Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કાજલનું દારૂડીયા પતિ ગોપાલે ગળુ દાબ્‍યું: ૬ વર્ષના દિકરાએ બચાવી

દિકરો જોઇ જતાં બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયાઃ પડધરીનો બનાવઃ પરિણીતા રાજકોટમાં સારવાર હેઠળઃ ત્રણેક વર્ષથી ત્રાસ હોવાનો આક્ષેપ


રાજકોટ તા. ૧૪: પડધરીમાં દેવીપૂજક પરિણીતા સાથે દારૂડીયા પતિએ માથાકુટ કરી દોરીથી તેનું ગળુ દાબી દેવા પ્રયાસ કરતાં તે વખતે જ છ વર્ષનો પુત્ર ઘરમાં દોડી આવતાં તેણે બૂમાબૂમ કરી મુકતાં લોકો ભેગા થઇ જતાં આ પરિણીતા બચી ગઇ હતી. તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી છે.
પડધરીમાં રહેતી કાજલ ગોપાલ સોલંકી (દેવીપૂજક) (ઉ.૩૦)ને સાંજે તેના પતિ ગોપાલ જેન્‍તીભાઇ સોલંકીએ મારકુટ કરી દોરીથી ગળાટૂંપો આપવાનો પ્રયાસ કર્યો હતો. સદ્દનસિબે એ વખતે જ કાજલનો પુત્ર ગોૈતમ (ઉ.૬) ઘરમાં આવતાં તે પિતાને માતાનું ગળુ દાબતો જોઇ જતાં બૂમાબૂમ કરી મુકતાં અડોશી પડોશી દોડી આવ્‍યા હતાં અને કાજલને બચાવી લીધી હતી. બનાવ બાદ ગોપાલ ભાગી ગયો હતો. કાજલને પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી.
તેણીના મામા કિશનભાઇએ જણાવ્‍યું હતું કે કાજલના માવતર ગોંડલના મોવૈયા ગામે રહે છે. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે અને તેને બે સંતાન છે. પતિ ગોપાલ છુટક કામ કરે છે અને ત્રણેક વર્ષથી દારૂની ટેવ પડી ગઇ હોઇ વારંવાર ઝઘડા કરે છે. ગત સાંજે કાજલનું ગળુ દાબી મારી નાખવા પ્રયાસ કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:02 am IST)