Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કાગદડીના મહંતના મોતમાં ડોકટર અને ટ્રસ્ટી વકિલની સંડોવણી પણ ખુલી : કલમોનો ઉમેરો

મહંતના મૃતદેહને આશ્રમથી સવારે ૧૦:૩૦ લઇ જવાયો'તોઃ પણ ડોકટરે દાખલ ટાઇમ સવારના ૬નો અને મૃત્યુ ટાઇમ સવારના ૮:૧૫નો લખી નાંખ્યો'તો : એડવોકેટ રક્ષિત કલોલાએ મૃતદેહ આશ્રમેથી રવાના થયો એ સાથે જ રૂમની સાફસફાઇ કરાવી હતી અને સ્યુસાઇડ નોટ પોતાની પાસે રાખી ફોટો પાડી સાધુ રઘુવિરદાસને મોકલી હતીઃ ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ અને પીઆઇ એન. એન. ચુડાસમાએ વિગતો જાહેર કરી : સ્યુસાઇડ નોટ રક્ષિત કલોલાએ પોતાની પાસે રાખી લીધી હતીઃ મહંતની લાશ રવાના થઇ એ સાથે જ રૂમની સાફસફાઇની સુચના આપી હતી : મહંત જયરામદાસબાપુના મોબાઇલ ફોનમાંથી સલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટા પણ મળ્યા : ટ્રસ્ટી રિક્ષત કલોલાની હાજરીમાં ૩૦/૫ના રોજ વિક્રમ ભરવાડે મહંતને લાકડીથી માર માર્યો હતો : કાવત્રાની કલમ ૧૨૦-બી તેમજ અન્ય કલમો ૪૬૫, ૪૭૭નો ઉમેરોઃ ભાગતા ફરતાં આરોપીઓનો વાહનો બોલેરો, સ્વીફટ તથા જમીન ખોદવાનું મશીન કબ્જે

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ અને પીઆઇ એન. એન. ચુડાસમાએ વિગતો જાહેર કરી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાધુશ્રી જયરામદાસ ગુરૂપ્રેમદાસને મરવા માટે મજબૂર કરવાના ગુનાની તપાસમાં આગળ વધી રહેલી પોલીસે વધુ કેટલાક પુરાવાઓ મેળવ્યા છે. સાથો સાથ ખોડિયારધામ આશ્રમના અન્ય ટ્રસ્ટી રક્ષિત કલોલો અને ડોકટરની ભુમિકા પણ ખુલ્લી પાડી છે. મહંતશ્રીનું મોત ઝેરી દવાથી નહિ પણ કુદરતી રીતે હાર્ટએટેક આવવાથી થયું એવું જાહેર કરવામાં આ બંનેએ ભાગ ભજવી કાવત્રુ રચી પુરાવાનો નાશ કર્યો હોવાનું ખુલતાં વધુ કલમોનો ઉમેરો કરાયો છે. તો બીજી તરફ મહંતશ્રીના ભત્રીજા, જમાઇ અને સેવક ફરાર હોઇ તેને શોધી કાઢવા ટીમોએ દોડધામ યથાવત રાખી હોઇ એ દરમિયાન બે આરોપીની બોલેરો ગાડી, સ્વીફટ કાર અને જમીન ખોદકામમાં વપરાતું મશીન કબ્જે લેવાયા છે.

કાગદડીના મહંતશ્રીના અપમૃત્યુની ઘટનામાં કુવાડવા રોડ પોલીસે ટ્રસ્ટી રામજીભાઈ જેશાભાઇ લીંબાસીયા (રહે. કાગદડી તા.જી.રાજકોટ)ની ફરિયાદ પરથી મહંતશ્રીના ભત્રીજા અલ્પેશ પ્રતાપભાઈ સોલંકી (રહે.પેઢાવાડા તા.કોડીનાર), જી.ગીર અલ્પેશના બનેવી હિતેશ લખમણભાઈ જાદવ (રહે.-પ્રશ્નાવડા તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ) અને સેવક વિક્રમ દેવજીભાઈ સોહલા (રહે.ગાંધીગ્રામ) તથા તપાસમાં ખુલે તેઓનાં વિરૂધ્ધ કુવાડવારોડ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ. ૩૦૬,૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરી તપાસ આગળ વધારી હતી. જેમાં ૩૦/૫ના રોજ સેવક વિક્રમ ગુસ્સે થઇ લાકડી લઇ મહંતશ્રીના રૂમમાં જતો હોવાનું અને મહંતે આત્મહત્યા કરી હોવાની સ્પષ્ટતા સીસીટીવી ફૂટેજને આધારે થઇ ગઇ હતી.

આ બનાવમાં પોલીસે વિશેષ પુરાવા એકઠા કર્યા છે તેની માહિતી આપતાં ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ અને પીઆઇ એન. એન. ચુડાસમાએ જણાવ્યું હતું કે આ બનાવની તપાસ દરમ્યાન પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ , સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદની સુચના મુજબ આ આરોપીઓ વિરૂધ્ધ વધુમાં વધુ પુરાવા એકઠા કરવા અને સાધુ જયરામદાસબાપુનાં મોત પાછળ અને જયરામદાસબાપુનાં મોતને કુદરતી મૃત્યુમાં ખપાવી દેનાર શખ્સોની તપાસ કરવા અને જે જે આરોપીઓની જયરામદાસ બાપુનાં મોત પાછળ શંકાસ્પદ ભુમિકા હોય તેના વિરૂધ્ધ ઉંડાણ પુર્વક વધુમાં વધુ પુરાવા મેળવા માટે સુચના હોઇ એસીપી એસ. આર. ટંડેલ અને એસીપી ક્રાઇમ ડી. વી.બસીયાનાં માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધારાઇ હતી. આશ્રમમાં રહેતા સેવકો તથા લાગતા વળગતાઓની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવેલ અને નિવેદનો લેવામાં આવેલ છે. તેમજ આશ્રમનાં સીસીટીવી ફુટેજ મેળવી અમુકના મોબાઇલની કોલ ડીટેઇલના આધારે પણ તપાસ કરવામાં આવી છે.

આ ઉપરાંત એફએસએલની મદદ પણ લેવામાં આવેલ અને વૈજ્ઞાનીક ઢબે પણ તપાસ કરવામાં આવી છે. તપાસ દરમ્યાન અમુક વ્યકિતની શંકાસ્પદ ભુમિકા જણાયેલ જેથી તે આધારે તપાસ કરતા એવું સામે આવ્યું છે કે સાધુ જયરામદાસબાપુની લાશ તા. ૦૧/૦૬/૨૦૨૧ના સવારે સાડા દશ વાગ્યાની આસપાસ કાગદડી આશ્રમથી એક એમ્બ્યુલન્સમાં રાજકોટ માટે રવાના થાય છે. જયારે ડોકટર દ્વારા સાધુ જયરામદાસનો મરણનો દાખલો કાઢી અપાયો છે તેમાં ટાઇમ સવારના કલાક ૦૬/૦૦ તથા મરણનો ટાઇમ સવારના કલાક ૦૮:૧૫નો આપવામાં આવેલ છે.

પરંતુ હકિકતે સાધુ જયરામદાસની લાશ સવારે કલાક ૧૦/૩૦ વાગ્યા પછી આશ્રમથી રવાનાં થયેલ હતી.  આ જોતાં પ્રાથમીક રીતે ડેથ સર્ટીફીકેટ ખોટુ હોવાનું જણાયેલ. જેથી તેના આધારે તપાસ કરતા ડોકટર જે આશ્રમનાં સેવક હોઇ અને મરણ જાહેર કરવા માટે માત્ર ડેથ સર્ટીફીકેટ બનાવી અને મોત હાર્ટ એટેકથી થયાનું જાહેર કરેલ છે. જે હકિકત તપાસ દરમ્યાન ખૂલી છે. આમ ડોકટરની મહંતના મોતને કુદરતી મૃત્યુમાં ખપાવવા માટેની સ્પષ્ટ ભૂમિકા સામે આવી છે.

ડીસીપી પ્રવિણકુમાર મીણાએ વધુમાં જણાવ્યું હતું કે ખોડીયારધામ આશ્રમ  ટ્રસ્ટના ટ્રસ્ટી રક્ષિતભાઇ કલોલા દવારા તા.૩૦/૦૫/૨૦૨૧નાં રોજ આરોપી વિક્રમ ભરવાડ સાથે સદરહુ આશ્રમમાં આવવું તથા તેની હાજરીમાં આરોપી વિક્રમ ભરવાડ દ્વારા સાધુ જયરામદાસબાપુને લાકડીથી માર મારવામાં આવ્યો છે તે વિગતો પણ સામે આવી છે. આ ઉપરાંત  મહંતના મૃત્યુ બાદ સ્યુસાઇડ નોટ રક્ષિત કલોલા દ્વારા પોતાનાં કબ્જામાં રાખવામાં આવેલ હતી તેમજ સાધુ જયરામદાસની લાશ જેવી બનાવ સ્થળે ઉપરનાં માળેથી નિચે ઉતરે છે તે પછી તુરંતજ ઉપરનાં રૂમની સાફસફાઇ કરવાની સુચના પણ રક્ષીત કલોલા દવારા આપવામાં આવેલ છે. આ રીતે રક્ષિત કલોલા અને ડોકટરે અને બાપુનું મૃત્યુ કુદરતી રીતે થયુ હોવાનું જાહેર કરવા આયોજન કર્યુ હતું.

મૃત્યુ પામનાર મહંત સાધુ જયરામદાસબાપુના મોબાઈલમાથી સલ્ફોસ નામના ઝેરી ટીકડાના ફોટા પણ મળ્યા છે. સ્યુસાઇડનો ફોટો જે સાધુ રઘુવિરદાસને રક્ષિત કલોલા દ્વારા મોકલવામાં આવેલ હોઇ આ બધું જોતા ડોકટર તથા વકિલ રક્ષીત કલોલા કે જેઓ બાપુનુ કુદરતી નથી પણ ઝેરી દવાથી થયું છે તેવું જાણતાં હોવા છતાં ગુનાહિત કાવત્રુ રચી બંનેએ પુરાવાનો નાશ કર્યોહોવાનું સામે આવ્યું છે.  તેમજ ડોકટરે ખોટુ  ડેથ સર્ટીફીકેટ આપી દીધું હોઇ આ બંનેને પણ આરોપી ગણી અગાઉના ગુનામાં આઇપીસી કલમ ૧૨૦-બી, ૪૬૫, ૪૭૭નો ઉમેરો કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીઓને પકડી લેવા ટીમો અલગ અલગ દિશામાં દોડાવાઇ છે.

આરોપી અલ્પેશ સોલંકી અને હિતશ જાદવના કબ્જાનું જમીન ખોદવા માટેનું હિટાચી મશીન તથા આ બંને આરોપીઓની બોલેરો તથા સ્વીફટ કાર કબ્જે લેવામાં આવી છે. તેમજ આરોપીઓની મિલ્કત અંગે તપાસ યથાવત રખાઇ છે. તેમ વધુમાં જણાવાયું હતું.

વિશેષ તપાસ ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ, એસીપી ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા અને ટીમો, ક્રાઇમ બ્રાંચની ટીમો ચલાવે છે.

બ્લેકમેઇલીંગના પૈસાથી અલ્પેશ રાજકોટમાં મકાન ખરીદવાનો હતો

. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે મહંતને બ્લેકમેઇલીંગ કર્યા બાદ જે પૈસા મળ્યા તેમાંથી એક આરોપી અલ્પેશ રાજકોટમાં મકાન પણ ખરીદ કરવાનો હતો. આ ગુનામાં ફરિયાદી રામજીભાઇ લીંબાસીયા પણ સ્યુસાઇડ નોટ બાબતે અગાઉથી જાણતાં હોઇ તેની ભુમિકા પણ શંકાસ્પદ જણાઇ રહી છે.

(3:25 pm IST)