Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાજકોટ સિવિલ માટે સુવર્ણ દિવસ-૫૦૦થી વધુ મ્યુકોરમાયકોસીસના દર્દીઓની સર્જરીઃ નવો રેકોર્ડ

સતત ૧૨ કલાક ૫ ઓપરેશન થિએટરમાં કરાતી રોજની ૨૦થી વધુ સર્જરી : મ્યુકોર માયકોસીસના નવા કેસમાં સતત ઘટાડો, ૬૦ જેટલા દર્દીઓને રજા આપવામાં આવી : ૩૦૦થી વધુ દર્દીઓ ઓપરેશન બાદ સમરસ ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ

રાજકોટ તા. ૧૪: રાજકોટ માટે ગૌરવની વાત છે કે તા. ૧૨ મી જૂને રાજકોટ સિવિલ દ્વારા છેલ્લા ૨ માસમાં કુલ મળી મ્યુકોર માયકોસીસના ૫૦૭ દર્દીઓની સર્જરી કરી એક નવો જ રેકોર્ડ સર્જ્યો હોવાનું અને સિવિલની હિસ્ટ્રીમાં આટલા ઓપરેશન્સ આટલા ટૂંકા ગાળામાં ક્યારેય પણ થયા નહી હોવાનુ ઈ.એન.ટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે.

કોરોનાની બીજી લહેરના અંતમાં મ્યુકોર માયકોસીસના કેસની લહેર આવતા એક સાથે અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા અમારા માટે તેમને વહેલી તકે નિદાન, સારવાર અને સર્જરી કરવી એ ખુબ જ મોટી ચેલેન્જ હતી, પરંતુ સિવિલ અધિક્ષકશ્રી આર.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડોકટર્સ, ર્નસિંગ સ્ટાફ અને જરૂરી ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરી અમે આટલી મોટી સંખ્યામાં સફળતાપૂર્વક દર્દીઓની સારસંભાળ રાખી શક્યાનું ડો. સેજલ જણાવે છે.

મ્યુકોર માયકોસીસના દર્દીઓને હાઈલી સ્કિલફુલ સર્જરી જરૂરી

દર્દીઓની સર્જરી અને ટ્રીટમેન્ટ વિષે જણાવતા ડો. સેજલે કહ્યું હતું કે, મૉટે ભાગે મ્યુકોર માયકોસીસના દર્દીઓ ડાયાબિટીક દર્દીઓ તેમજ પોસ્ટ કોરોના દર્દીઓ હોઈ તેમની ઇમ્યુનીટી અને બીજા ફેકટર ધ્યાનમાં રાખી હાઈલી સ્કિલફુલ સર્જરી કરવી પડે છે. આ સર્જરી નાકમાં દૂરબીન નાખી કરવામાં આવતી હોઈ સર્જરી દરમ્યાન સાયનસના ભાગે ખુબ સાવચેતી રાખવી પડે. જેની સીધી અસર આંખ અને મગજના તાળવે થતી હોઈ છે. અંદરની તવચા ખુબ જ નાજુક હોઈ  જરાપણ ડેમેજ નો થાય તે રીતે ધીરજપૂર્વક સર્જરી કરવી પડે.

રાજકોટ સિવિલના ઈ.એન.ટી. વિભાગમાં ૫ ઓપરેશન થિએટરમાં સવારના ૮:૩૦ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન ૧૨ કલાકમા રોજની ૨૦ જેટલી સર્જરી કરવામાં આવે છે. જેમાં ઈ.એન.ટી. ડોકટર્સ ડો. સેજલ, ડો. પરેશ ખાવડુ તેમજ ડો. સંદીપ વાછાણીની આગેવાનીમાં સિનિયર રેસિડન્ટ ડોકટર્સ, જરૂર મુજબ આંખના અને દાંતના ડોકટર્સ અને ખાસ તો એન્સ્થેટિકની ટીમનો ખુબ અગત્યનો રોલ હોઈ છે.

ફંગસની સિરિયસનેસ તેમજ ઉંમરના ક્રાઈટેરિયા બાદ ઓપરેશન

મ્યુકોર માયકોસીસની સારવાર બે ભાગમાં વહેંચાયેલી હોઈ છે. જેમાં એક ભાગ સર્જીકલ અને બીજો ભાગ મેડિકલ ટ્રીટમેન્ટ હોય છે. દર્દી દાખલ થયા બાદ તેમના ફંગસ માટેના જુદા જુદા રિપોર્ટ તેમજ જરૂર પડ્યે ઈ.એમ.આર.આઈ. કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીને ફંગસની ગંભીરતા તેમજ ઉંમરના ક્રાઈટેરિયા બાદ તેમનું ઓપરેશન અગ્રતાના ધોરણે કરવામાં આવે છે. ઓપરેશન પહેલા તેમની ફિટનેસ ચેક કરવામાં આવે છે. ઓપરેશન પહેલા અને ત્યારબાદ તેમની મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવેછે. જેમાં જરૂરી ઇન્જેકશન અને મેડિસિન હોઈ છે. ઓપરેશન બાદ દર્દીને ૨૧ થી ૪૫ દિવસ સુધી ઓબ્જર્વેશનમાં રાખવામાં આવે છે. એટલુંજ નહિ પરંતુ દર્દીને રજા આપ્યા બાદ તેઓનું સાપ્તાહિક ચેકઅપ પણ કરવામાં આવે છે. હાલ ૬૦ જેટલા દર્દીઓ બિલકુલ સાજા થઈ તેમને રજા આપવામાં આવી હોવાનું તેમજ ૩૦૦ થી વધુ દર્દીઓને ઓપરેશન બાદ સમરસ ખાતે ઓબ્જર્વેશન હેઠળ રખાયા હોવાનુ ડો. સેજલ મિસ્ત્રીએ જણાવ્યું છે.

મ્યુકોર માયકોસીસના દર્દીઓની સારવાર માટે સ્કિલ્ડ ટીમ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકોર માયકોસીસના દર્દીઓની સારવારમાં સિવિલના આંખના સર્જન ડો. નીતિબેન શેઠ, ન્યુરો સર્જન ડો. અંકુર પાવાણી, તાળવાના સર્જન ડો. હિરેન સંઘાણી, ડો. ગૌરાંગ નકુમ, મેડિસિનના નોડલ ઓફિસર, એન્સ્ટેથિક ડો. વંદના અને તેમની ટીમ, નસિંગ સુપ્રિટેન્ડન્ટ હિતેશ જાખરીયા અને સમગ્ર ર્નસિંગ સ્ટાફ સાથોસાથ ઈ.એન.ટી. સોસાયટીના ડોકટર્સ કે જેઓ દ્વારા દ્વારા રોજ બે ઓપરેશન ડોકટર્સની ટીમ દ્વારા કરી આપવામાં આવે છે.(૩૦.૭)

 

ફંગસથી આ રીતે બચી શકાય

ભાવનગરથી ખાસ જોડાયેલા ડો. પરેશ ખાવડુ જણાવે છે કે, ફંગસ થયાના પ્રાથમિક લક્ષણો અંગે લોકો સજાગ બને તો વહેલી તકે તેમનું નિંદાન અને સારવાર કરવાથી તેમને ખાસ કઈ નુકસાન થતું નથી. કોરોનાની સારવાર દરમ્યાન ડોકટરોએ આઈ.સીએમ.આર. ની ગાઈડલાઈન મુજબ દવા અને સ્ટીરોઈડનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, તેમજ દર્દીને જરૂરી હોઈ તો જ ઓકિસજન પર રાખવા જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું જોઈએ.

ઈ.એન.ટી. સર્જન ડો. સંદીપ વાછાણી જણાવે છે કે, મ્યુકોર માયકોસીસ નો થાય તે માટે ખાસ તો માસ્ક પહેરવા, માસ્ક રોજેરોજ ધોયેલા પહેરવા તેમજ ભીના માસ્ક નો પહેરવા. પર્સનલ હાઇજીન અને એન્વાયરમેન્ટ હાઇજીન પર ખાસ ભાર મુકત તેઓ જણાવે છે કે, ભેજ યુકત વાતાવરણથી દૂર રહેવું, શુદ્ધ હવા મળી રહે તે માટે યોગ્ય વેન્ટિલેશન જરૂરી છે. દર્દીને રજા અપાયા બાદ દર્દીને આંખ કે તાળવાની નુકસાની થયે પરિવારજનોનો માનસિક સધિયારો ખુબ જ જરૂરી છે.

(3:51 pm IST)