Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

લેણી રકમ મેળવવા ખુનની ધમકી આપતા ઝેરી દવા પી લેવાના ગુનામાં પકડાયેલ બે આરોપીનો છૂટકારો

રાજકોટ,તા. ૧૪ : અત્રે લેણી રકમ મેળવવા જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેના કારણે ઝેરી દવા પી લેવાની ફરીયાદના અનુસંધાને પકડાયેલ આરોપીઓ (૧) મહેશભાઇ કનુભાઇ ડોબરીયા રાજકોટ (૨) પરેશભાઇ કેશુભાઇ રૂપાપરા રહે રાજકોટની સામે કેસ ચાલી જતા અદાલતે બંને આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હૂકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી મનોજભાઇ વસંતભાઇ સાકરવાડીયાએ ફરીયાદ આપેલ, ફરીયાદી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નારાયણ ટ્રેડર્સના નામથી ઓફીસ નં. એ-૧૮ થી કમીશન એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી પરેશભાઇ પટેલ સાથે જીરાના કોમોડીટીઝનો વેપાર કરતા હતા અને આ વેપાર તેમના ઓળખીતા મહેશભાઇ ડોબરીયા મારફતે કરતા હતા જે વેપારમાં કુલ રૂપિયા ૬૦,૦૦,૦૦૦નું નુકસાન ગયેલ જે પૈકી રૂપિયા ૩૫,૦૦,૦૦૦ આપી દીધેલ અને રૂપિયા ૨૫,૦૦,૦૦૦ બાકી હતા.

આરોપીઓના દબાણથી એચ.ડી.એફ.સી. બેંકના સહીવાળા કોરા ચેકો લઇ લીધેલા અને સતત ધમકીઓના કારણે તા.૪/૫/૧૫ના રોજ દવા પી લીધેલ જે અંગેની કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી.

સદરહું ફરીયાદના અનુસંધાને પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી અને અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરેલ.

સદરહું કામમં ફરિયાદ પક્ષે કુલ ૧૮ સાહેદો તપાસેલા જેમાં ડોકટર તથા તપાસનીશ અધિકારીની જુબાની થયેલ અને ફરીયાદી ૬ દિવસ સુધી આઇ.સી.યુ.માં દાખલ હતા તેવી હકિકત રેકર્ડ ઉપર આવેલી.

આ કામમાં બચાવપક્ષે એવી રજુઆત કરવામાં આવેલ કે આ કામમાં કાયદેસરના વ્યવહારના પૈસા બાકી છે જે ન આપવા પડે તે માટે ખોટી ફરિયાદ કરેલ છે. તેમજ ફરીયાદીની ફરીયાદ સાહેદોની જુબાની તથા તપાસનીશ અધિકારીની જુબાની જોતા તમામમાં વિરોધભાસ છે. તેમજ ડોકટરશ્રીની જુબાની લેવામાં આવેલ છે. તેમાં ફરીયાદી કે ફરીયાદીપક્ષના સાહેદો દ્વારા આરોપીના નામ કે કયા કારણોસર દવા પીધેલ છે. તેવી કોઇ હકિકત જણાવેલ નથી તેમજ આઇ.પી.સી.કલમ ૫૦૬ (૨)ના કોઇ તત્વો ફલીત થતા નથી.

ઉપરોકત હકિકત તેમજ રજુ થતા પુરાવાને તથા આરોપી પક્ષે થયેલ દલીલોને ધ્યાનમાં લઇ અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, ફરીયાદપક્ષ પોતાનો કેસ નિઃશંકાપણે પુરવાર કરી શકેલ નથી. આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં બંને આરોપીઓ મહેશભાઇ કનુભાઇ ડોબરીયા તથા પરેશભાઇ કેશુભાઇ રૂપાપરા વતી એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નિવિદભાઇ પારેખ, નિતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ પટગીર, હર્ષિલભાઇ શાહ, રાજેન્દ્રભાઇ જોશી રોકાયેલા હતા.

(3:31 pm IST)