને પક્ષકારના એડવોકેટ પોત પોતાની રજુઆત તથા ડોક્‍યુમેન્‍ટ રજુ રાખેલ. જેમાં કોર્ટએ દિનેશભાઇના એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણી દલીલને માન્‍ય રાખીને હાથ ઉછીનાની રકમ લેનારને રકમ રૂા.૨૫,૦૦,૦૦૦/- ૬ ટકાના વ્‍યાજ સાથે કેસ કરનાર દિનેશભાઇ ભાલોડીયાને ચુકવવા તેવો ન્‍યાયીક હુકમ રાજકોટના સ્‍મોલ કોર્ટના જજ શ્રી ચંદ્રકાંત નથુભાઇ દેસાઇએ હુકમ ફરમાવેલ છે.

આ કામમાં દિનેશભાઇ જયરામભાઇ ભાલોડીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણી, વીજય સીતાપરા, પ્રદીપ બોરીચા, વીરજી કોટેચા તથા વિવેક સોજીત્રા રોકાયેલા હતા.

(3:10 pm IST)