Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

સિવિલ હોસ્‍પિટલના વર્ષો જૂના જર્જરીત જોખમી ટાંકામાંથી પોપડા પડતાં સફાઇ કામદાર શોભનાબેન લોહીલુહાણ

અનેક વખતે સેનેટરી ઇન્‍સપેકટર દ્વારા લેખિત મોૈખિક રજૂઆતો થઇ છે પણ સત્તાધીશો કદાચ મોટી દૂર્ઘટનાની રાહમાં?!

સિવિલ હોસ્‍પિટલમાં ઓક્‍સિજન પ્‍લાન્‍ટ પાસે આવેલો વોર્ષ જુનો ખખડધજ પાણીનો ટાંકો તથા તેમાંથી પોપડા ખરતાં ઘવાયેલા સફાઇ કામદાર મહિલા નજરે પડે છે. આ બનાવ પછી પણ અજાણ લોકો આ ટાંકા નીચે બેઠા હતાં. તે પણ જોવા મળે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં દરરોજ શહેર અને આસપાસના ગામો તેમજ બીજા જીલ્લાઓમાંથી દર્દીઓની આવ જા થતી રહે છે. અહિ દર્દીઓને પુરતી સારવાર અને બીજી જરૂરી સુવિધા મળી રહી તે માટે તંત્રવાહકો દોડધામ કરતાં રહે છે. અહિ કમ્‍પાઉન્‍ડમાં અનેક નવા બાંધકામો પણ થયા છે. પરંતુ સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં ઓક્‍સિજન પ્‍લાન્‍ટની બાજુમાં જ આવેલા વર્ષો જુના ખખડધજ એવા પાણીના ટાંકાને દૂર કરવાની તસ્‍દી કોઇ તંત્રવાહકોએ લીધી નથી. દરમિયાન આજે આ જર્જરીત એવા વિશાળ ટાંકામાંથી મોટા પોપડા ખરી પડતાં નીચે સફાઇ કામ કરી રહેલા સફાઇ કામદાર મહિલાની માથે પડતાં તે લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ કરવા પડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ સિવિલ હોસ્‍પિટલમાં સફાઇ કામદાર તરીકે કામ કરતાં જામનગર રોડ પર તોપખાના હરિજનવાસમાં રહેતાં શોભનાબેન સુરેશભાઇ ઝાલા (વાલ્‍મિકી) (ઉ.વ.૪૦) નામના મહિલા સવારે અગિયારેક વાગ્‍યે બર્ન્‍સ વોર્ડની સામે ઓક્‍સિજન પ્‍લાન્‍ટ પાસે આવેલા પાણીના ટાંકા નીચે કામ કરતાં હતાં ત્‍યારે અચાનક ટાંકામાંથી પોપડા ખરી પડતાં શોભનાબેનના માથા પર પડતાં ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં.

બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને સેનેટરી ઇન્‍સ્‍પેક્‍ટર પણ દોડી આવ્‍યા હતાં. આ વર્ષો જુનો પાણીનો ટાંકો અત્‍યંત જોખમી બની ગયાનું હોસ્‍પિટલના લગભગ દરેક લોકો જાણે છે. અગાઉ પણ આ ટાંકાને દુર કરાવવા માટેની લેખિત તથા મોૈખિક રજૂઆતો અનેક વખત થઇ ચુકી છે. જોખમી ટોંકો ગમે ત્‍યારે મોટુ જોખમ સાબિત થઇ શકે તેમ હોવાનું કહેવાય છે. પરંતુ સત્તાધીશો કદાચ મોટી દૂર્ઘટના ઘટે તેની રાહમાં હશે કે કેમ? તેવો સવાલ લોકોમાં થઇ રહ્યો છે.

આજે ટાંકામાંથી પોપડા ખરી પડયા પછી પણ અહિ તકેદારી રખાવવામાં આવી નહોતી. ફરીથી લોકો ટાંકા નીચે ભેગા થયા હતાં અને બસી ગયા હતાં. વરસાદની સિઝન શરૂ થઇ છે ત્‍યારે પલળીને ટાંકો નબળો પડે એ પહેલા તંત્રવાહકો જાગે તે લોકહિતમાં ગણાશે.

(4:13 pm IST)