Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વિશ્વ રકતદાતા દિવસ

મારા જીવનમાં રકતદાનની શરૂઆત કોલેજકાળમાં થયેલ અને ધીરે ધીરે શતકનો આંક વટાવી દીધો

દર વર્ષે રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા અને આભાર પ્રગટ કરવા માટે ૧૪ જનના વિશ્વ રકતદાતા દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, રેડક્રોસ અને સ્વાસ્થ્ય સંગઠનો દ્વારા ૨૦૦૫ થી વિશ્વ રકતદાતા દિવસ ઉજવવાની શરૂઆત થઈ. ABO બ્લડગ્રુપની શોધ કરનાર કાર્લ લેન્ડસ્ટાઈનર ના જન્મદિવસને નિમિત્ત બનાવી સમગ્ર વિશ્વમાં રકતદાનની પ્રવૃત્તિને વેગવાન બનાવવા આ દિવસ દર વર્ષે જુદા જુદા થીમ સાથે મનાવાઈ રહ્યો છે.

વર્તમાનમાં રકતદાન, રકતદાનની જરૂરિયાત અને ઉપયોગીતા તથા તે સાથેની આનુસંગીક બાબતો વિષે સારા પ્રમાણમાં જાગૃતિ આવી છે, તે આવકાર્ય છે. અનેક સામાજીક સંસ્થાઓએ આ કાર્ય માનવતાના કાર્યરૂપે ઉપાડી લીધું છે.

વૈશ્વિક સ્તરે 'રેડક્રોસ' સંસ્થા દ્વારા રકતદાન પ્રવૃત્તિની શરૂઆત વર્ષો પહેલા શરૂ થઈ, ત્યારથી માંડી આજ સુધી અનેક સામાજીક સંસ્થાઓ, વ્યકિતઓ , વૈજ્ઞાનિકો, સેવાભાવી લોકો, આ કાર્યમાં જોડાયા છે. ગુજરાતમાં અમદાવાદમાં  રેડક્રોસ સંસ્થા દ્વારા રકતદાનની શરૂઆત ડો. વિષ્ણુ ગણેશ માવલંકર એટલે કે આપણા પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકરના સુપુત્ર, જેઓ સ્વયં એક ઉમદા સર્જન હતા, તેમનાં દ્વારા માનવ સેવાના હેતુથી થઈ, તે આજે સ્વૈચ્છિક પ્રવૃત્તિના રૂપમાં ગામડે ગામડે પહોંચી ગઈ છે. ડો. વી. જી. માવલંકરને ગુજરાતની રકતદાન પ્રવૃતિના ભીષ્મ પિતામહ કહી શકાય.

મે મારા જીવનની રકતદાનની શરૂઆત એકદમ કુતુહલતા વશ અને ગામડાના બાળકના નિર્દોષભાવે કોલેજના પ્રથમ વર્ષમાં જ કરી હતી. તે સમયે પ્રિ. સાયન્સ હતું. ૧૯૭૨ના સપ્ટેમ્બરમાં અમદાવાદની એમ. જી. સાયન્સ ઇનસ્ટીટયુટના ગ્રાઉન્ડમાં એન.સી.સી.ના કેડેટ રકતદાન કરી રહ્યા હતા. નવા નવા કોલેજીયન તરીકે પ્રી સાયન્સમાં એડમીશન મેળવ્યા બાદ કુતૂહલતા પૂર્વક અમે બે - ચાર મિત્રો કેમ્પ તરફ ગયા. જોયુ તો, એન.સી.સી.ના કેડેટ ઉપરાંત અન્ય કોલેજીયન યુવાન - યુવતીઓ અને કર્મચારીઓ રકતદાન કરી રહ્યા હતા. રસપૂર્વક રકતદાનની વિધિ જોઇ . રકતદાનની જાગૃતિ અંગેની પત્રિકા વાંચી.  તેમાં ફાધર વાલેસના રકતદાન વિષેના વાકયો વાંચ્યા. સાયન્સના વિદ્યાર્થી હોવાના નાતે રકત, રકતકણો, બ્લડગૃપ અને તે અંગેની અન્ય જાણકારી તો હતી જ. આજે વિશેષ જાણકારી મળી. અને બસ, કશુંય વધારે વિચાર્યા વગર, હું પણ રકતદાન કરવા સૂઈ ગયો. આ હતું મારું પ્રથમ રકતદાન! આનંદ સાથે પરોપકાર કર્યાનો અને પુણ્ય કમાયાનો અહેસાસ હતો. ત્યારની ઘડી અને આજ દિન સુધી મારી આ રકતદાનની યાત્રા ચાલુ જ છે.

આમ પ્રથમ વાર રકતદાન કર્યા બાદ અવારનવાર કયાંક કેમ્પમાં કે કોલેજમાં  રકતદાન કરવાનો સિલસિલો શરૂ થયો. મેડીકલમાં એડમીશન મળ્યા બાદ સિવિલ હોસ્પિટલની રેડક્રોસ બ્લડ બેંકમાં રકતદાન કરવા જવાનું થતું. જયારે રકતદાનનો આંકડો ૧૧ (અગીયાર ) નો થયો ત્યારે, તત્કાલીન ગવર્નર શ્રીમતિ શારદા મુખર્જીના હસ્તે શિલ્ડ મળ્યો. પછી તો એમ.બી.બી.એસ. અને એમ.એસ.ના અભ્યાસ દરમ્યાન, અનેકવાર રકતદાન શિબિરોમાં વોલન્ટીયર- સ્વયંસેવક તરીકે સેવા આપવાનો સિલસિલો શરૂ થયો. એક તરફ સ્વયં રકતદાતા અને બીજી તરફ કેમ્પ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવાનું કાર્ય સતત આગળ વધતું રહ્યું, કોલેજોમાં, એન.એસ.એસ. એન.સી.સી., શિબિરો, ગ્રામ્ય વિસ્તાર કે સોસાયટી યા તો સામાજિક સંસ્થાઓનાં ઉપક્રમે યોજાતી રકતદાન શિબિરોમાં ડોકટર તરીકે સેવા આપવાનો નિયમિત ક્રમ ચાલ્યો.

એક અન્ય શ્રેષ્ઠી, સમાજ સેવક અને પ્રતિષ્ઠિત સર્જન ડો. વી. કે. વાણીનું પણ રકતદાનની પ્રવૃત્તિને વેગવંતી કરવા માટે આ તકે સ્મરણ કરવું આવશ્યક છે. ડો. વાણીએ રેડક્રોસના માધ્યમથી રકતદાનની પ્રવૃત્તિઓને ગુજરાતમાં સુવ્યવસ્થિત કરવામાં મોટું યોગદાન આપ્યું છે. હમણાં જ દિવંગત થયેલા સન્યાસ આશ્રમ અમદાવાદના અધિપતિ સ્વામી શ્રી અધ્યાત્માંનદજી કે જેમણે ૧૦૦ થી વધુ રકતદાન કર્યું હતું. તેમને પણ શ્રદ્ઘાસુમન.

આવા જ શતકવીર રકતદાતા છે શ્રી મુકેશ પટેલ. વ્યવસાયે તેઓ ગુજરાતના શ્રેષ્ઠ ટેકસ કન્સલ્ટન્ટ છે, પરંતુ રકતદાનને જીવનમંત્ર બનાવી પુણ્યભાગી બનતા રહ્યા છે. રાજકોટ અને અમદાવાદમાં ૧૫૦ થી વધુવખત રકતદાન કરનાર અનેક નામી અનામી શતક રકતદાતાઓ છે જેનું પુણ્ય સ્મરણ કરવું આ તકે યથાયોગ્ય છે. આવા શતકવીર રકતદાતાઓને વંદન.

રકતદાન અંગે જાગૃતિ ફેલાવવાનું અદ્બભૂત કાર્ય ફાધર વાલેસે કર્યું. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગણિત વિષયના પ્રોફેસર, પરંતુ એક ઉમદા સંત, શ્રેષ્ઠ લેખક અને સાહિત્યકાર અને પરોપજીવી વ્યકિતત્વ, કર્મે પૂર્ણ ભારતીય એવા ફાધર વાલેસ રકતદાન વિશે ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી વાકયો અને કાવ્યો લખી રકતદાતાઓ અને રકતદાનની પ્રવૃત્તિઓને સતત બિરદાવતા. થોડા સમય પહેલા જ સ્વર્ગથ થયેલા. પુણ્યશ્લોક ફાધર વાલેસનું સ્મરણ એ જ તેમને સાચી શ્રદ્ઘાંજલિ.

અને છેલ્લે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ અને IMA  ના માધ્યમથી યોજાયેલા રકતદાન કેમ્પમાં મેં ૧૨૮ મી વાર અને મારી સાથે ડો. સુશીલ કારીયાએ રકતદાનની ઉમરની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને પણ રકતદાન કર્યું તે પ્રસંગને યાદ કરી રકતદાનની આ પ્રવૃત્ત્િ।ને વેગ આપવાનો આત્મસંતોષ અનુભવું છું.

દરેક ૧૮ વર્ષથી મોટા ઉમરના તંદુરસ્ત મહિલા કે પુરૂષ એકંદરે સ્વસ્થ, મોટી કોઈ બિમારી ન હોઈ તેવી દરેક વ્યકિત દર ત્રણ માસે નિયમિત રકતદાન કરી શકે છે. અનેક લોકો દર ત્રણ માસે રકતદાન કરે છે અને સરસ મજાનું તંદુરસ્ત આયુષ્ય ભોગવી રહ્યા છે તેની નોંધ લેવી ઘટે. માટે જો દર ત્રણ મહીને, શકય ન હોય તો વર્ષમાં ત્રણ વાર અથવા બે વાર અથવા કમસે કમ વર્ષમાં એક વાર, જન્મદિન નિમિતે, લગ્નની વર્ષગાંઠ નિમિતે, રાષ્ટ્રીય સામાજીક કે ધાર્મિક ઉત્સવ નિમિતે, પોતાના આદર્શ મહાપુરૂષ કે સંત-મહાત્માનાં જન્મદિન કે પુણ્યતિથી જેવા પ્રસંગો એ અવશ્ય રકતદાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. (૧૬.૪)

- ડો. વલ્લભ ભાઈ કથીરિયા મો. ૯૦૯૯૩ ૭૭૫૭૭

૧૨૮ રકતદાન કરનાર શતક રકતદાતા ,

પૂર્વ અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગ

પૂર્વ કેન્દ્રીય, મંત્રી ભારત સરકાર

(5:32 pm IST)