Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

એઇમ્સ-ઝનાના હોસ્પિટલ-નવુ કોર્ટ સંકુલ- ઇશ્વરીયા પાર્કના સાયન્સ સેન્ટર અંગે કલેકટરે તમામને બોલાવ્યા

ઇશ્વરીયા પાર્ક ખોલવા અંગે ચર્ચા થશે : સાંજે ઓકસીજન પ્લાન્ટ અંગે બેઠક

રાજકોટ, તા. ૧૪ :  રાજકોટમાં પાંચ મહત્વના પ્રોજેકટ બની રહ્યા છે, આજે બપોરે ૧ વાગ્યાથી કલેકટરે એઇમ્સ, ઝનાના હોસ્પિટલ, માધાપર ચોકડી પાસે બનતુ નવું કોર્ટ સંકુલ, ઇશ્વરીયા પાર્કનું બની ગયેલ સાયન્સ સેન્ટર તથા ઇશ્વરીયા પાર્કમાં પણ વૃક્ષો જાળવણી સહિતની બાબતે જે તે જવાબદાર અધીકારીઓને તાકિદની મીટીંગ બોલાવી સમીક્ષા હાથ ધરી છે.

રૂડાએ એઇમ્સ મુખ્ય બિલ્ડીંગનો પ્લાન નામંજુર કરાતા હવે, તેમાં ટેકનીકલ ફોલ્ટ દૂર ૭ દિ'માં નવેસરથી મુકવા અંગે તથા પરા-પીપળીયા-ખંઢેરીના રસ્તાઓ, ૬૬ કેવી વીજ લાઇન સ્થળાંતર અંગે રૂરલ પ્રાંતશ્રી દેસાઇ ઉપરાંત વીજ બોર્ડ અને રૂડાના અધિકારીઓ સાથે મીટીંગ યોજી કામગીરી ધડાધડ પૂર્ણ કરવા કલેકટરે સુચના આપી હતી, આ ઉપરાંત ઇશ્વરીયા પાર્કના સાયન્સ સેન્ટર અંગે તેમા ખાસ એડમીનીસ્ટ્રેટીવ ઓફીસરને બોલાવી હાલ ચાલી રહેલ ફર્નીચર કામ કયારે પૂર્ણ થશે, રંગરોગાનનું કામ અંગે પણ જાણકારી મેળવી હતી, તો ઇશ્વરીયા પાર્ક ખોલવા અંગે સીટી પ્રાંત-૧ શ્રી ગઢવી સાથે ચર્ચા કરી પાણીનો પ્રશ્ન, વૃક્ષો-ગાર્ડનની જાળવણી સહિતના મુદ્દે સમીક્ષા કરાઇ હતી.

આ ઉપરાંત બની રહેલ ઝનાના હોસ્પિટલ તથા માધાપર ચોકડીના ૭ માળના નવા કોર્ટ સંકુલ ખાતે આર એન્ડ બી.ના ઇજનેર શ્રી નીતેશ કામદાર, સીવીલના ડો. બુચ, ડો. ગોસ્વામી,  સેવાંગભાઇ પાસેથી કામગીરી અંગે વિગતો મેળવી હતી.

દરમિયાન સાંજે કલેકટરે રાજકોટ શહેર-જિલ્લામા ઉભા કરવામાં આવનાર ઓકસીજન પ્લાન્ટ અંગે મીટીંગ બોલાવી છે., સીવીલમાં પ૦૦-પ૦૦ લીટરના દર મીનીટે ઓકસીજન ઉત્પાદન અંગેના બે પ્લાન્ટ જી.સીએલઆરમાંથી અઠવાડીયામાં ડિલીવરી થાય તેવી શકયતાએ નકકી કરાયેલ સ્થળે ઇન્સ્ટોલેશન કરવા સંદર્ભે એડી. કલેકટરશ્રી જે.કે. પટેલ, વેટના શ્રી ગોયાણી, તથા અન્ય અધિકારીઓ સાથે ફાઇનલ કરાશે.

(3:50 pm IST)