Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

આખુ ઇન્ડીયા અનલોક તો કલાસીઝ કેમ લોક?! ચાલુ માસમાં જ શરૂ કરવાની મંજૂરી આપોઃ પ્રોપર્ટી ટેકસ માફ કરોઃ લાઇટ બીલમાં રાહત આપો

સરકાર નહિં વિચારે તો આત્મહત્યા કરવાનો વારો આવશેઃ બાળકો પણ કહે છે ઓનલાઇનમાં મજા નથી આવતી...સમજાતું નથી... : કલેકટરને રાજકોટના સેંકડો કલાસીઝ સંચાલકોનું આવેદનઃ શિક્ષકો બેરોજગારઃ શાકભાજી-પાણીપૂરીની રેંકડીઓ કરવા માંડયા...

રાજકોટના કલાસીઝ સંચાલકોએ કલેકટરને આવેદન આપી કલાસીઝો શરૂ કરવાની મંજૂરી અંગે વિગતવાર રજૂઆત કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: રાજકોટના કલાસીઝ સંચાલકોનો એસો.એ કલેકટરને આવેદન પાઠવી કલાસીસ ખોલવા, પ્રોપર્ટી ટેકસ માફ કરવા, લાઇટ બિલમાં રાહત આપવા અને કલાસીસ સંચાલકોને માટે રાહત પેકેજ આપવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ગુજરાત ફેડરેશન ઓફ એકેડમી એસોસિયેશન ગુજરાતના ર૬ જિલ્લા અને ૧પ૦ થી વધારે તાલુકાને જોડીને બનેલું સંગઠન છે. આના હોદેદારો વિજયભાઇ મારૂ, પ્રકાશભાઇ કરમચંદની નિકુંજ ચનાભટ્ટી, હાર્દિક ચંદારાણાની યાદી મુજબ આજે કોચિંગ કલાસ સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના પડતર પ્રશ્નોને વાચા આપવા, આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરીએ છીએ.

કોરોના હવે ઘણો કાબુમાં આવી ગયો છે, મૃત્યુ દર શૂન્ય છે અને કેસીસ નહિવત આવે છે, વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સહમત છે છતાં જેમ બધા વેપાર-ધંધા-વ્યવસાય ખુલી ગયા, મંદિર, મસ્જિદ, ચર્ચ, જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર, તો કલાસસ કેમ નહિં? પુરા ગુજરાતમાં એક લાખથી વધારે નાના-મોટા કલાસીસ ચાલતા હતા. જેની સાથે ૧૦ થી ૧પ લાખ શિક્ષકો અને તેના પરિવાર જોડાયેલા છે, ૧પ મહિના વિતી જવા છતાં કલાસીસ ચાલુ ન થતા આ પરિવારો મૂંઝવણમાં મૂકાયા છે, કેટલાક શિક્ષકોએ શાક-ભાજી, પાણી પુરીની રેંકડીઓ કાઢી છે, હજુ પણ સરકાર નહિં વિચારે તો આત્મહત્યા કરવાનો વારો આવશે.

આવેદનમાં ઉમેરાયું છે કે શિક્ષકો અને કલાસીઝ સંચાલકો માટે રાહત પેકેજ કેમ નહિં, આથી પ્રોપર્ટી ટેકસ માફ કરવા, લાઇટ બિલમાં રાહત આપવા, કલાસીઝ સંચાલકોને રાહત પેકેજ આપવા વિનંતી છે, તેમજ કલાસીઝમાં ૧૦ થી ર૦ વિદ્યાર્થીઓ હોય છે, અલગ અલગ બેચ હોય છે, સ્કૂલ-કલાસીઝ વચ્ચે મોટો તફાવત છે, સોશ્યલ ડિસ્ટન્સ આપોઆપ જળવાશે. જો ખોલવાની મંજુરી નહિ અપાય તો કલાસીસના ભાડા કેમ ભરીશું, બેંકના હપ્તાનું શું, શિક્ષકોનું ઘર કેમ ચલાવવું, પગાર કયાંથી કાઢવા, જેમ વેપાર, ધંધા-વ્યવસાય-મંદિરો-સ્વિમીંગ પુલ-થિયેટર ખૂલી ગયા તો કલાસીસ કેમ નહીં, મોટા ભાગની વિદ્યાર્થીઓ ભણવામાં અને આર્થિક રીતે મધ્યમ હોય છે, તેમનો કલાસીઝ મારફત જ ઉધ્ધાર થાય છે, બાળકો ૧પ મહિનાથી ઓનલાઇન ભણે છે, કોઇ ફાયદો થયો નથી, બાળકો જ કહે છે, ઓનલાઇન મજા નથી આવતી, સમજાતું નથી...ઇન્ટરનેટ કનેકટિવીટીની ભયંકર સમસ્યા છે, આથી આ ચાલુ માસમાં જ કલાસીઝ ખોલવા અંગે મંજૂરી આપવા. કોચીંગ કલાસ ઓનર્સ એસો. રાજકોટે માંગણી કરી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

(5:30 pm IST)