Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૨૦ કોલેજોમાં રસીકરણ કેન્દ્ર શરૂ થશે

છાત્રો અને તેના પરિવાર સરળતાથી રસી મેળવી શકશે

રાજકોટ તા. ૧૪ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ જીલ્લા અને તાલુકાકક્ષાએ આશરે ૧૨૦૦થી વધુ કેન્દ્રો પર વેકસીનેશન શરૂ કરવામાં આવેલ છે.

કોરોનાની આ મહામારીમાંથી બચવા માટે વેકસીનેશન જ એકમાત્ર ઉપાય છે. રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયમાં ઝડપી વેકસીનેશનનું કાર્ય હાથ ધરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સામાજીક ઉતરદાયિત્વના કાર્યો કર્યા છે. જેના ભાગરૂપે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિદ્યાર્થીઓ અને તેઓના પરિવારના સભ્યો વેકસીન સરળતાથી લઈ શકે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ શહેરની ૨૦ કોલેજોમાં થોડા દિવસોમાં વેકસીનેશન સેન્ટર્સ શરુઆત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવશે.

આ વેકસીનેશન ડ્રાઈવમાં રાજકોટની કોઈપણ કોલેજના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારના સભ્યો પણ કોઈપણ નજીકની કોલેજમાંથી વેકસીન લઈ શકે એવી વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ કોલેજોના આચાર્યો સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી કોરોના વેકસીનેશન ડ્રાઈવ અંગે માર્ગદર્શન આપેલ હતું અને દરેક કોલેજમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ વેકસીન લે એ માટે પ્રયત્ન કરવા અપીલ કરી હતી.વેકસીનેશન માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવી શકેલ વિદ્યાર્થીઓ પણ વેકસીનેશન સેન્ટર પર જઈ સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લઈ શકશે.રાજકોટ શહેરમાં વિદ્યાર્થીઓને વેકસીન લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોટક સાયન્સ કોલેજ, જસાણી આર્ટસ કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, એમ.વી.એમ. મહિલા કોલેજ, પી.ડી. માલવીયા કોલેજ, શ્રીમતી જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, એમ.ટી. ધમસાણીયા કોલેજ, વીરાણી સાયન્સ કોલેજ, એમ.જે. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જે.એચ. ભાલોડીયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, આર.આર. પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સદગુરૂ મહિલા કોલેજ, ટી.એન. રાવ કોલેજ, ગીતાંજલી કોલેજ, એચ.એન. શુકલા કોલેજ, હરીવંદના કોલેજ, સર્વોદય કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, ગીતાંજલી ઈન્સ્ટિટ્યુટ ઓફ એજયુકેશન, શ્રીમતી જે.જે. કુંડલીયા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજ-સંતકબીર રોડ, ક્રાઇસ્ટ કોલેજ ઓફ નર્સિંગ ખાતે વેકસીન લઈ શકશે.વેકસીન લેવા આવનાર તમામે પોતાની સાથે આધારકાર્ડ લઈને આવવાનું રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે આ વેકસીનેશન ડ્રાઈવ થશે.

(3:52 pm IST)