Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કાગદડીના મહંતના મૃત્યુમાં જવાબદાર કોઇ છટકી ન જાય એ જોજોઃ અખિલ ભારતીય સંત સમિતીની રજૂઆત

સંતોની લાગણીને માન મળે તેવી કાર્યવાહીની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ખાત્રી

અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાતના સંતો મહંતો અધ્યક્ષ શાસ્ત્રી નોૈતમ સ્વામીની આગેવાનીમાં પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: કાગદડીના શ્રીખોડિયારધામ આશ્રમના મહંતશ્રી જયરામદાસબાપુના બે યુવતિઓ સાથે વિડીયો ઉતારી લઇ તેમને બ્લેકમેઇલ કરી મરી જવા મજબૂર કરવાની ઘટનામાં ત્રણ મુખ્ય આરોપીઓને શોધવા પોલીસ દોડધામ કરી રહી છે એ વચ્ચે આજે અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાતના અધ્યક્ષશ્રી શાસ્ત્રી નોૈતમસ્વામિજીની આગેવાની હેઠળના એક પ્રતિનિધિ મંડળે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને રૂબરૂ મળી આવેદન પાઠવી મહંતશ્રી જયરામદાસજી મહારાજના અપમૃત્યુના કેસમાં ન્યાયી તપાસ કરી તેમના મૃત્યુમાં સામેલ કોઇપણ ગુનેગાર છટકી ન જાય અને આ કેસમાં કાવત્રાની તથા જરૂર પડ્યે હત્યાની કલમ ઉમેરી ઝડપથી ન્યાયી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે. પોલીસ કમિશનરશ્રીએ પણ આ ઘટનામાં સંડોવાયેલ કોઇ પણ ગુનેગાર બચી ન જાય એ રીતે તપાસ કરવાની ખાત્રી આપી છે.

સંતશ્રીએ જણાવ્યું હતું કે અમે અખિલ ભારતીય સંત સમિત-ગુજરાતના નેજા હેઠળ કાગદડી આશ્રમના મહંતશ્રીના અપમૃત્યુના કેસમાં યોગ્ય ન્યાયી તપાસ માટે રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ઉપાધ્યાક્ષ શત્રુઘ્નદાસજી મહારાજ, મહામંત્રી રામચંદ્ર મહારાજદાસજી, પુ. ભયલુબાપુ પાળીયાદ, વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી તેમજ ખાખી સંતોના મહંત પુ. મોહનદાસજી મહારાજ, અખિલેશદાસજી મહારાજ સહિતના જોડાયા છે. કાગદડી આશ્રમના મહંતશ્રી જયરામદાસજી બાપુના મૃત્યુના બનાવમાં પોલીસ તપાસ સારી રીતે કરી રહી છે. પરંતુ એમાં કાવત્રાની કલમનો ઉમેરો કરવામાં આવે અને જરૂર પડ્યે હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરવામાં આવે તેમજ સોૈરાષ્ટ્રના ઇતિહાસમાં નોંધ લેવાય તેવી કડકમાં કડક સજા જવાબદારોને થાય તેવી કામગીરી કરવા અમારી માંગણી છે.

સંતશ્રીએ કહ્યું હતું કે પોલીસ કમિશનરશ્રીએ અમને શાંતિથી સાંભળ્યા છે અને ખાત્રી આપી છે કે ન્યાયી કાર્યવાહી થશે. સંતોની લાગણીને માન અપાશે. વિડીયો સામે આવ્યો છે એ બાબતે પુછાયેલા સવાલના જવાબમાં મહંતશ્રીએ કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી અત્યારે યોગ્ય દિશામાં છે એટલે એ બાબતમાં અમે કશું નહિ કહીએ. પોલીસ કાર્યવાહી કરી જ રહી છે. અમારી માંગણી એટલી જ છે કે જેટલા લોકો આ મૃત્યુ પાછળ સામેલ હોય એમાંથી કોઇ બાકી ન રહી જવું જોઇએ. સંત સમાજ આ ઘટનાથી ખુબ દુઃખી છે એટલે અખિલ ભારતીય સંત સમિતીના નેજા હેઠળ અમે આ રજૂઆત કરી છે.

અન્ય સંતશ્રીએ જણાવ્યું હતું કે અમે પોલીસ કમિશનરશ્રી સાથે મુલાકાત થઇ છે. જે સંતે આત્મહત્યા કરી છે. આ કેસમાં કમિશનરશ્રીને બાહેંધરી આપી છે કે જે કોઇપણ સામેલ હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. કોઇ ગુનેગાર બચી નહિ જાય  તેનો ખ્યાલ રખાશે. શહેર પોલીસ પહેલેથી કાર્યરત છે છતાં સંતના મોતનું જે કારણ બન્યા છે એ તમામને ફાંસીના માચડે ચડાવાય તેવી કલમ ઉમેરવા અમે રજૂઆત કરી છે.

વડતાલનાશ્રી નોૈતમસ્વામી, અમદાવાદ, ભાવનગર, કલોલ, મોઢેરા, વિરમગામ સહિતની જગ્યાઓના સંતો મહંતો રજૂઆતમાં જોડાયા હતાં.

(5:39 pm IST)