Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

જિલ્લા બેંકમાં ભરતીમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટની નોટીસ

ભાજપના જયેશ રાદડિયા સામે ઢાંકેચા જુથની કાનુની લડાઇઃ પ જુલાઇએ સુનાવણી : ૧૧૦૦ પૈકી મોટાભાગના કર્મચારીઓની પટ્ટાવાળા તરીકે ભરતી કરી બઢતી આપ્‍યાની રજુઆતઃ સહકારી ક્ષેત્રે ખળભળાટ

રાજકોટ, તા.,૧૪ : જિલ્લા સહકારી બેંકમાં કર્મચારીઓની ભરતીના મામલે નીતિન ઢાંકેચા, જુથે સરકારમાં રજુઆત કર્યા બાદ હાઇકોર્ટમાં ધા નાખી છે. ભરતીમાં ભ્રષ્‍ટાચાર અને નિયમ ભંગ થયાનો ઢાંકેચા જુથે આક્ષેપ કર્યો છે. હાઇકોર્ટે સરકાર અને બેંક સામે નોટીસ કાઢી વધુ સુનાવણી પ જુલાઇએ રાખ્‍યાનું જાણવા મળે છે.

જયેશ રાદડિયા જેમાં ચેરમેન છે તે જિલ્લા સહકારી બેંકમાં ભરતીમાં નિયમોનો સરેઆમ ભંગ થયાનો આક્ષેપ કરતા નિવેદનો અગાઉ ભાજપના સહકારી આગેવાનો નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા, વિજય સખીયા વગેરેએ કરેલ. બેંકના હાલના ૧૧૦૦ પૈકી ૯૦૦ જેટલા કર્મચારીઓની પહેલા પટ્ટાવાળા તરીકે ભરતી કર્યા બાદ ટુંકા ગાળામાં કલાર્ક અને અન્‍ય જગ્‍યા પર બઢતી આપી દેવામાં આવ્‍યાની રજુઆત સરકારમાં ઢાંકેચા જુથ દ્વારા કરવામાં આવેલ. ભરતી માટે જાહેરાત આપી અરજીઓ મંગાવવાની અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષા લેવાના નીતિ નિયમનો ખુલ્લેઆમ ભંગ થયાની રજુઆત સરકારમાં કરવામાં આવેલ. ઢાંકેચા જુથે સરકારમાં એકથી વધુ વખત જીલ્લા બેંકની ભરતી મામલે લેખીત અને મૌખીક રજુઆત કરેલ. સરકાર દ્વારા આ રજુઆત સંદર્ભે કોઇ નક્કર કાર્યવાહી ન થતા આખરે સરકારને રજુ કરેલા મુદાઓ હાઇકોર્ટમાં રજુ કરી ન્‍યાય માંગવામાં આવ્‍યો છે.

રૈયા સેવા સહકારી મંડળી સહિતના નામોથી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવેલ છે. જેમાં બેંકની ભરતી પધ્‍ધતી સામે અવાજ ઉઠાવવામાં આવ્‍યો છે. હાઇકોર્ટે આ અરજીને અનુલક્ષીને જિલ્લા બેંક, રાજય રજીસ્‍ટ્રાર તથા નાબાર્ડ બેંકને પોતાનો પક્ષ રજુ કરવા નોટીસ કાઢી વધુ સુનાવણી પ જુલાઇએ રાખી છે. ધારાસભાની ચુંટણી ટાણે જ ભાજપના બે જુથો વચ્‍ચેની લડાઇએ સહકારી ક્ષેત્રે ચર્ચા જગાવી છે. 

(3:37 pm IST)