Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કાલે સાંજે ૪ના ટકોરે બંને ટીમોનું આગમન : શુક્રવારે મુકાબલો

આજનો મહાજંગ ભારત જીતશે તો રાજકોટમાં રમાનાર મેચ ખૂબ રસપ્રદ બનશે : ટીમ ઈન્‍ડિયા હોટલ સયાજી અને આફ્રિકાની ટીમ હોટલ ફોર્ચ્‍યુનમાં ઉતરશે : આફ્રિકાની ટીમ ગુરૂવારે બપોરે ૧ વાગ્‍યાથી અને ભારતની ટીમ સાંજે ૫ વાગ્‍યાથી નેટ પ્રેકટીસ કરશે, જેમાં દર્શકોને એન્‍ટ્રીની મંજૂરી નથી

રાજકોટ, તા. ૧૪ : ઘણા લાંબા સમય બાદ રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરીના મેદાનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્‍ચે પાંચ ટી-૨૦ મેચોની સીરીઝનો ચોથો મેચ રમાનાર છે. જો આજનો મેચ ટીમ ઈન્‍ડિયા જીતશે તો રાજકોટમાં રમાનાર મુકાબલો ખૂબ રસપ્રદ બનશે. સીરીઝ જીવંત રાખવા ટીમ ઈન્‍ડિયાએ મેચ જીતવો ખૂબ જ જરૂરી બની ગયો છે.

ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો આવતીકાલે સાંજે ૪ વાગ્‍યાની ચાર્ટર્ડ ફલાઈટમાં રાજકોટ આગમન થશે. બંને ટીમના ખેલાડીઓ સાથે કોચ સહિત અન્‍ય સ્‍ટાફ પણ આવી રહ્યો છે.

બંને ટીમો રાજકોટ એરપોર્ટ ખાતે આવ્‍યા બાદ સીધી જ હોટેલ ખાતે પહોંચશે. ભારતીય ટીમને હોટેલ સયાજીમાં અને આફ્રિકાની ટીમને હોટેલ ફોર્ચ્‍યુન ખાતે ઉતારો આપવામાં આવ્‍યો છે. જયાં ખેલાડીઓ આરામ કરશે.

૧૬મીએ ગુરૂવારે દક્ષિણ આફ્રિકાની ટીમ બપોરે ૧ વાગ્‍યે અને ભારતીય ટીમ સાંજે ૫ વાગ્‍યે નેટ પ્રેકટીસ કરશે. બંને ટીમના ખેલાડીઓ પ્રેસ કોન્‍ફરન્‍સ પણ કરે તેવી શકયતા છે. જયારે ૧૭મીએ બંને ટીમો હોટેલમાં આરામ કરશે. સાંજે ૩-૪ વાગ્‍યાની આસપાસ મેદાનમાં પહોંચશે.

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્‍ટેડિયમ ખાતે છેલ્લી આંતરરાષ્‍ટ્રીય મેચ ૧૭મી જાન્‍યુઆરી ૨૦૨૦ના રોજ ભારત વિ ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચે વન-ડે ઈન્‍ટરનેશનલ મેચ રમાઈ હતી. સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્‍ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા દ્વારા રમાયેલી છેલ્લી આંતરરાષ્‍ટ્રીય મેચ ૧૮મી ઓક્‍ટોબર ૨૦૧૫ના રોજ મહાત્‍મા ગાંધી-નેલ્‍સન મંડેલા શ્રેણીની એક દિવસીય આંતરરાષ્‍ટ્રીય મેચ હતી.

ટીમ ઈન્‍ડિયા : રિષભ પંત - કેપ્‍ટન, હાર્દિક પંડ્‍યા - વાઇસ કેપ્‍ટન, રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્‍યર, અક્ષર પટેલ, દીપક હુડ્ડા, વેંકટેશ અય્‍યર, દિનેશ કાર્તિક - વિકેટ કીપર, ઈશાન કિશન, યજવેન્‍દ્ર ચહલ, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક.

દક્ષિણ આફ્રિકા : ટેમ્‍બા બાવુમા - કેપ્‍ટન, ડેવિડ મિલર, ક્‍વિન્‍ટન ડી કોક (વિકેટ કીપર), એડન માર્કરમ, વાન ડેર ડુસેન, રીઝા હેન્‍ડ્રીક્‍સ, ટ્રિસ્‍ટન સ્‍ટબ્‍સ (વિકેટ કીપર), ડ્‍વેન પ્રિટોરિયસ, માર્કો જેન્‍સેન, હેનરિક ક્‍લાસેન (વિકેટ કીપર), કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે. તબરેઝ શમ્‍સી કેશવ મહારાજ વેઇન પાર્નેલ લુંગીસાની નગીડી.

(5:10 pm IST)