Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

નાણાવટી ચોક અંજલી પાર્કમાં આશાબેન ધોકીયાના ઘરમાંથી ૧.૧૫ લાખની ચોરી

પ્રજાપતિ મહિલા રસોડાના કામે અને પતિ-પુત્ર ફર્નિચર કામે ગયા હોઇ ૮ કલાક રેઢા રહેલા ઘરમાં હાથફેરોઃ તાળાની ચાવી દરવાજા ઉપર ખાંચામાં રાખી હતીઃ જાણભેદુ હોવાની શંકા

રાજકોટ તા. ૧૪: ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં આવેલા અંજલી પાર્ક-૧માં સતવારા સમાજની વાડીની બાજુમાં રહેતાં સોરઠીયા પ્રજાપતિ આશાબેન દિનેશભાઇ ધોકીયા (ઉ.૪૫) નામના મહિલાના બંધ મકાનમાંથી કોઇ રોકડ અને દાગીના મળી રૂા. ૧,૧૫,૦૦૦ની મત્તા ચોરી જતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે આશાબેનની ફરિયાદ પરથી કાર્યવાહી હાથ ધરી છે. આશાબેન રસોડાના કામ કરવા જાય છે અને તેમના પતિ દિનેશભાઇ ધોકીયા તથા પુત્ર અજય ધોકીયા ફર્નિચર કામ કરે છે. આશાબેને જણાવ્‍યું હતું કે તા. ૧૨ના રોજ હું સવારે રસોડાના કામે ગઇ હતી અને મારા પતિ તથા પુત્ર પણ ફર્નિચર કામે ગયા હતાં. સવારે સાડા નવથી સાંજના ચાર સુધી અમારું ઘર રેઢુ રહ્યું હતું.

સાંજે ચારેક વાગ્‍યે હું ઘરે આવી ત્‍યારે તપાસ કરતાં કબાટમાંથી રૂા. ૧૫ હજાર રોકડા અને સોનાનો ટુંકો હાર (હાંસડી) તથા બુટી અને લેડીઝ વીંટી મળી સવા ત્રણ તોલાના ૧ લાખના દાગીના ગાયબ હતાં. તપાસ બાદ અમે પોલીસને જાણ કરી હતી.

આશાબેને વધુમાં કહ્યું હતું કે અમે ઘરની દિવાલોમાં પ્‍લાસ્‍ટર કર્યુ નથી અને ચાવી દરવાજા ઉપર ખાંચામાંરાખી હોઇ આ ચાવીનો કોઇએ ઉપયોગ કરીને લોક ખોલી લીધુ કે બીજી ચાવીનો ઉપયોગ  કર્યો? તે ખબર નથી. કોઇ જાણભેદૂનો હાથ હોવાની શક્‍યતા તેમણે દર્શાવી હતી. ગાંધીગ્રામ પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં હેડકોન્‍સ. બી. ઝેડ. રતને ગુનો નોંધતાં પીએસઆઇ જે. જી. રાણા અને સ્‍ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)